રાજકોટના કોટડા સાંગાણીમાં ઔદ્યોગિક હેતુ માટે આપેલ જમીનમાં ભરડિયો ચાલુ થઇ ગયો : જમીન ખાલસા
રાજકોટ શહેર-જિલ્લામાં સરકાર પાસેથી વિવિધ હેતુ માટે જમીનની માંગણી કરી જમીન મેળવી લીધા બાદ લાભાર્થીઓ દ્વારા આવી જમીનનો મૂળ હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો ન હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને કો-ઓપરેટીવ સોસાયટીના શરતભંગના અનેક કિસ્સાઓ વચ્ચે રાજકોટ આસિસ્ટન્ટ કલેકટર અને સીટી પ્રાંત-2 દ્વારા કોટડા સાંગાણીના આવા જ એક કિસ્સામાં ઔદ્યોગિક હેતુ માટે ફાળવેલી જમીન ઉપર ઉદ્યોગ શરૂ કરવાને બદલે અન્યને જમીનનું કુલમુખત્યારનામું આપી દેવામાં આવ્યું હોવાનું અને અહીં ભરડિયો શરૂ થઈ ગયાનું સામે આવતા શરતભંગ સબબ જમીન ખાલસા કરવા હુકમ કરી જમીનનો કબ્જો સરકાર હસ્તક લેવા હુકમ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા વર્ષ 2007માં કોટડા સાંગાણી ગામે રેવન્યુ સર્વે નંબર 355 પૈકીની 1618 ચોરસમીટર જમીન જ્યંતિભાઈ ખોડાભાઈ દાફડાને ઔધોગિક હેતુ માટે ફાળવવામાં આવી હતી. જે બાદ એકાઉન્ટ જનરલ ઓફિસ અમદાવાદના ઓડિટ દરમિયાન શંકાસ્પદ વિગતો સામે આવતા એજી ઓડિટ દ્વારા પારા મુજબ મ\પૂર્તતા માંગવામાં આવતા કોટડા સાંગાણી સર્કલ ઓફિસર અને તલાટી મંત્રી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા સ્થળ તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી અને ઔદ્યોગિક હેતુ માટે ફાળવવામાં આવેલ જમીન ઉપર જ્યંતિભાઈ ખોડાભાઈ દાફડાને બદલે હરદાસભાઇ ખીમાણંદભાઈ ગલનો કબ્જો હોવાનું તેમજ અહીં ઉદ્યોગને બદલે સ્ટોનક્રશર ચલાવવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું.
વધુમાં એજી ઓડિટ અમદાવાદના ધ્યાનમાં એવી પણ વિગતો આપી હતી કે, જિલ્લા કલેકટર દ્વારા વર્ષ 2007માં ઔદ્યોગિક હેતુ માટે જમીન ફાળવવામાં આવ્યા બાદ માત્ર આઠ જ મહિનામાં મૂળ લાભાર્થી જયંતીભાઈ દાફડાએ આ જમીનનું કુલમુખત્યારનામું હરદાસભાઇ ખીમાણંદભાઈ ગલને કરી આપ્યું હતું અને હરદાસભાઇ દ્વારા અહીં ભોલે સ્ટોન ક્રશર શરૂ કરવામાં આવ્યું હતું જેના લાઈટબીલ, ગ્રામ પંચાયતની વેરા પહોંચ સહિતના ડોક્યુમેન્ટ હરદાસભાઈના નામના હોવાનું સામે આવતા નવી શરતની જમીન જિલ્લા કલેકટરની પૂર્વ મંજૂરી વગર અન્યને તબદીલ કરવામાં આવી હોવાનું સ્પષ્ટ બનતા સીટી પ્રાંત-2 આસિસ્ટન્ટ કલેકટર મહક જૈન દ્વારા મામલતદારના રિપોર્ટને આધારે શરતભંગ કેસ દાખલ કરી કેસ ચલાવી કોટડા સાંગાણીના આ કેસમાં શરતભંગ સાબિત માની જમીન ખાલસા કરવા હુકમ કરી જમીનનો કબ્જો સરકાર હસ્તક સંભાળી લેવા હુકમ કર્યો હતો.
