ટેસ્લા કંપનીના નામે છેતરપિંડી : રાજકોટની કંપનીને ગુજરાતની ડિસ્ટ્રિબ્યુટરશીપ આપવાના બહાને શીશામાં ઉતારી 30 લાખનો ધૂંબો માર્યો
અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત કંપની ટેસ્લાના નામે રાજકોટની કંપની સાથે 30 લાખની છેતરપિંડી થયાનો ગુનો આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ અંગે રૈયા રોડ પર આલાપ ગ્રીન સિટી પાસે શાંતિનિકેતન રેસિડેન્સીમાં રહેતા અને 150 ફૂટ રિંગરોડ પર ઈમ્પિરિયલ હાઈટસની સામે આવેલી મીડલેન્ડ કોંક્રિટ પ્રા.લિ.માં માર્કેટિંગ અને સેલ્સ હેડ તરીકે કાર્યરત રાજેશભાઈ નનકુભાઈ હુદરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે જૂલાઈ-2024માં તેનો સંપર્ક ટેસ્લા પાવર ઈન્ડિયા પ્રા.લિ.કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર સિદ્ધાર્થ કૌશિક સાથે સંપર્ક થયા બાદ ઓગસ્ટમાં તેઓ વડોદરા ખાતે એક્ઝિબિશનમાં ગયા હતા. અહીં ટેસ્લા પાવર ઈન્ડિયા પ્રા.લિ. પણ ભાગ લેવાની છે તેવી વાત થઈ હતી. વડોદરામાં આયોજિત એક્ઝિબિશનમાં સિદ્ધાર્થે કંપની બાબતે માહિતી આપી હતી અને તેની ઓફિસ હરિયાણા ખાતે આવેલી હોવાનું જણાવ્યું હતું.
ટેસ્લા કંપની બેટરી, સોલાર પેનલ, વોટર પ્યુરિફાયર તેમજ બેટરી ચાર્જિંગ મશીન અને ઈલેક્ટ્રિક બાઈક સહિતનું કામ કરતી હોય તેની ગુજરાતમાં માસ્ટર ડિસ્ટ્રીબ્યુટરશીપ આપવાની વાતચીત થઈ હતી. આ પછી મીડલેન્ડ કંપનીના માલિક કૃણાલ વાછાણી અને રાજેશભાઈ બન્ને ગુરુગ્રામ ગયા હતા જ્યાં પૂજા શર્મા, સિદ્ધાર્થ કૌશિક અને કંપનીના એમડી કવિન્દર ખુરાના સાથે બેઠક કરી હતી. બેઠક સફળ રહેતા તેમાં રોકાણ કરવાનું નક્કી કરી બે કટકે 30 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
ત્યારબાદ 29-10-2024ના ટેસ્લા કંપની દ્વારા મીડલેન્ડ ટ્રેડલિંક કંપનીના નામનું 10.39 લાખની રકમ લખેલું ખોટું ઈનવોસ શ્રીજી કાર કેર-અમદાવાદના નામનું તૈયાર કરી રાજેશભાઈને મોકલ્યું હતું. જો કે ઈનવોઈસ બનાવવાનો અધિકાર મીડલેન્ડ ટ્રેડલિન્ક કંપનીને હોય શંકા જતા અમદાવાદ જઈને તપાસ કરતા શ્રીજી કાર કેર સાથે પણ આ ગઠિયાઓએ છેતરપિંડી કર્યાનું ખુલતા રકમ પરત માંગી હતી પરંતુ હજુ સુધી પૈસા ન મળતા ફરિયાદ નોંધાવી હતી. એકંદરે આ પ્રકારની કોઈ કંપની જ અસ્તિત્વમાં ન હોવાનું પણ સામે આવતા પોલીસે કવિન્દર ખુરાના, પૂજા શર્મા અને સિદ્ધાર્થ કૌશિક (રહે.ત્રણેય હરિયાણા) સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા ટીમ રવાના કરી હતી.
