રાજકોટમાં 32 લાખની લૂંટમાં બિલિંગ કૌભાંડ? GST કે IT વિભાગ ઝંપલાવે તો બીલીંગનું મોટું રેકેટ ખૂલવાની સંભાવના
રાજકોટ શહેરમાં ગઈકાલે (બુધવારે) બપોરે ધમધમતા એવા રેસકોર્સ રોડ પર લવ ગાર્ડન પાસે એગ્રીકલ્ચર પ્રોડક્ટના કમિશન એજન્ટને માર મારીને 32 લાખ જેવી માતબર રકમ લૂંટી લેવાના ઘટનાક્રમમાં એગ્રીકલ્ચરના નામે બીલીંગ કૌભાંડ છે કે શું? તેવી ભારે ચર્ચા છે. રાજકોટ શહેરમાં જણસોના ખરીદ-વેચાણના નામે રોજિંદા ચોક્કસ બેન્કોમાંથી લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતાં હોવાનું અને જો એગ્રીકલ્ચર પ્રોડક્ટના નામે બીલોની લેતી-દેતી સાથેના માત્ર ઓનપેપર જ સોદા પડતા હોય તો રાજકોટમાંથી જ માત્ર મહિને કરોડો રૂપિયાના આવા બીલો બનતા હશે અને સાથે સરકારી તિજોરીને પણ જીએસટી કે આવા ટેક્સ હેઠળ મોટું નુકસાન થઈ રહ્યું છે. જો પોલીસ અને સંબંધિત એજન્સીઓ ઉંડી ઉતરીને તપાસ કરે તો બીલીંગનું મોટું રેકેટ ખૂલવાની પણ સંભાવનાઓ જાણકારો દર્શાવી રહ્યા છે.
રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર શિતલ પાર્ક પાસે શહીદ સુખદેવ ટાઉનશિપ ફ્લેટ નં.બી-1/701માં રહેતા સમીર ભાઇ રશ્મિકાંતભાઈ પંડ્યા (ઉ.વ.50) એગ્રીકલ્ચર પ્રોડક્ટનું કમિશનથી કામકાજ ધરાવે છે. સમીર પંડ્યાએ કોટનની ગાંસડી ખરીદવા માટે રાજકોટમાં ભૂતખાના ચોક પાસે રોયલ કોમ્પ્લેક્સમાં એક્તા એન્ટરપ્રાઈઝ નામે પેઢી ધરાવતા શૈલેષભાઇ મનસુખભાઈ દલસાણિયાને 32 લાખ રૂપિયા આપ્યા હતા. ભાવમાં ગાંસડી ન મળતા જે રૂપિયા શૈલેષનો પરિચિત વ્યક્તિ કીયા કારમાં રેસકોર્સ પાસે લવ ગાર્ડન નજીક આપવા ગઈકાલે બપોરે સાડા બારેક વાગ્યાના અરસામાં આવ્યો હતો. નાણાં ભરેલી બેગ આપીને કારચાલક નીકળી ગયો અને તુરંત જ બે શખસો એક્સેસ ટૂ-વ્હિલર પર ધસી આવ્યા હતા. એક શખસે પોલીસ તરીકે ઓળખ આપી કાંઠલો પકડી થપ્પડ મારીને 32 લાખની રોકડ ભરેલો થેલો ઝૂંટવી સાથે રહેલા શખસને આપી દેતા તે લઈને નીકળી ગયો હતો.
યુવક સમીર પંડ્યાને એક્ટિવાની ડેકી મારે ચેક કરવી છે કહી બે મોબાઈલ ફોન ઝૂંટવી લીધા હતા. સમીરને માર મારનાર વ્યક્તિ પોલીસ જેવો ન લાગતા તેણે કહ્યું કે તમે મને પોલીસ મથકે લઈ જાવ તમે જે માહિતી પૂછશો તેનો જવાબ હું આપીશ જેથી આરોપી ઉશ્કેરાઈ ગયો અને કહ્યું કે મારું નામ સાહબાજ મોટાણી છે. હું પોલીસ જ છું, ધમકાવી એકાદ કલાક સુધી ક્યાંય જવા દીધો નહીં અને ત્યારબાદ એક્ટિવામાં બેસાડીને રેસકોર્સ ખાતે મહિલા ગાર્ડન તરફ લઈ ગયો હતો. મોકો મળતા ઉતરીને સમીર ભાગ્યો હતો. ફરી સમીરને પકડીને પાછો ગાર્ડન પાસે લઈ આવ્યો હતો અને અડધો કલાક જેટલો સમય બેસાડી રાખ્યો હતો. માર મારીને કહેવા લાગ્યો કે તું પૈસા અપાવાવાળા માણસને બોલાવ અને વધારાના પૈસા અપાવ નહીં તો તને જવા નહીં દઈએ. થોડી વાર ધમકાવીને સમીરને બન્ને ફોન પરત આપી દીધા હતા. સમીરે કહ્યું કે, હું પોલીસ સ્ટેશને જઈશ તો કહેલ કે તારે જ્યાં જવું હોય ત્યાં જા કહી બન્ને શખસો ભાગી ગયા હતા.
સમીર પંડ્યા 32 લાખની લૂંટ સંદર્ભે પ્ર.નગર પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યાં પીઆઈ વિક્રમ વસાવા, પીએસઆઈ જયકુમાર રાણીંગાએ યુવકની ફરિયાદ આધારે લૂંટ, અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ગતરાત્રીના જ આરોપી પ્ર.નગર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચે મળી આરોપીઓ ટ્રાફિક વોર્ડન કે જે પ્ર.નગર પોલીસ મથકમાં જ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે શાહબાજ ઈસ્માઈલભાઈ મોટાણી (ઉ.વ.39, રહે.હુડકોક્વાર્ટર નં.14, શેરી નં.1, સાંઢિયા પુલ પાસે-જામનગર રોડ) સાગરીતો જંક્શન પ્લોટ પાસે રેફ્યુજી કોલોનીમાં રહેતા આઈ.કે. સિલેક્શન (જામટાવર પાસે)વાળા દાનીશ ઈબ્રાહીમભાઈ શેખ (ઉ.વ.20, જામનગર રોડ પર પરસાણાનગર શેરી નં.6/7ના ખૂણે) રહેતા અતિક દોશમહંમદ સુમરા (ઉ.વ.19) તથા સ્લમ ક્વાર્ટર નં.150, જામનગર રોડ પર રહેતા મહેશ ખોડાભાઈ વાઘેલાની ધરપકડ કરી હતી. રાત્રીના જ 32 લાખ પૈકીની લૂંટની 21 લાખની રકમ કબજે લીધી હતી. ટીપ આપનાર વિક્રમ કે જે નાણા મોકલનારનો વ્યક્તિ છે તેની ધરપકડ કરવા, અન્ય રકમ કબજે લેવા, પ્લાન કેવી રીતે ઘડ્યો, અન્ય કોની કોની સંડોવણી સહિતના મુદ્દે આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે. બીજી તરફ એક એવી પણ વાત છે કે લૂંટમાં એગ્રીકલ્ચર પ્રોડક્ટની ખરીદી અર્થે રકમ અપાઈ હતી તે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન આરટીજીએસ બાલાજી એજન્સી નામે થયું હતું. સમીર પંડ્યા અને લાખોનું આરટીજીએસ કરનાર પેઢીને શું સંબંધો, સંબંધમાં રકમ મેળવી હતી ? ભાગીદારી હતી ? રાજકોટમાં એગ્રીકલ્ચર પ્રોડક્ટ, જણસોની ખરીદ, વેચાણ નામે યાર્ડમાં પેઢી કે કમિશન એજન્ટ અથવા તો કોઈપણ સ્થળે એગ્રીકલ્ચર નામે પેઢી રજિસ્ટ્રેશન કરાવી જીએસટી કે આવા નંબરો મેળવીને બીલ પર લાખોના સોદા થતાં હોય છે. ખરેખર જણસોની ખરીદી કે વેચાણ થતાં હોય છે કે સોદાઓ કાગળ પર બતાવીને લાખો, કરોડોના ટ્રાન્ઝેક્શન થાય છે અને કમિશનનો કે જીએસટી કે આવા ટેક્સની લાખો-કરોડોની ટેક્સ ચોરી થઈ રહી છે કે કેમ ? તે પણ તપાસનો મુદ્દો છે. ક્રાઇમ બ્રાન્ચ તથા પ્ર.નગર પોલીસે નિશાંત સહિતના કેટલાકને સકંજામાં લઇ પૂછતાછ કરી રહી હોવાનું જાણવા મળે છે.
પોલીસને ઉગારવા પોલીસ સ્ટેશનને તારવી લેવાયું? ટીઆરબીને આટલી છૂટ?
જે રીતે ફરિયાદમાં ક્યાંય પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદી સમીર પંડ્યાને આરોપી ટીઆરબી શાહબાજ મોટાણી અને સાગરીતો દ્વારા પોલીસ હોવાનું કહી લઈ જવાયો હતો ત્યાં દમદાટી બાદ રાત સુધી રાખીને વાટાઘાટો ચાલી હતી એવી ગઈકાલે વાતો વહેતી થઈ હતી. ફરિયાદમાં પોલીસ સ્ટેશનનો કોઈ નામ-ઉલ્લેખ જ નથી. પોલીસ સ્ટેશનમાં યુવકને બેસાડી રખાયો તે ત્યાં અન્ય પોલીસ કર્મીઓને કોઈ અધિકારીને ખ્યાલ જ હોઈ શકે. તો એક વાત એવી પણ ચર્ચાઈ રહી હતી કે 21 લાખ પરત આવ્યા, 11 લાખ ઘટ્યા એટલે વાત પોલીસ ફરિયાદ સુધી પહોંચી હતી. પ્ર.નગર પીઆઈ વસાવાની કડકાઈ, સતર્કતાથી ફરિયાદ ગુનો નોંધાયો હોવાની પણ ચર્ચા છે. જો લૂંટમાં આડકતરી રીતે કોઈ પોલીસની સંડોવણી હોય કે શાહબાજને છૂટ આપી હોય તો તેવા પોલીસ કર્મી, ચોક્કસ સ્ટાફ કે કોઈ આવા અધિકારીને ઉગારી કે તારવી લવા માટે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં કાંઈ બન્યું જ નથી એવું ક્યાંય બતાવાયું કે ફરિયાદમાં ઉલ્લેખ નહીં કરાયો હોય ? કે ખરેખર પોલીસ સ્ટેશને ફરિયાદીને ટીઆરબી જવાન લાવ્યો જ ન્હેતો એટલે પોલીસ સ્ટેશનનો ઉલ્લેખ નથી ? સાચું તો પોલીસ, ફરિયાદી, આરોપી જાણતા હશે. એક અચંબાભરી વાત એ પણ છે કે શું ટ્રાફિક વોર્ડનને આવી રીતે છૂટોદોર હશે કે પોતાની મેળે જ પોલીસના નામે ચાલી જતા હશે ? એસીપી રાધિકા ભારાઈના મીડિયા સમક્ષ જણાવ્યા મુજબ નાણાં આપવા આવેલા વિક્રમ નામના શખસે જ ટીપ આપી હતી. બીજી વાત એવી પણ ચર્ચામાં છે કે વિક્રમને કાના ગાંઠિયાવાળા થકી સંપર્ક થયો હતો ? અન્ય કોઈની પણ સંડોવણી છે કે કેમ ?
જીએસટી કે IT વિભાગ પણ ધારે તો ઝંપલાવી શકે!
જો ખરેખર એગ્રીકલ્ચર પ્રોડક્ટ (કપાસની ગાંસડી) ખરીદવા માટે 32 લાખ ચૂકવાયા હોય તો ફરિયાદ મુજબ વાત સત્ય માની શકાય, નહીં તો એગ્રીકલ્ચર પ્રોડક્ટના નામે કાઈ ગોલમાલ થતી હોય અને પોલીસ સાથે સંકળાયેલા ટીઆરબી શાહબાજ મોટાણીને ટીપ મળી હોય અને બે નંબરના નાણાંમાં ફરિયાદ તો નહીં જ થાય કે નહીં કરે તેવા ઈરાદે શાહબાજે અન્ય સાગરીતોને સાથે રાખીને લૂંટ ચલાવી હશે ? જો સાચી રીતે સોદાના નાણાં ન હોય અને અન્ય ગડબડી હોય તો તે દિશામાં પણ ઉંડી તપાસ કરીને પોલીસ એક્શન લઈ શકે. જીએસટી ડિપાર્ટમેન્ટ કે આયકર વિભાગ પણ ઝંપલાવીને પોલીસનો પન્નો ટૂંકો પડતો હોય તો ઉંડાણમાં જઈને મોટું કારસ્તાન બહાર લાવી શકે અને સરકારને પડતી ટેક્સની રકમની ખોટ અટકાવી શકે. જોવાનું એ રહેશે કે પોલીસ ફરિયાદ જ સાચી હશે કે તપાસમાં અન્ય કોઈ ઘટસ્ફોટ થશે ?
