આવતીકાલથી રાજકોટના રેસકોર્સમાં 5 દિવસ ‘શોપિંગ ફેસ્ટિવલ’નું આયોજન : સ્વદેશી વસ્તુઓ-ક્રાફ્ટ-ઘરેલું ઉત્પાદન સહિતનું થશે વેચાણ
આવતીકાલે શુક્રવારથી પાંચ દિવસ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડમાં સ્વદેશી મેળા-2025 અંતર્ગત શોપિંગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન મહાપાલિકા દ્વારા કરાયું હોય તેમાં સ્વદેશી ઉત્પાદનનું જ વેચાણ કરવામાં આવશે.
આ અંગે પદાધિકારીઓએ જણાવ્યું કે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા અને સ્થાનિક ઉદ્યોગ, હસ્તકલા, લઘુ કારીગરો તેમજ મહિલા સ્વ સહાય જૂથને પ્રોત્સાહિત કરવા માટે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં સ્વદેશી ઉત્પાદન ઉપરાંત હસ્તકલા, પરંપરાગત વાની, સ્થાનિક ઉદ્યોગની ઝાંખી જોવા મળશે. પાંચ દિવસ સુધી સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધી લોકો શોપિંગ ફેસ્ટિવલનો લાભ લઈ શકશે.
આ પણ વાંચો :ફટાકડાના વેચાણ માટે RMCના એક પ્લોટના 1 હજાર સામે 30500 ઉપજ્યા! સ્ટોલની હરાજીમાં 44.32 લાખની વિક્રમી આવક
અહીં વિવિધ ઝોનમાં સ્વદેશી વસ્તુઓના સ્ટોલ્સ ગોઠવવામાં આવ્યા છે જેમાં હસ્તકલા, હેન્ડલૂમ અને ખાદ્ય ઉત્પાદનના સ્ટોલ હશે જેમાં સ્વદેશી ક્રાફ્ટ વસ્તુ, સ્થાનિક ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તઓ, વિવિધ પરંપરાગત વાનગીઓના સ્ટોલ ઉપરાંત ચિલ્ડ્રન એક્ટિવિટી ઝોન, મહિલા સ્વ સહાય જૂથ દ્વારા બનાવાયેલા ઘરગથ્થુ ઉત્પાદન તેમજ ખાદી અને ગ્રામઉદ્યોગ વિભાગના સ્ટોલ્સ પણ જોવા મળશે.
