અમિત શાહે RDCની સામાન્ય સભામાં હાજરી આપી : જયેશ રાદડીયાના કર્યા ખુલ્લા દિલથી વખાણ, ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવા કરી હાંકલ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન રાજકોટ પહોંચ્યા હતા. અહીં રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્ક સહિત સાત અગ્રણી નફો કરતી સહકારી સંસ્થાઓની સાધારણ સભા અને સહકારી મહાસંમેલનને સંબોધતા ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ખેડૂતોને આગ્રહ કરતા જણાવ્યું હતું કે, ખાતર અને દવાનો ઉપયોગ ઘટાડી ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધો, દેશમાં અને વિશ્વમાં ઓર્ગેનિક ખતપેદાશોનું ઉંચુ મૂલ્ય અને મોટું માર્કેટ છે ત્યારે ખેડૂતોને લોકોના સ્વાસ્થ્ય સુધારવાનું કામ કરવાની સાથે વધુ કમાણી કરવા જૈવિક ખેતી તરફ આગળ વધવા હાકલ કરી હતી.

સોમવારે બપોરે હીરાસર એરપોર્ટ ખાતે અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ તેઓ એરપોર્ટથી બાય રોડ જિલ્લા બેંક ભવન પહોંચી સહકારી અગ્રણી સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયા અને સ્વ.વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરી સહકાર મહા સંમેલનમાં હાજરી આપી હતી. સહકારી સંમેલનમાં અમિત શાહે જણાવ્યું હતું કે, દેશ આઝાદ થયો ત્યારથી કેન્દ્ર સરકારમાં સહકાર ખાતું જ ન હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બીજી વખત વડાપ્રધાન બની 2021માં નવા સહકાર મંત્રાલયની શરૂઆત કરી છે. અને આજે કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધી ખેડૂતો, પશુપાલકો અને માછીમાર ભાઈઓ પોતાના પરસેવાની કમાણીનો નફો પોતાના અંતે જ વપરાઈ તેવી વ્યવસસ્થા થઇ છે. સાથે જ અમરેલીમાં શરૂઆત બાદ આજે રાજકોટમાં વિશાળ સહકારી સંમેલન યોજી જયેશ રાદડિયાએ સહકારી માળખાને સુદ્રઢ કરવાનું કામ કર્યું હોવાનું એમને જણાવ્યું હતું.

વધુમાં અમિત શાહે ઉમેર્યું હતું કે, સ્વ. વલ્લભભા પટેલ અને સ્વ.વિઠ્ઠલભાઈ પટેલના રસ્તે ચાલી જયેશ રાદડિયા ખેડૂતો અને પશુપાલકોના હિતમાં કામ કરી ખેડૂતોને અનેક લાભ આપી રહ્યા છે. જિલ્લા બેન્કના પર્ફોમન્સના વખાણ કરતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા બેન્કને પાંચ વખત નાબાર્ડ, નાફેસ્કોબ તરફથી ચાર વખત એવોર્ડ મળવાની સાથે દસ વર્ષની શ્રેષ્ઠ કામગીરી બદલ ડેકેડ એવોર્ડ પણ મળ્યો છે જે બેન્કની સફળતા દર્શાવે છે. સાથે જ રાજકોટનું સહકારી ક્ષેત્ર દેશ માટે રોલ મોડલ હોવાનું પણ તેમને ઉમેરી જીરો એનપીએ સાથે કરોડોનો નફો કરતી બેન્ક તરફથી ખેડૂતોના હિતમાં થતા કાર્યોને વખાણ્યાં હતા. સાથે જ અમિત શાહે સંમેલનમાં આવેલ તમામ ખેડૂતોને જૈવિક, ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી દવા અને રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડી દેશના નાગરિકોના સ્વાસ્થ્યને સુધારવા અને વૈશ્વિક ફલક પર ઓર્ગેનિક માર્કેટમાં છવાઈ જઈ વધુ કમાણી કરવા આગ્રહ કર્યો હતો.

રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલ સહકારી મહા સંમેલન કમ જયેશ રાદડીયાના શક્તિ પ્રદર્શનમાં હજારો ખેડૂતો હાજર રહ્યા હતા.આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, ભાનુબેન બાબરીયા, કૃભકોના મગન વડાવિયા, દિલીપ સંઘાણી, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ઉદય કાનગડ, રમેશ ટીલાળા, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, રાજકોટ ડેરીના ચેરમેન અને અમુલના વાઇસ ચેરમેન ગોરધન ધામેલીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અકસ્માત મૃત્યુ સહાયમાં 5 લાખનો વધારો : ખેડૂતો ઉપર વરસતા જયેશ રાદડિયા
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની હાજરીમાં યોજાયેલ રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્ક સહિત સાત સંસ્થાઓની સામાન્ય સભામાં બેન્કના ચેરમેન અને ધારાસભ્ય જયેશ રાદડિયા ખેડૂતો ઉપર વરસ્યા હતા. જયેશ રાદડિયાએ સહકારી મહા સંમેલનમાં જાહેર કર્યું હતું કે, ખેડૂતોને કે.સી.સી.ધિરાણમાં દોઢ ટકો રાહત આપવામાં આવશે, સાથે જ બેન્કના સભાસદ ખેડૂતોના મૃત્યુના કિસ્સામાં અત્યાર સુધી 10 લાખ સહાય આપવામાં આવતી હતી જેમાં આ વર્ષથી 5 લાખનો વધારો કરવા નક્કી કરાયું છે જેથી હવેથી ખેડૂતોને 15 લાખ મૃત્યુ સહાય મળશે. સાથે જ ખેડૂતોના દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે અપાતી એજ્યુકેશન લોનમાં પણ 5 લાખનો વધારો કરી હવે રૂ.40 લાખની લોન આપવાનું જાહેર કર્યું હતું. ઉપરાંત ખેડૂતોને મધ્યમ મુદત માટે પાંચ લાખને બદલે સાત લાખની લોન, વિઠ્ઠલભાઈ રાદડિયા મેડિકલ સહાય યોજનામાં વધારો કરી હવેથી 15 હજારને બદલે 25 હજારની સહાય કરવામાં આવશે.

જિલ્લા બેન્કના નફાની સાથે ધિરાણ અને બિઝનેશમાં અધધ વધારો
રાજકોટ જિલ્લા બેન્કની સાધારણ સભામાં બેન્કનું વાર્ષિક સરવૈયું રજૂ કરતા ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2025માં બેંકે 269 કરોડનો ગ્રોસ નફો અને 125 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. બેન્કના શેરભંડોળમાં ચાલુ વર્ષે 16 કરોડના વધારા સાથે 154 કરોડ, 69 કરોડ રૂપિયાના વધારા સાથે બેન્કનું રિઝર્વ ફંડ રૂપિયા 1,064 કરોડ થયું હોવાનું જણાવ્યું હતું. સાથે જ બેન્કની થાપણો વર્ષ 2025માં 877 કરોડ વધી 9,770 કરોડ પહોંચી છે. જયારે બેન્કનો બિઝનેશ 1653 કરોડ વધી વર્ષ 2025માં 16,645 કરોડ થયો હોવાનું તેમજ બેન્કનું ધિરાણ 776 કરોડ વધીને રૂપિયા 6,875 કરોડ થયું હોવાનું જાહેર કર્યું હતું. સાથે જ રેસકોર્સ મેદાન ખાતે સહકાર મહા સંમેલનમાં ચેરમેન જયેશ રાદડિયાએ અકસ્માતમાં મૃત્યુ પામેલ 20 સભાસદોનાં પરિજનોને 10-10 લાખના ચેક અર્પણ કરી સભાસદોને 15 ટકા ડિવિડન્ડ તેમજ 15 વર્ષથી સતત પ્રમુખ પદે રહેલા પ્રમુખોનું વિશેષ સન્માન કરી 21 હજારના ચેક પુરસ્કાર રૂપે ભેટ આપ્યા હતા.

વર્ષ 2024-25માં રાજકોટ ડેરીનું રૂ.1141 કરોડનું હાઈએસ્ટ ટર્નઓવર
રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયાએ સંઘની ૬૫મી વાર્ષિક સાધારણ સભા સમક્ષ દૂધ સંઘનો અહેવાલ અને હિસાબો રજુ કરતા જણાવેલ હતુ કે સારા વરસાદ અને પશુઓમાં કુદરતી દૂધ વધવાને કારણે સમગ્ર રાજયમાં દૂધ ઉત્પાદન વધેલ છે. રાજકોટ દૂધ સંઘનું દૂધ સંપાદન પણ ગત વર્ષની સરખામણીએ 10.25 ટકા વધેલ છે જેથી સંઘે પ્રતિ કિલો ફેટે ઐતિહાસીક રૂા.65 “મિલ્ક ફાઈનલ પ્રાઈઝ” માટે રૂા. 64.24 કરોડ દૂધ ઉત્પાદકોને ચુકવેલ છે. સંઘે વર્ષ દરમ્યાન સરેરાશ કિલોફેટનો ભાવ રૂા.871ચુકવેલ છે. જેમાં ગત વર્ષની સરખામણીએ રૂા.28 વધુ ચુકવેલ છે. સંઘનો ચોખ્ખો નફો રૂા.13.12 કરોડ થયેલ છે. જેમાંથી સભાસદ મંડળીઓને 20 ટકા લેખે શેર ડિવિડન્ડની રકમ રૂા.5.70 કરોડ ચુકવવામાં આવશે આમ, દૂધ ઉત્પાદકો અને દૂધ મંડળીઓને સંઘનાં નફામાંથી રૂા.69.94 કરોડ પરત ચુકવશે.વર્ષ 2024-25માં રાજકોટ ડેરીએ રૂ.1141 કરોડનું હાઈએસ્ટ ટર્નઓવર કર્યું હતું.
