70થી 80 લાખમાં 233 ફ્લેટનું વેચાણ કર્યા બાદ મેન્ટેનન્સના 5.65 કરોડ ‘સ્વાહા’ : રાજકોટ કલેકટર-કમિશનરને રજૂઆત
રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાછળ સુવર્ણિભૂમિ નજીક આવેલી સ્પીડવેલ હાઈરાઈઝડ બિલ્ડિંગના 233 ફ્લેટધારકોને બે વર્ષ પહેલાં કબજો સોંપાઈ ગયા છતા હજુ સુધી મેઈન્ટેનન્સની 5.65 કરોડ જેટલી માતબર રકમનો વહીવટ સોંપવામાં આવ્યો ન હોવા તેમજ બિલ્ડિંગ બનાવનાર 12 જવાબદાર દ્વારા આ રકમનો ગેરઉપયોગ કરવામાં આવ્યાના આક્ષેપ સાથે પોલીસ કમિશનર તેમજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
આ અંગે સ્પીડવેલ હાઈટસ ફ્લેટ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ વિરલકુમાર મનસુખભાઈ પાનસેરિયાએ પોલીસ કમિશનરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું કે ઉપરોક્ત બિલ્ડિંગમાં `એ’થી `ઈ’ સુધી એમ પાંચ વિંગ આવેલી છે અને તેમાં 233 ફ્લેટ આવેલા છે. આ ફ્લેટનું 70થી 80 લાખ રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યું હતું. અહીં થ્રી-બીએચકે અને ફોર-બીએચકેના ફ્લેટ આવેલા છે. જ્યારે ફ્લેટનો કબજો સોંપાયો ત્યારબાદ બિલ્ડિંગ બનાવનાર સહિત 12 લોકો દ્વારા મેઈન્ટેનન્સ પેટે 5.65 કરોડ જેટલી રકમ ઉઘરાવવામાં આવી હતી અને ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે ફ્લેટ ઓનર્સનું એસોસિએશન બની જશે એટલે આ રકમ બિલ્ડિંગના વહીવટ માટે પરત કરી દેવાશે પરંતુ હજુ સુધી એક પૈસો પણ આપવામાં આવ્યો નથી.

આ બિલ્ડિંગનું નિર્માણ 7 સ્ટાર એન્ટરપ્રાઈઝના નામે કરવામાં આવ્યું હતું. ફ્લેટધારકો પાસેથી 200 રૂપિયા પ્રતિ ચોરસફૂટના ભાવે મેઈન્ટેનન્સ ઉઘરાવાયું હતું. ઘણો સમય વીતી જવા છતાં મેઈન્ટેનન્સની રકમનો હિસાબ કે વહીવટ ફ્લેટધારકોને સોંપવામાં આવ્યો નહીં કે બિલ્ડિંગનું વ્યવસ્થિત મેઈન્ટેનન્સ પણ કરવામાં આવ્યું ન્હોતું. આ અંગે જવાબદારોને કહેવાતાં તેમના દ્વારા હજુ બિલ્ડિંગનું એ.ઓ.પી.બનાવવામાં આવ્યું નથી કે કમિટી નીમવામાં આવી નથી તેવું બહાનું કાઢવામાં આવી રહ્યું હતું.
આ પછી ફ્લેટઓનર્સ દ્વારા કમિટી પણ બનાવવામાં આવી હતી જેમાં પ્રમુખ સહિત 15 હોદ્દેદારોને નિમણૂક અપાઈ હતી. તમામ પ્રક્રિયા પૂર્ણ કરાયા છતા મેઈન્ટેનન્સ પેટેનો હિસાબ કે વહીવટ ન અપાતા આખરે એસોસિએશન દ્વારા 15 સપ્ટેમ્બરે જવાબદારોને ત્રણ દિવસમાં વહીવટ તેમજ હિસાબ આપવા કહેવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આ રકમ અંગત ઉપયોગમાં વાપરી નાખવામાં આવી હોવાની શંકા ફ્લેટધારકોને થઈ રહી છે.
કોના વિરુદ્ધ આક્ષેપ
અશ્વિન રામજીભાઈ માકડિયા, વિપુલ વલ્લભભાઈ ઘોડાસરા, અલ્પેશ લાલજીભાઈ દેપાણી, નિલકુમાર અતુલભાઈ ચનીયારા, તરુણકુમાર જીવનલાલ ચનીયારા, નરેનકુમાર કાંતિલાલ વાછાણી, કિરણબેન વિજયભાઈ ચાંગેલા, જીજ્ઞેશ જયંતીલાલ ચનીયારા, બિંદિયાબેન જીજ્ઞેશભાઈ ચનીયારા, કૌશિકકુમાર જયંતીલાલ સુરેજા, વિપુલાબેન અલ્પેશભાઈ દેપાણી અને વિજય જયંતીલાલ ચાંગેલા
જીવરાજ પાર્ક નજીક સ્પીડવેલ ગોલ્ડમાં પણ આ જ પ્રકારે ગેરરીતિ આચરાઈ
સ્પીડવેલ હાઈટસ ફ્લેટ ઓનર્સ સોસાયટીના પ્રમુખ વિરલકુમાર પાનસેરીયાએ જણાવ્યું કે 12 લોકો દ્વારા જીવરાજ પાર્ક નજીક સ્પીડવેલ ગોલ્ડ નામે બિલ્ડિંગ બનાવાયું છે ત્યાં પણ આ જ પ્રકારે મેઈન્ટેનન્સની રકમ તેમજ વહીવટમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ત્યાં હજુ સુધી તમામ લોકોને કબજો સોંપવામાં આવ્યો નથી પરંતુ જેને કબજો સોંપાયો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યાની બાબત તેમના ધ્યાન ઉપર આવી હતી.
આટલી રકમ ચૂકવી ફ્લેટ ખરીદયો છતાં સુવિધાના નામે મીંડું
સ્પીડવેલ હાઈટસનો એક ફ્લેટ 70થી 80 લાખની કિંમતે વેચાયા છતાં ત્યાં સુવિધાના નામે મીંડું હોવાનો રોષ રહેવાસીઓએ વ્યક્ત કર્યો હતો. અહીં સેલરમાં પાણી ભરાઈ ગયા બાદ તેના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, ફાયર સેફ્ટીના સાધનો પણ એક્સપાયર્ડ થઈ ચૂક્યા છે તો અન્ય દુવિધા પણ એટલી જ અનુભવાઈ રહી છે.
