આજથી શારદિય નવરાત્રિનો પ્રારંભ : ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું-ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમી શકશે
વી શક્તિની ભક્તિ અને ગરબાના ધબકારાના તહેવાર નવરાત્રિનો શુભારંભ સોમવારથી થઇ રહ્યો છે ત્યારે દર વખતની જેમ આ વખતે પણ ગરબા કેટલા વાગ્યા સુધી રમી શકાય તે અંગેની ખેલૈયાઓની મૂંઝવણ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દૂર કરી છે અને જાહેર કર્યું છે કે, ખેલૈયાઓ ગમે તેટલા સમય સુધી ગરબા રમી શકે છે. વહીવટીતંત્રએ સમગ્ર ગુજરાતમાં આવી વ્યવસ્થા કરી છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રિના ખેલૈયાઓને કહ્યું છે કે, “માતા અંબાની શક્તિ અને ઓપરેશન સિંદૂરની ભક્તિ તેમની નસોમાં વહેતી હોવાથી, ખેલૈયાઓ મોડી રાત સુધી, સંપૂર્ણ અધિકાર સાથે ગરબા રમી શકશે.”
તેમણે કહ્યુ છે કે, ગરબા દરમિયાન દેવી અંબાની પૂજા કરવા માટે ગુજરાતના તમામ યુવાનો અને નાગરિકોના ઉત્સાહને વધુ પ્રજ્વલિત કરવા માટે, ગુજરાત સરકાર પણ યુવાનો સાથે આ ભક્તિભાવમાં જોડાઈ છે. ગુજરાત સરકારે એવી વ્યવસ્થા કરી છે કે દરેક વ્યક્તિ પોતાની પસંદગીના સમય સુધી ગરબા રમી શકે. અમે ગરબા આયોજકો સાથે ચર્ચા કરી રહ્યા છીએ. પોલીસ પણ તેમની સાથે વાતચીત કરી રહી છે. બધા ગરબામાં ભાગ લેનારાઓ ગમે તેટલા લાંબા સમય સુધી ગરબા રમી શકે છે.
વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા આવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગરબામાં ભાગ લેનારાઓ માટે નવરાત્રિને દિવાળીની ઉજવણી જેવી જ બનાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
કાયદો શું કહે છે?
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે નહીં. જોકે, દેશના દરેક રાજ્યને વર્ષમાં એકવાર 15 દિવસ માટે રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી આપવામાં આવી છે. ગુજરાત સરકારે નવરાત્રિ ઉત્સવને ધ્યાનમાં રાખીને મધ્યરાત્રિ સુધી છૂટછાટ પણ આપી છે. જોકે, મધ્યરાત્રિ પછી લાઉડસ્પીકર વગાડવું ગુનો છે. આ નિયમ સુપ્રીમ કોર્ટના અવાજમુક્ત વાતાવરણમાં રહેવાના અધિકારને સુનિશ્ચિત કરવા માટે છે. જોકે, ગુજરાતના ગૃહમંત્રીએ તે સમય સ્પષ્ટ કર્યો નથી કે કેટલા વાગ્યા સુધી ગરબા રમી શકાશે. તેમણે માત્ર મોડી રાત સુધી અને ખેલૈયાઓ ગમે તેટલા લાંબા સમય સુધી ગરબા રમી શકે છે તેવું જ કહ્યું છે.
