ભારતીય નૌકાદળનું યુધ્ધ જહાજ મહેન્દ્રગીરી આજે સમુદ્રમાં ઊતરશે
ભારતીય નૌકાદળની તાકાત હવે ઘાતક બનશે અને દુશ્મનોના દાંત ખાટા થશે. નેવીનું યુદ્ધજહાજ મહેન્દ્રગિરિ 1 સપ્ટેમ્બરે આજે સમુદ્રમાં ઉતરશે. મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ મુંબઈમાં પ્રોજેક્ટ 17એ હેઠળ તૈયાર કરાયેલું આ 7મું સ્ટીલ્થ ફ્રિગેટ છે. તેનું નામ ઓડિશામાં આવેલા મહેન્દ્રગિરિ પર્વત પરથી રખાયું છે.
પ્રોજેક્ટ 17એમાં કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સે ત્રણ યુદ્ધજહાજ અને મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ મુંબઇ ત્રણ યુદ્ધજહાજ સમુદ્રમાં ઉતારી ચૂક્યા છે. આ સાતમું અને છેલ્લું યુદ્ધજહાજ છે.
17 ઓગસ્ટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ છઠ્ઠાં યુદ્ધજહાજ વિંધ્યગિરિને કોલકાતામાં લોન્ચ કર્યું હતું. હવે સાતમા જહાજને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની પત્ની સુદેશ ધનખડ 1 સપ્ટેમ્બરે મુંબઈમાં લોન્ચ કરશે.
હિંદ મહાસાગરમાં વધતી ચીનની દખલ અને નિરીક્ષણ માટે અપગ્રેડેડ ફ્રિગેટ તૈયાર કરવા માટે પ્રોજેક્ટ તૈયાર કરાયો હતો જેને પ્રોજેક્ટ 17એ નામ અપાયું હતું. તે હેઠળ નીલગિરિ કેટેગરીના સાત યુદ્ધજહાજ ભારતમાં જ તૈયાર કરવાની યોજના બનાવાઈ હતી.
આ કડીમાં હવે સાતમું યુદ્ધજહાજ સમુદ્રમાં ઉતરવા તૈયાર છે. આ ઉપરાંત અનેક યુદ્ધજહાજ તૈયાર કરવામાં આવી રહ્યા છે.