સ્કૂલમાં વિધાર્થીની સાથે થયેલી બોલાચાલી યુવકના ઘર સુધી પહોંચી : રાજકોટના બેડી ગામે 6 શખસોએ પિતા-પુત્રને માર માર્યો
શહેરના છેવાડે આવેલ બેડી ગામમાં રહેતા યુવકને સ્કૂલમાં વિધાર્થીની સાથે બોલાચાલી થઈ હોય જેનો ખાર રાખીને 6 શખસોએ ઘરમાં ઘુસી પિતા-પુત્રને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના અંગે કુવાડવા રોડ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, બેડી ગામે સરદાર ચોક પાસે કુવાવાળી શેરીમાં રહેતા 18 વર્ષીય મીત કૌશિકભાઈ વડોદરિયાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તે વિઝન સ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરે છે. ચારેક દિવસ પહેલા સ્કૂલમાં ચાલવા બાબતે એક છોકરી સાથે તેની બોલાચાલી થઈ હતી. તે બાદ અંગે તેણે છોકરીની માફી પણ માંગી હતી તેમ છતાં અજાણ્યા નંબરમાંથી તેને ફોન આવતા અને તું ક્યાં છો તને મારવો છે તેવું સામેવાળા જણાવતા હતા. દરમિયાન શનિવારે રાત્રિના ઘરેથી તેની બહેનનો ફોન આવેલો અને જણાવેલ કે, “તારા મિત્રો ઘરે આવ્યા છે તું ઘરે આવ”
યુવક ઘરે જતાં જ ઘરમાં કેટલાક અજાણ્યા શખસો હાજર હતા જેમાંથી એક શખસે ઉશ્કેરાઈને તે કેમ છોકરી પાસે માફી ન માગી તેમ કહી ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો. પરિવારના સભ્યોએ બચાવતા આરોપીઓએ ઝપાઝપી કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમાંથી એક શખસે યુવકના પિતાને તેનો નંબર આપી મારુ નામ મનીષ મુંધવા છે તેમ કહી ફોન કરવા જણાવી ત્યાંથી ચાલ્યા ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
