એશિયા કપમાં ભારત સામે બીજી કારમી હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાન ફરી પહોંચ્યું ICC પાસે : હવે આ મામલે નોંધાવી ફરિયાદ
ભારત-પાકિસ્તાન વચ્ચે ગઇકાલે જોરદાર મેચ રમાઈ હતી જેમાં ભારતે પાકિસ્તાનને રગદોળી નાખ્યું હતું. ત્યારે એશિયા કપમાં ભારત સામે બીજી કારમી હારનો સામનો કર્યા પછી, પાકિસ્તાન હવે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે બહાના શોધી રહ્યું છે. ફરી એકવાર, પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)નો સંપર્ક કર્યો છે. આ વખતે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ફખર ઝમાનના કેચ અંગે ICCમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

ફખર ઝમાન આઉટ
ટીમ ઈન્ડિયાએ એશિયા કપ-2025 ના સુપર-4ના યુદ્ધમાં પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. ભારતે ગ્રુપ મેચ સાત વિકેટથી જીતી હતી. પહેલા બેિંટગ કરતા પાકિસ્તાને ભારત માટે 172 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં, ભારતીય ટીમે 19મી ઓવરમાં જ જીત મેળવી લીધી. પાકિસ્તાન તરફથી ફખર ઝમાન અને ફરહાને ઇિંનગની શરૂઆત કરી હતી. અભિષેક શર્માએ પહેલી જ ઓવરમાં ફરહાનનો સરળ કેચ છોડી દીધો હતો. પાકિસ્તાને પહેલી ઓવરમાં 6 રન બનાવ્યા. જોકે, જ્યારે હાર્દિક પોતાની બીજી અને મેચની ત્રીજી ઓવર નાખવા આવ્યો, ત્યારે તેણે ફખર ઝમાનને આઉટ કર્યો હતો ફખર 15 રન બનાવીને આઉટ થયો હતો. સંજુએ શાનદાર કેચ પકડ્યો હતો. ત્યારે આ કેચને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICCમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
અમ્પાયરે ફખર ઝમાનને ખોટી રીતે આઉટ આપ્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીસીબીનું માનવું છે કે ટીવી અમ્પાયર રુચિરા પલ્લીયાગુરુગેએ ફખર ઝમાનને ખોટી રીતે આઉટ આપ્યો હતો. આ ઘટના મેચની ત્રીજી ઓવરમાં બની હતી, જ્યારે ભારતીય વિકેટકીપર સંજુ સેમસનને કેચ પકડ્યો હતો જેને બોલ યોગ્ય રીતે પકડાયો છે કે નહીં તે ચકાસવા માટે ત્રીજા અમ્પાયર પાસે મોકલવામાં આવ્યો હતો.

તે સમયે, ફખર 8 બોલમાં 15 રન બનાવી ચૂક્યો હતો, અને પાકિસ્તાન મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યું હતું. રુચિરાએ કેચનું મૂલ્યાંકન કરવા માટે બે એંગલની તપાસ કરી. એકમાં, એવું લાગ્યું કે બોલ સેમસનના ગ્લોવ્સ સુધી પહોંચતા પહેલા જમીનને સ્પર્શી ગયો હતો, જ્યારે બીજામાં, સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે તેણે બોલને યોગ્ય રીતે કેચ કર્યો હતો. અંતે, રુચિરાએ બીજા એંગલના આધારે ફખરને આઉટ જાહેર કર્યો. પાકિસ્તાની ઓપનર આ નિર્ણયથી આશ્ચર્યચકિત થઈ ગયો, અને તેના પર ઇન્ટરનેટ વિભાજિત થઈ ગયું.
કેપ્ટન સલમાન આગા પણ ફરિયાદ કરતા જોવા મળ્યા
મેચ પછી, પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ કહ્યું કે તેમનું માનવું છે કે તે કેચ નહોતો. તેમણે વધુમાં કહ્યું કે જો ફખર આઉટ ન થયો હોત, તો પાકિસ્તાન કદાચ 20 વધુ રન ઉમેરી શક્યું હોત, જોકે તેમણે એવું કહ્યું નહીં કે અમ્પાયર સંપૂર્ણપણે ખોટો હતો.

ગિલ અને અભિષેક શર્મા ઓપનર તરીકે મેદાનમાં આવ્યા
172 રનના લક્ષ્યાંકના જવાબમાં ગિલ અને અભિષેક શર્મા ઓપનર તરીકે મેદાનમાં આવ્યા હતા. અભિષેકે પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. શાહીને પહેલી ઓવરમાં 9 રન આપ્યા પરંતુ તે પછી, ભારતીય ઓપનરોએ પાકિસ્તાની બોલરોનો સામનો કર્યો હતો. બંને તરફથી છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ થયો હતો ભારતનો સ્કોર 5 ઓવરમાં 55-0 હતો. ભારતની સદી 9મી ઓવરમાં જ આવી હતી. અભિષેકે માત્ર 24 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી પરંતુ ટીમ ઈન્ડિયાને 10મી ઓવરમાં પહેલો ફટકો પડ્યો જ્યારે ગિલ 47 રન બનાવીને આઉટ થયો હતો.
જોકે, કેપ્ટન સૂર્યા પોતાનું ખાતું ખોલી શક્યો નહીં અને 11મી ઓવરમાં આઉટ થયો હતો ભારતને 13મી ઓવરમાં ત્રીજો ફટકો પડ્યો જ્યારે અભિષેક 74 રન બનાવીને આઉટ થયો હતો અભિષેકે પોતાની ઇિંનગમાં 5 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા. આ પછી, તિલક અને સેમસનએ ઇિંનગને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ 17મી ઓવરમાં, ભારતને ચોથો ફટકો પડ્યો જ્યારે સેમસન 13 રન બનાવીને આઉટ થયો. જો કે ત્યારબાદ 19મી ઓવરમાં તિલક વર્મા અને હાર્દિક પંડ્યાએ ભારતને જીત અપાવી હતી. એશિયા કપમાં આ ભારતનો સતત ચોથો અને પાકિસ્તાન સામેનો બીજો વિજય હતો હતો.
