રાજકોટના પેડક રોડને ‘ગૌરવપથ’ બનાવવાનું કામ ટેન્ડરમાં જ અટકી ગયું! કાગળ પર જ યોજના છતાં ખર્ચ 22 કરોડથી વધીને 31 કરોડ થઈ ગયો
મહાપાલિકા દ્વારા 2025-26ના બજેટમાં શાસકો દ્વારા રાજકોટના પેડક રોડને `ગૌરવપથ’ તરીકે વિકસાવવા માટે 24 કરોડના ખર્ચની જોગવાઈ કરી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જો કે આ યોજના નવી ન્હોતી કેમ કે બ વર્ષ પહેલાં એટલે કે 2023માં પણ આ જ રોડને અમદાવાદના સી.જી.રોડ જેવો બનાવવાનું જાહેર કરી દેવામાં આવ્યું હતું. એકંદરે આ બધા દાવાને બે વર્ષ વીતી જવા છતાં હજુ સુધી અહીં ગૌરવપથ તરીકેનું કોઈ જ કામ શરૂ થયું નથી અને માત્રને માત્ર ટેન્ડરમાં જ પ્રોજેક્ટ અટકી ગયો છે. આ કામ માટે મહાપાલિકા દ્વારા ત્રીજી વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે જેની મુદ્દત પૂર્ણ થયા બાદ ખ્યાલ આવશે કે હજુ પ્રોજેક્ટને સાકાર થતા કેટલો સમય લાગશે !
સૌપ્રથમવાર જ્યારે આ કામ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું ત્યારે 800 મીટરનો રસ્તો પ્રથમ તબક્કામાં આવરી લેવાનું કામ સમાવિષ્ટ હતું. આ માટે બાલક હનુમાન ચોકથી ગૌરવપથ બનવાનો હતો. જો કે બાદમાં તેમાં ફેરફાર કરી આખોયે રસ્તો મતલબ કે બે કિલોમીટરનો રસ્તાના સંપૂર્ણ કામનું જ ટેન્ડર પ્રસિદ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવતા હવે નવેસરથી ટેન્ડર કરવામાં આવ્યું છે. ટેન્ડર ભરવા માટેની અંતિમ તારીખ 27 ઑક્ટોબર છે ત્યાં સુધીમાં કોઈ એજન્સી કામ કરવામાં રસ દાખવે છે કે ફરી પાછું રિ-ટેન્ડર કરાશે તે જોવું પણ રસપ્રદ બની રહેશે. પ્રથમ તબક્કાના કામ માટે બે એજન્સીએ ભાગ લીધો હતો જેમાંથી એક ડિસ્ક્વોલિફાઈડ થઈ હતી.
આ પણ વાંચો :‘આધાર’ બન્યું મોંઘું : સુધારા-વધારા કરવા રૂ.10 થી 25નો ફી-વધારો લાગુ, કેન્દ્ર સરકારે આધાર કાર્ડની ફીમાં વધારો ઝીક્યો
આશ્ચર્યની વાત એ છે કે જ્યારે આ યોજના જાહેર કરાઈ ત્યારે ગૌરવપથ તરીકે પેડક રોડને વિકસાવવા માટે 22 કરોડના ખર્ચનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પછી શાસકોએ ચાલું વર્ષના નાણાકીય બજેટમાં યોજના જાહેર કરી ત્યારે આ ખર્ચ વધીને 24 કરોડ થઈ ગયા બાદ હવે ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે તેમાં ખર્ચ 31 કરોડ સુધી પહોંચી જતા કાગળ પર જ રહેલી યોજનાના ખર્ચમાં જાદૂઈ રીતે વધારો પણ થઈ રહ્યાનું બહાર આવી રહ્યું છે !
