ભારતમાં ક્યાંય નથી તેવી વર્કિંગ વિમેન હોસ્ટેલ રાજકોટમાં બનશે : 95 રૂમમાં 252 મહિલાઓ રહી શકશેઃ સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્તને આપી મંજૂરી
આજ રોજ રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં કરોડોના વિકાસકાર્યોને મંજૂરી મળી છે. રાજકોટ મનપાએ વિકાસના દ્વાર ખોલ્યા છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નવી વર્કિંગ વુમન હોસ્ટેલ સહિત 83 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. નવી વર્કિંગ વિમેન હોસ્ટેલની જો વાત કરીએ તો રાજકોટમાં નોકરી માટે આવતી મહિલાઓને સસ્તાદરે વધુ સુવિધા મળી રહે તે માટે મહાપાલિકા દ્વારા આખા ભારતમાં ક્યાંય ન હોય તેવી વર્કિંગ વિમેન હોસ્ટેલ રૈયા સ્માર્ટ સિટી (અટલ સરોવર) પાસે બનાવવામાં આવશે.
આ પણ વાંચો :રાજકોટમાં 32 લાખની લૂંટમાં બિલિંગ કૌભાંડ? GST કે IT વિભાગ ઝંપલાવે તો બીલીંગનું મોટું રેકેટ ખૂલવાની સંભાવના
44 કરોડના ખર્ચે બનનારી આ હોસ્ટેલમાં 95 રૂમ તૈયાર કરાશે અને તેમાં 252 મહિલાઓ રહી શકશે. અહીં કેફે, રેસ્ટોરન્ટ-મેસ, ઈન્ક્યુબેશન સેન્ટર, સેલ્ફ ડિફેન્સ સ્ટુડિયો, જોગિંગ ટ્રેક, લોન્ડ્રી રૂમ, પિકલ બોલ, યોગા પેવેલિયન, કાઉન્સેલિંગ રૂમ, લિવિંગ ચેસ, ઓપન એર એરિના, પેન્ટ્રી (દરેક માળે બે), એડમિન ઓફિસ, ઈનડોર ગેમ્સ (ચેસ, કેરમ, લૂડો વિગેરે), હોબી સેન્ટર, ડાન્સ સ્ટુડિયો-આર્ટ રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધા અપાશે.
આ પણ વાંચો :આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટમાં : 194 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત,સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે રાજ્યકક્ષાનો કાર્યક્રમ
આ માટે કરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં કુલ ચાર એજન્સીએ રસ લીધો હતો જે પૈકી વ્રજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ. તેમજ શાંતિ પ્રોકોન એલએલપી (જોઈન્ટ વેન્ચર)એ 7.21% ઉંચા ભાવે કામ કરવા તૈયારી દર્શાવી હતી જેથી 35 કરોડના ખર્ચનો અંદાજ હવે 44 કરોડે પહોંચી ગયો છે. આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.
