રાજકોટના માંગરોળ હાઉસની કરોડોની કિંમતી જમીન સરકારી જ છે : કલેકટર ઓમ પ્રકાશનો મહત્વનો ચુકાદો
રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા રેવન્યુ કેસોનો ઝુંબેશરૂપે નિકાલ કરવામાં આવી રહ્યો છે.વર્ષો જુના કેસો કેસમાં એક પછી એક મહત્વના ચુકાદા આપવામાં આવી રહ્યા છે ત્યારે શહેરના ડો.યાજ્ઞિક રોડ ઉપર આવેલ માર્ગ અને મકાન વિભાગની ઓફિસો જ્યા બેસે છે તેવી કરોડોની નહીં પરંતુ અબજો રૂપિયાની કિંમતી મિલ્કત માંગરોળ હાઉસ કેસમાં મહત્વનો ચુકાદો આપી 5406.83 ચોરસવાર જમીન સરકારની જ હોવાનું ઠેરવ્યું છે. માંગરોળ હાઉસની મિલ્કત ખાનગી હોવાનો દાવો કરી માંગરોળ સ્ટેટના દીવાનના વારસદારો દ્વારા લાંબી કાનૂની લડત આપવામાં આવી હતી જેમાં હેરશીપ સર્ટિફિકેટના આધારે જમીન તેમની માલિકીની હોવાનો દાવો કરતા જિલ્લા કલેકટર દ્વારા લીગલ હેરશીપ સર્ટિફિકેટ પ્રોપર્ટીનું ટાઇટલ નક્કી કરતું ન હોવાનું નોંધી અરજદારોની અપીલ ફગાવી દઈ પ્રાંત અધિકારી રાજકોટના હુકમને કાયમ રાખ્યો હતો.
આ કેસની વિગત જોઈએ તો રાજકોટ શહેરના ડો.યાજ્ઞિક રોડ ઉપર આવેલ સીટી સર્વે વોર્ડ નંબર 6/1ની સીટી સર્વે નંબર 90 વાળી માંગરોળ હાઉસ તરીકે ઓળખાતી જમીન વર્ષ 1971માં હક્ક ચોક્સી અધિકારી દ્વારા શ્રી સરકાર ગણી સત્તાપ્રકાર ડી-1 ગણવા હુકમ કરતા ઝાહીદમિયાં શેખના વારસદાર જાહિદ અબ્દુલ ખાલિદ વગેરે દ્વારા આસિસ્ટન્ટ કલેકટર રાજકોટ સમક્ષ વર્ષ 2000માં ડીલેકોન્ડોન અરજી કરતા અરજી ના મંજુર કરવામાં આવી હતી. બાદમાં જિલ્લા કલેકટર સમક્ષ અપીલ દાખલ કરી અરજદારો સતત ગેરહાજર રહેતા કેસ રજિસ્ટરથી કમી કરવામાં આવ્યો હતો જેને પગલે અરજદારોએ હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન કરતા કોર્ટના ચુકાદા બાદ વર્ષ 2023માં કેસ રિમાન્ડ થઇ આવતા અંદાજે 15થી 16 મુદત આપવા છતાં પણ અરજદારો હાજર ન રહેતા અપીલ અરજી રિજેક્ટ કરવામાં આવી હતી.
દરમિયાન આ કાનૂની આટીઘુંટી વાળા કેસમાં મહેસુલ સચિવ વિવાદ, હાઇકોર્ટ, પ્રાંત અધિકારી અને કલેકટર સુધી વારંવાર કેસ દાખલ કરવામાં આવ્યા બાદ સીટી સર્વે કચેરીએ રિમાન્ડ કેસમાં સુનાવણી કરી અગાઉનો હુકમ કાયમ રાખતા આ હુકમ સામે અરજદારોએ રાજકોટ સીટી પ્રાંત-1 કચેરીમાં અપીલ દાખલ કરી હતી જેમાં 2024માં અપીલ ના મંજુર કરવામાં આવતા ફરી વર્ષ 2025માં જિલ્લા કલેકટર સમક્ષ અપીલ કરવામાં આવતા જિલ્લા કલેકટર દ્વારા સુનાવણી કરી અગાઉ આ કચેરી ટેલિગ્રાફ ઓફીસ અને બાદમાં માર્ગ અને મકાન વિભાગને ભાડા ઉપર આપેલ હોવાના પુરાવાઓ રજૂ કરવા જણાવ્યું હતું. જો કે, અરજદારો નક્કર પુરાવાઓ રજૂ કરી શક્યા ન હતા, નોંધીનીય છે કે, રાજકોટ ઠાકોર પાસેથી માંગરોળ સ્ટેટ દ્વારા આ જમીન ખરીદી બાદમાં માંગરોળના દીવાનને આ જગ્યા બક્ષિસથી આપી હોવાની દલીલમાં પણ અરજદારો પુરાવા રજૂ ન કરી શક્યા હોય હેરશીપ સર્ટિફિકેટના આધારે કરોડોની કિંમતી સરકારી મિલ્કત ઉપર દાવો કરવા મામલે જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે હેરશીપ સર્ટિફિકેટ પ્રોપર્ટીનું ટાઇટલ નક્કી ન કરતું હોવાનું નોંધી પ્રાંત અધિકારી રાજકોટનો હુકમ કાયમ રાખી આ મિલ્કત સરકારની હોવાનું ઠેરવ્યું હતું.
બચાવપક્ષે પોતાના પૂર્વજો રણજી ટ્રોફી પ્લેયર હોવાની દલીલ કરી
રાજકોટના ડો.યાજ્ઞિક રોડ ઉપર આવેલ માંગરોળ હાઉસ તરીકે ઓળખાતી સરકારી જમીન પોતાની હોવાનો દાવો કરનાર અરજદાર ઝાહીદ મિયાં શેખના વારસદારોએ કેસની સુનાવણી દરમિયાન આઝાદી બાદ તેમના વડીલો ક્યારેય પાકિસ્તાનમાં સ્થાયી ન થયા હોવાનું અને તેમના વારસો પૈકી મહમદ ઝાહીદ શેખ ભારતીય નાગરિક હોવાની સાથે ક્રિકેટર હતા અને રણજી ટ્રોફી તેમજ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા હોય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા પેંશન પણ ચુકવવામાં આવતું હોવાના પુરાવા રજૂ કરી મિલ્કત ઉપર દાવો કર્યો હતો.
માંગરોળ હાઉસમાં પ્રથમ ટેલિકોમ ઓફિસ અને બાદમાં પીડબ્લ્યુડી કચેરી ભાડાંથી બેસતી
માંગરોળ હાઉસની 5400 વારથી વધુ જગ્યા પોતાની હોવાનો દાવો કરનાર ઝાહીદ મિયાં શેખના વારસદારોએ કેસમાં દલીલો કરતા જણાવ્યું હતું કે, તેમના પૂર્વજોએ અગાઉ આ જમીન ટેલિકોમ વિભાગને માસિક રૂપિયા 250થી ભાડે આપી હતી અને બાદમાં જયારે હકકચોકસી કરવામાં આવી ત્યારે 1971માં પીડબ્લ્યુ ડી કચેરી અહીં બેસતી હતી. જયારે ટેલિકોમ કચેરીએ પેટા ભાડુઆત તરીકે આ જગ્યા ભાડે આપી ત્યારે પણ ઝાહીદ મિયાં શેખને વચ્ચે રાખવામાં આવ્યા હોવાની દલીલો કરવામાં આવી હતી. જો કે, ઝાહીદ મિયાં શેખના વારસદારો ભાડા અંગેના અન્ય કોઈ પુરાવા રજૂ કરી શક્યા ન હતા.
