રાજકોટના રેસકોર્સ લવ ગાર્ડન પાસે પોલીસના નામે રૂ.32 લાખની લૂંટ: TRB જવાન સહિત 4 લોકોનું કારસ્તાન, વાંચો સમગ્ર ઘટના
દિવાળીનો તહેવાર નજીક આવી ગયો છે બરાબર ત્યારે જ રાજકોટના રેસકોર્સ લવગાર્ડન પાસે પોલીસના નામે 32 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટનો સનસનાટીજનક બનાવ બની જતાં ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે 150 ફૂટ રિંગરોડ પર શહીદ સુખદેવ ટાઉનશિપમાં રહેતા અને એગ્રીકલ્ચર પ્રોડક્ટનું કામ કરતા સમીરભાઈ રશ્મિકાંતભાઈ પંડ્યા (ઉ.વ.50)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તેમણે ભૂતખાના ચોકમાં રોયલ કોમ્પ્લેક્સમાં આવેલી એકતા એન્ટરપ્રાઈઝ નામની ઓફિસ ધરાવતા શૈલેષ મનસુખભાઈ દલસાણિયાને કપાસની ગાંસડી ખરીદવા માટે 32 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા.
જો કે આ ભાવમાં કપાસની ગાંસડી મળતી ન હોય શૈલેષે પૈસા પરત આપવાનું કહી આ રૂપિયા શૈલેષનો માણસ સમીરભાઈને રેસકોર્સ લવ ગાર્ડન પાસે આવીને આપી જશે તેવું કહ્યું હતું. ત્યારબાદ સમીરભાઈ પૈસા લેવા માટે લવ ગાર્ડન ખાતે પોતાનું એક્ટિવા નં.જી.જે.3-ડી.એમ.6059 લઈને પહોંચ્યા હતા. આ પછી શૈલેષ સાથે પૈસા અંગેની વાતચીત કરતાં શૈલેષે કહ્યું હતું કે, રેસકોર્સની અંદર લવ ગાર્ડન પાસે એક કિયા કાર પડેલી છે ત્યાંથી રૂપિયા મળી જશે. આ સાંભળી સમીરભાઈ કાર પાસે જઈ રૂપિયા ભરેલો થેલો લઈ આવ્યા હતા. જો કે, જેવો થેલો લીધો કે સફેદ કલરના એક્સેસ સ્કૂટર પર બે વ્યક્તિઓ ધસી આવ્યા હતા અને પોતે પોલીસ હોવાનું કહી સમીરભાઈ સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી.
આ પણ વાંચો :આજે સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બનશે રાજકોટના મહેમાન : રાત્રિરોકાણ બાદ સવારે 10 વાગ્યે સોમનાથ જવા રવાના થશે
જોતજોતામાં બન્નેએ થેલો લૂંટી લીધો હતો. ત્યારબાદ સમીરભાઈ પાસે રહેલા બન્ને ફોન પણ ઝૂંટવી લીધા હતા પરંતુ આ વ્યક્તિ પોલીસ હોય તેવું ન લાગતા સમીરભાઈએ તેને કહ્યું હતું કે, મને પોલીસ સ્ટેશન લઈ જાવ. આ સાંભળી શખસ ઉશ્કેરાઈ ગયો હતો અને સમીરભાઈને કહ્યું હતું કે, મારું નામ શાહબાઝ મોટાણી છે અને હું પોલીસમાં જ છું. એ આ રીતે શાહબાઝે એક કલાક સુધી સમીરભાઈને ક્યાંય જવા દીધા ન હતા. ત્યાર પછી સમીરભાઈને એક્ટિવામાં બેસાડીને રેસકોર્સના મહિલા ગાર્ડન પાસે લઈ ગયા હતા અને ત્યાંથી સમીરભાઈ એક્ટિવામાંથી ઉતરીને બાલભવન તરફ જતા રસ્તે ભાગી ગયા હતા.
આ પણ વાંચો :“પહેલા રુ.60 કરોડ જમા કરાવો પછી વિદેશ યાત્રા પર જાઓ” હાઇકોર્ટનું કડક વલણ : શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રાને મોટો ઝટકો
જો કે શાહબાઝે ફરી સમીરભાઈને પકડી લઈ મહિલા ગાર્ડન પાસે લઈ ગયો હતો અને ત્યાં અર્ધો કલાક સુધી માર મારી ‘તું તને પૈસા આપવાવાળા માણસને બોલાવ અને વધારાના પૈસા અપાવ નહીંતર અમે તને જવા નહીં દઈએ. આમ કહી સમીરભાઈને બે મોબાઈલ ફોન પરત આપી દીધા હતા અને ત્યાંથી બન્ને ભાગી ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચ, પ્ર.નગર પોલીસ મથકની ટીમે તાત્કાલીક નાકાબંધી કરી શાહબાઝ મોટાણી સહિતના ચાર લોકોને દબોચી લીધા હતા. જાણવા મળ્યા પ્રમાણે શાહબાઝ મોટાણી ટીઆરબી તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ 32 લાખની લૂંટનો બનાવ બનતા ડીસીપી રાકેશ દેસાઈ સહિતના અધિકારીઓ પણ પોલીસ મથકે દોડી ગયા હતા.
