1372 કરોડ રૂપિયા ‘પાણી’માં છતાં પરેશાનીનો પાર નથી! રાજકોટમાં DI પાઇપલાઇન માટે ખોદકામ કર્યું છતાં હજુ 25 સ્થળોએ કામ બાકી
રાજકોટની વસતી અને વિસ્તાર બન્નેમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ વસતીમાં વધારો થવાને કારણે પાણીની જરૂરિયાત પણ એટલી જ વધી ગઈ છે સામી બાજુ પીવાનું પાણી પૂરું પાડતાં જળસ્ત્રોતમાં કોઈ વધારો થયો ન હોવાને કારણે અત્યારે જેટલા સ્ત્રોત છે તેના મારફતે જ પાણી વિતરણ કરાઈ રહ્યું છે. બીજી બાજુ અત્યાર સુધી પાણી વિતરણ માટે જૂની લાઈન હોવાને કારણે તેમાં લીકેજ ઉપરાંત ભૂતિયા કનેક્શન લઈ લેવા તેમજ પાણીની બેફામ ચોરી કરવા સહિતની સમસ્યા ઉદ્ભવી રહી હોય મહાપાલિકા દ્વારા દરેક વોર્ડમાં ડીઆઈ પાઈપલાઈન બીછાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જો કે લાઈન બીછાવવા માટે રસ્તાનું આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાથી લોકોને હાલાકી પણ એટલી જ ભોગવવી પડી છે ત્યારે ડીઆઈ પાઈપલાઈન બીછાવવા માટે મહાપાલિકાએ 1372 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાની વિગત સામે આવી છે. શહેરના 18 વોર્ડમાં કુલ 101 સ્થળે પાઈપ લાઈન બીછાવાઈ છે તેમાંથી 25 સ્થળે હજુ લાઈન બીછાવવાનું બાકી હોય લોકોએ હજુ ખોદકામને લીધે હાલાકી ભોગવવી પડશે.
ક્યાં ક્યાં કામ હજુ ચાલું
- ઘંટેશ્વર સમ્પથી વોર્ડ નં.3ના અલગ-અલગ વિસ્તાર
- રૈયાધાર ઈએસઆરથી વોર્ડ નં.3ના અલગ-અલગ વિસ્તાર
- રેલનગર ઈએસઆરથી વોર્ડ નં.3ના અલગ-અલગ વિસ્તાર
- વોર્ડ નં.4નું ભગવતીપરા
- વોર્ડ નં.5નો મંછાનગર વિસ્તાર
- વોર્ડ નં.5માં પેડક રોડ તેમજ આસપાસનો વિસ્તાર
- વોર્ડ નં.6માં શક્તિ સોસાયટી, ચંપકનગર, રણછોડનગર, બ્રાહ્મણીયાપરા
- વોર્ડ નં.7માં જાગનાથ પ્લોટ, સરદારનગર ઈસ્ટ વિસ્તાર
- વોર્ડ નં.7માં જાગનાથ પ્લોટ વિસ્તાર
- વોર્ડ નં.8માં વૈશાલીનગર વિસ્તાર
- વોર્ડ નં.9માં સાધુ વાસવાણી રોડથી ગંગોત્રી પાર્ક મેઈન રોડ
- વોર્ડ નં.9માં મુંજકા વિસ્તાર
- વોર્ડ નં.9ના મુંજકા વિસ્તારમાં ચોથા તબક્કાનું કામ
- વોર્ડ નં.9માં મુંજકા વિસ્તારમાં પાંચમા તબક્કાનું કામ
- વોર્ડ નં.10માં કાલાવડ રોડ ઈએસઆરથી મહાપાલિકા વિસ્તારોનું કામ
- વોર્ડ નં.12માં મવડી (પાર્ટ) તેમજ લાગુ વિસ્તાર
- વોર્ડ નં.12માં પુનિતનગર ઈએસઆરથી અલગ-અલગ વિસ્તારોનું કામ
- વોર્ડ નં.13માં ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા ગોંડલ રોડ
- વોર્ડ નં.13 (પાર્ટ)માં કોઠારિયા તેમજ વાવડીના બાકી વિસ્તારો
- વોર્ડ નં.18માં લાલ બહાદુર અને વિનોદનગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્તાર
હજુ તમામ ઘરને કનેક્શન અપાશે ત્યારે રસ્તો ખોદાય તેનો ખર્ચ વધારાનો…!
મહાપાલિકા દ્વારા અત્યારે આખા શહેરમાં ડીઆઈ પાઈપલાઈન બીછાવવાનું કામ ચાલી રહ્યું છે. આ રીતે 18 વોર્ડના 101 સ્થળે લાઈન બીછાવાઈ છે પરંતુ તમામ ઘરને હજુ આ નવી લાઈન મારફતે પાણીનું કનેક્શન આપ્યું નથી ત્યારે તમામ કામ પૂર્ણ થયા બાદ ફરજિયાતપણે ડીઆઈ લાઈનનું કનેક્શન આપવામાં આવનાર હોવાથી તેના માટે નવેસરથી રસ્તો ખોદાશે જેને બૂરવા માટે થનારો ખર્ચ વધારાનો રહેશે. એકંદરે આ તમામ ખર્ચ પ્રજાની કેડે જ આવશે કેમ કે નવું કનેક્શન લેવાનો ચાર્જ પણ વસૂલાશે.
