ફટાકડા માટે RMCના પ્લોટ ભાડે આપવાના ટેન્ડરનું કોકડું ગુંચવાયું : હરાજી કરવા એસ્ટેટ શાખાએ ફાઈલ રવાના કરી છતાં શાસકો નિર્ણય લેતાં ન હોવાનો ઘાટ
દિવાળી નજીક આવતા જ રાજકોટ મહાપાલિકા દ્વારા પોતાના હસ્તકના સાત પ્લોટ ફટાકડાના વેચાણ માટે ભાડે આપવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પ્લોટની હરાજી મારફતે ફાળવણી કરવા એસ્ટેટ શાખા દ્વારા ફાઈલ તૈયાર કરી રવાના કરી દેવામાં આવી છે પરંતુ હાલ આ ફાઈલ શાસકો અને ઉચ્ચ અધિકારીઓની મંજૂરીના વાંકે અટકી ગઈ હોવાને કારણે આખીયે ટેન્ડર પ્રક્રિયા ઘોંચમાં પડી જતાં ધંધાર્થીઓ અન્ય સ્થળે જગ્યા શોધવા લાગ્યા છે. સંભવતઃ શનિવાર અથવા સોમવારે પ્લોટની હરાજી થવાની શક્યતા એસ્ટેટ વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ હતી.
તંત્ર દ્વારા સાધુ વાસવાણી રોડ ઉપર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રાજ પેલેસ અને ગુરુજીનગર શાક માર્કેટ સામે આવેલો પ્લોટ ઉપરાંત નાનામવા સર્કલ, અમીન માર્ગ, સ્પીડવેલ પાર્ટીપ્લોટ અને રાજનગર ચોકનો પ્લોટ 2014માં નક્કી કરાયેલા દર પ્રમાણે ભાડે આપવા માટે તૈયારી કરાઈ હતી. અત્યાર સુધી એવું બનતું હતું કે કોઈ ધંધાર્થી હરાજી મારફતે પ્લોટ મેળવે અને ત્યારબાદ બાકી રહેલી જગ્યાનો ઉપયોગ કરે એટલે હરાજીમાં તેણે ચૂકવેલી અપસેટ પ્રાઈસની અડધી કિંમતે તેને તે જગ્યા વાપરવા મળતી હતી. ઉદાહરણ તરીકે 1000 ચોરસફૂટનો પ્લોટ હોય જેની હરાજી તંત્ર દ્વારા 15 બાય 15ના ચોગઠાં તૈયાર કરી કરવામાં આવે પરંતુ ધંધાર્થી દ્વારા 500 ચોરસફૂટ જગ્યા જ હરાજીમાં અપસેટ પ્રાઈસ અથવા તેનાથી થોડી વધુ બોલી લગાવી ભાડે મેળવી લેવાય છે અને બાકીની 500 ચોરસફૂટ જગ્યા અપસેટ કિંમત કરતા અડધી કિંમતે મેળવી લેવાતી હતી.
જો કે એસ્ટેટ શાખા દ્વારા આ વખતે જેટલી જગ્યા હરાજી મારફતે ભાડે અપાય અને ત્યારબાદ બાકીની જગ્યાની માંગણી કરવામાં આવે તો જે કિંમત હરાજીમાં જ ઉપજી હોય તે કિંમતે જ ભાડે આપવા માટેની જોગવાઈ કરીને ટેન્ડર પ્રસિદ્ધિ માટેની ફાઈલ રવાના કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી તે મંજૂર થઈ ન હોય સૌ કોઈ આશ્ચર્ય અનુભવી રહ્યા છે. આ વર્ષે પણ જૂની પદ્ધતિ પ્રમાણે જ પ્લોટની હરાજી કરાશે કે પછી એસ્ટેટ શાખાએ સુચવેલા સુધારો અમલી બનશે તે હરાજી થયે ખ્યાલ આવશે.
