દિલ્હીમાં g20 શિખર બેઠકમાં ચીનના પ્રમુખ જિનપિગ ગેરહાજર રહી શકે
એમના સ્થાને ચીનના વડાપ્રધાન હાજરી આપે તેવી સંભાવના
દિલ્હીમાં આવતા અઠવાડિયે G-20 સમિટ યોજાનાર છે જેમાં અનેક દેશોના નેતા ઉપસ્થિત રહેવાના છે ત્યારે હવે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ G-20 નેતાઓની સમિટમાં હાજરી આપે તેવી શક્યતા ઓછી છે. એમના સ્થાને ચીનના વડાપ્રધાન હાજરી આપે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.
આ પહેલા પુતિને પણ G-20 સમિટ માટે ભારત આવવાની ના પાડી દીધી હતી. બે દિવસ પહેલા ચીને નકશામાં અરુણાચલ પ્રદેશ અને અક્સાઈને ચીનનો ભાગ બતાવીને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ભારતે ચીનના આ નકશાને નકારી કાઢ્યો ત્યારે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ચીને સલાહ આપવાનું શરૂ કર્યું હતું. ચીની રાજદ્વારી અને અન્ય G20 દેશની સરકાર માટે કામ કરતા અધિકારીના જણાવ્યા અનુસાર, નવી દિલ્હી ખાતે બે દિવસની G-20 સમિટમાં શી જિંનપિંગના સ્થાને ચીનના પ્રધાનમંત્રી લી કિયાંગ બેઈજિંગનું પ્રતિનિધત્વ કરે તેવી શક્યતા છે.
ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમને જાણ છે કે શીની જગ્યાએ વડાપ્રધાન આવશે. બે વિદેશી રાજદ્વારીઓ અને અન્ય G20 દેશના એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે શી સંભવત સમિટમાં ભાગ લેશે નહીં. બીજી તરફ ચીની અધિકારીઓએ કહ્યું છે કે તેઓ G-20 સમિટમાં શીની ગેરહાજરી પાછળનું કારણ જાણતા નથી. તમામ અધિકારીઓએ નામ ન આપવાની શરતે વાત કરી હતી, કારણ કે તેઓ આ વાત મીડિયા સાથે કરવા માટે અધિકૃત ન હતા.