રાજકોટના શાપર-વેરાવળમાં PGVCLના નાયબ ઇજનેરની જોહુકમી! દરવાજા વગરની ઇકો કારને બનાવી ફોલ્ટ રીપેર વાન
એકતરફ PGVCL દ્વારા ફોલ્ટ સેન્ટરનું ખાનગીકરણ કરવા માટે તૈયારીઓ શરૂ કરી છે તેવા સમયે જ રાજકોટ ગ્રામ્યના શાપર-વેરાવળ સબ ડિવિઝનમાં નાયબ ઇજનેરની ભ્રષ્ટાચાર આચરવાની નીતિ ખુલી પડી છે. શાપર -વેરાવળમાં હાલમાં લાઈન સ્ટાફ માટે ફોલ્ટ રીપેરીંગ માટે ટાવર લેડર વાહનની સુવિધા આપવાને બદલે દરવાજા વગરની ઇકો ભાડે રાખી ખોટા બીલો બનાવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ ખુદ કર્મચારીઓમાંથી ઉઠવા પામી છે. સાથે જ ધક્કા ગાડી ઇકો ગમે ત્યારે બંધ થઇ જતી હોય ફોલ્ટ રિપેરમાં જતો સ્ટાફ સમયસર પહોંચી શકતો ન હોવાનું પણ સામે આવ્યું છે.

PGVCLના રાજકોટ રૂરલ સર્કલના શાપર વેરાવળ સબ ડિવિઝનમાં લાઈન સ્ટાફ જીવ જોખમે કામ કરવા મજબુર બન્યો હોવાની ફરિયાદો વચ્ચે ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળને ફરિયાદ કરવામાં આવી છે. અહીં સબ ડિવિઝનના નાયબ ઈજનેર દ્વારા નિયમ વિરુદ્ધ ફોલ્ટ રીપેર કરવા માટે ઇકો ગાડી ચલાવવામાં આવી રહી છે. ઇકો એક પેસેન્જર વાહન હોવાની સાથે સીએનજીથી ચાલતી હોય વીજ ફોલ્ટ દૂર કરવા સમયે અકસ્માત સર્જાવાની ભીતિ પણ સેવાઈ રહી છે.ઉલ્લેખનીય છે કે, શાપર -વેરાવળ જેવા ઔદ્યોગિક વિસ્તારમાં ફોલ્ટનું પ્રમાણ પણ વધુ હોવાની સાથે અહીં હેવી વીજલાઈનો આવેલ હોવા છતાં ટાવર લેડર સાથેના વાહનને બદલે ઇકો ભાડે રાખી કર્મચારીઓ પાસે જીવના જોખમે કામગીરી લેવામાં આવતી હોવાની ફરિયાદ ઉચ્ચકક્ષાએ પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, ટાવર લેડર વગરની ઇકો કારમાં દરવાજા પણ નીકળી ગયા છે. સાથેજ આ ઇકો કાર ગમે ત્યારે બંધ પડી જતી હોવાથી ધક્કા મારીને ગાડી ચલાવવી પડતી હોવાની ફરિયાદ સાથે વિડીયો પણ વાયરલ થયા છે. જો કે, કારણ ગમે તે હોય પણ અહીંના નાયબ ઇજનેર ફોલ્ટ રીપેર માટે ધરાર ગાડીમાં જ કર્મચારીઓને મોકલી રહ્યા હોવાથી કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ કોઈપણ જાતની ટેન્ડર પ્રકિયા વગર ઇકો કારને ભાડે રાખી લોગબુક પણ નિભાવવામાં ન આવતી હોવાથી PGVCLના નાણા વેડફાઈ રહ્યા હોય આ મામલે ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળને પણ ફરિયાદ થઇ છે.
