રાજકોટના રેસકોર્સ રિંગરોડ ઉપર 5 દિવસ ‘દિવાળી કાર્નિવલ’ : ધનતેરસથી દિવાળી સુધી અનેક કાર્યક્રમ યોજાશે, તડામાર તૈયારી શરૂ
દિવાળી આડે હવે 11 દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ રાજકોટ મહાપાલિકા દ્વારા `દિવાળી કાર્નિવલ’નું આયોજન કરવામાં આવ્યું છે. તા.16 ઑક્ટોબરને વાઘબારસથી આ કાર્નિવલનો પ્રારંભ થશે જે દિવાળી સુધી ચાલશે. ચાર દિવસીય કાર્યક્રમમાં રંગોળી સ્પર્ધા, મ્યુઝિક બેન્ડ, લેસર-શો, અદ્યતન લાઈટિંગથી રિંગરોડને શણગાર, આકર્ષક એન્ટ્રીગેઈટ સહિતના આયોજનની જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી હતી.

તંત્ર દ્વારા આ વર્ષે `સ્વચ્છ-હરિયાળું-રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ’ના સૂત્ર હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા.16ને વાઘબારસે કિસાનપરા ચોકમાં સાંસદ રામભાઈ મોકરિયાના હસ્તે દિવાળી કાર્નિલવનો પ્રારંભ કરાવાશે. આ પછી તા.17એ બપોરે ચાર વાગ્યાથી રંગોળી સ્પર્ધા અંતર્ગત કલાકારો દ્વારા રંગોળી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ તા.18થી 20 દરમિયાન દરરોજ સાંજે લોકો આ રંગોળી નિહાળી શકાશે. તા.18ને ધનતેરસે રેસકોર્સના માધવરાવ સિંધિવા ક્રિકેટ સ્ટેડિયમ પર ભવ્ય આતશબાજી થશે જેમાં એક-એકથી ચડિયાતા ફટાકડા ફૂટશે.

ત્યારબાદ તા.19 અને 20 દરમિયાન બહુમાળી ભવન ચોક ખાતે મ્યુઝિકલ બેન્ડનો કાર્યક્રમ પણ ગોઠવવામાં આવશે. દિવાળી કાર્નિવલ શરૂ થયાથી પૂર્ણ થાય ત્યાં સુધી આખાયે રિંગરોડ પર આકર્ષક થીમ બેઈઝ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવશે. આ દરમિયાન લેસર-શો પણ કરવામાં આવશે. આ સંપૂર્ણ કાર્યક્રમ તા.16થી શરૂ થઈ દિવાળીના દિવસ એટલે કે 20 ઑક્ટોબરે રાત્રે 12 વાગ્યે સંપન્ન થશે.
આ પણ વાંચો :રાજકોટના રેસકોર્સ લવ ગાર્ડન પાસે પોલીસના નામે રૂ.32 લાખની લૂંટ: TRB જવાન સહિત 4 લોકોનું કારસ્તાન, વાંચો સમગ્ર ઘટના
આ કાર્યક્રમને માણવા માટે મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા સહિતનાએ અપીલ કરી હતી. બીજી બાજુ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા માટે અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ સ્થળની મુલાકાત પણ લીધી હતી.
