અનિરુદ્ધસિંહ જાડેજાનો જૂનાગઢ જેલમાંથી ગોંડલ પોલીસે કબજો લીધો : રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં કરાઈ ધરપકડ
રીબડાના અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાએ અંતે આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટના આદેશના પગલે ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. તેમને પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાના 1988ના હત્યા કેસમાં આજીવન કેદની સજા હેઠળ પોલીસ જાપ્તા સાથે જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. અનિરૂધ્ધસિંહે ગોંડલ કોર્ટમાં સરેન્ડર કરતા ગોંડલ પોલીસ તેમજ લોકો કોર્ટ બહાર એકત્રિત થઈ ગયા હતા. હવે ગોંડલ તાલુકા પોલીસ રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહનો જૂનાગઢ જેલમાંથી કબજો લીધો છે.

અનિરૂધ્ધસિંહ જાડેજાને હત્યા કેસમાં આજીવન કેદમાં મળેલી માફી ગત માસે ગુજરાત હાઈકોર્ટે રદ કરી હતી જેની સામે અનિરૂધ્ધસિંહે સુપ્રીમ કોર્ટમાં વકીલો અરજી કરતા સુપ્રીમ કોર્ટ દ્વારા 18 સપ્ટેમ્બર સુધીમાં હાજર થઈ જવા આદેશ કરાયો હતો જે સામે ગઈકાલે હાજર થવાના આખરી દિવસે અનિરૂધ્ધસિંહને હાજર થવામાં વધુ સાત દિવસની રાહત મળી હતી. અનિરૂધ્ધસિંહને મળેલી સાત દિવસની મહેતલ સામે આજે સામે પક્ષે હરેશ સોરઠિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં વકીલો મારફતે અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટે ત્વરીત ધોરણે અનિરૂધ્ધસિંહને આજે (તા.19) રાત્રે આઠ સુધીમાં જેલ ઓથોરિટી સમક્ષ હાજર થવા આદેશ કર્યો હતો. જેના પગલે અનિરૂધ્ધસિંહ સુપ્રીમ કોર્ટે આપેલા સમય પૂર્વે જ બપોરે ગોંડલ કોર્ટ જજ આર.એસ. રાઠોડની સમક્ષ હાજર થઈ ગયા હતા. કોફી રંગ જેવો શર્ટ અને જીન્સ પેન્ટ પહેરેલા અનિરૂધ્ધસિંહને હથિયારધારી પોલીસના જાપ્તા સાથે પોલીસ વાનમાં જૂનાગઢ જેલમાં મોકલી દેવાયા હતા ત્યારે અનિરુદ્ધસિંહનો જૂનાગઢ જેલમાંથી કબજો લઈ રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
ગોંડલના જે તે વખતના ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા અને અનિરૂધ્ધસિંહના પિતા મહિપતસિંહ જાડેજા વચ્ચે રાજકીય ખટરાગ ચાલતો હતો જેને લઈને 22 વર્ષની વયે અનિરૂધ્ધસિંહ જાડેજાએ ગોંડલની સંગ્રામસિહજી હાઈસ્કૂલમાં 15 ઓગસ્ટ-1988ના રોજ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાને ધ્વજવંદન કાર્યક્રમમાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ભડાકે દઈને હત્યા કરી હતી. જે તે સમયે જ ત્યાં હાજર એસઆરપીના ઝાલા તથા સ્ટાફે અનિરૂધ્ધસિંહને પકડી પાડ્યા હતા. હત્યાના ગુનાના આરોપમાં ગોંડલ પોલીસે ધરપકડ કરી હતી. કેસ ચાલી જતાં ગોંડલ સેશન્સ કોર્ટે 1994માં અનિરૂધ્ધસિંહને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરતો ચૂકાદો આપ્યો હતો.
જે ચૂકાદા સામે સરકારે ટાડા હેઠળ અપીલ કરી હતી અને સુપ્રીમ કોર્ટે 1997માં અનિરૂધ્ધસિંહને આજીવન કેદની સજા ફટકારી હતી. આજીવન કેદ પડતા અનિરૂધ્ધસિંહ ત્રણ વર્ષ ફરાર રહ્યા હતા બાદ 2000માં ધરપકડ થઈ હતી. 18 વર્ષ જેલમાં રહ્યા બાદ 2017માં સરકાર દ્વારા 12 વર્ષ પૂર્ણ થયા હોય તેવા આજીવન સજાના કેદીને સજા માફી આપવાની કમિટી બની હતી. જૂનાગઢ જેલમાં બંધ અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા 29-1-18ના રોજ સજા માફી માટે જેલ સત્તાવાહક મારફતે રજી કરાઈ હતી. જે અરજી આધારે જે તે સમયના જેલ વડા ટી.એસ. બીસ્ટ દ્વારા અનિરૂધ્ધસિંહની સજા માફીની અપીલ માન્ય રાખીને જેલ મુક્ત કર્યા હતા.
અનિરૂધ્ધસિંહ જેલ મુક્ત થયા એ સંદર્ભે સરકારની સહમતિ હોય અથવા તો સાત વર્ષ સુધી ધ્યાનચૂક રહી ગઈ હોય તેમ સાત વર્ષ સુધી ન્હોતો સરકારે કોઈ કાર્યવાહી કરી હતી કે ન્હોતી છ વર્ષ સુધી મૃતક પોપટભાઈના કોઈ પુત્ર પરિવાર દ્વારા કાર્યવાહી થઈ ન્હોતી. ગત વર્ષે 2024માં પોપટભાઈના પૌત્ર હરેશ સોરઠિયાએ સજા માફી રદ કરવા હાઈકોર્ટમાં અપીલ કરી હતી જે બન્ને પક્ષે સુનાવણી, રજૂઆતો સહિતના દસ્તાવેજી પુરાવાઓ બાદ ગત મહિને 22 ઓગસ્ટના હાઈકોર્ટે અનિરૂધ્ધસિંહની સજા માફી રદ કરી હતી અને ચાર સપ્તાહમાં સરેન્ડર કરવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટના હુકમ સામે અનિરૂધ્ધસિંહ તરફે સુપ્રીમ કોર્ટમાં 29 ઓગસ્ટના રોજ સ્પે. લીવ પિટિશન કરાઈ હતી. બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો હુકમ યથાવત રાખી અનિરૂધ્ધસિંહને 18 સપ્ટેમ્બર સુધીમાં હાજર થવા હુકમ કર્યો હતો.
ગઈકાલ સુધી અનિરૂધ્ધસિંહ હાજર થયા ન હતા જેથી આજે આખરી દિવસે 18 સપ્ટેમ્બરે ગમે ત્યારે હાજર થશે તેવી રાહ સાથે પોલીસ તંત્ર, જેલતંત્રએ તમામ તૈયારીઓ રાખી હતી. મોડીસાંજ સુધી અનિરૂધ્ધસિંહ હાજર થયા ન હતા અને સુપ્રીમકોર્ટે હાજર થવામાં સાત દિવસની રાહત આપ્યાના સમાચાર આવ્યા હતા. રાહત મળ્યા સામે આજે સામેના જૂથે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવતા અનિરૂધ્ધસિંહની સાત દિવસની રાહત રદ થઈ હતી અને આજે જ શુક્રવારે સાંજે 8 વાગ્યા સુધીમાં હાજર થવાનો હુકમ થયો હતો જેના પગલે આજે બપોરે અનિરૂધ્ધસિંહ ગોંડલ કોર્ટમાં હાજર થઈ ગયા હતા.
રાજકોટ રૂરલ ગોંડલ પોલીસ દ્વારા ગત મે માસમાં રીબડાના અમિત ખૂંટે કરેલા આપઘાતના કેસમાં જૂનાગઢ જેલમાંથી કબજો મેળવવા કાયદાકીય કવાયત હાથ ધરી દેવાઈ છે અને આ કેસમાં કબજો મેળવીને ધરપકડ કરાશે. અનિરૂધ્ધસિંહે અમિત ખૂંટ કેસમાં ગોંડલ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જે ગત માસે 19 ઓગસ્ટના રદ થઈ હતી. એ પહેલાં તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની અરજી નામંજૂર થઈ હતી. અમિત ખૂંટ કેસમાં પિતા-પુત્ર બન્ને તેમજ જૂનાગઢનો રહીમ મકરાણી ફરાર છે. હવે અનિરૂધ્ધસિંહની ધરપકડ થશે.
ચાર માસ સુધી રાજકોટ રૂરલ પોલીસ શોધી ન શકી
અનિરૂધ્ધસિંહ જાડેજા સામે મે માસમાં અમિત ખૂંટને આપઘાત કરવાના આરોપસર ગુનો નોંધાયો હતો ત્યારથી આજે અનિરૂધ્ધસિંહ સુપ્રીમ કોર્ટના આદેશને લઈને ગોંડલ કોર્ટમાં હાજર થયા ત્યાં સુધી રાજકોટ રૂરલ પોલીસ શોધી ન શકી. અનિરૂધ્ધસિંહ આજે ગોંડલ કોર્ટમાં સરેન્ડર થયાના સમાચારથી પોલીસ અચંબીત થઈ ગઈ હશે. ગઈકાલે તા.18 (ગુરૂવાર)ના રોજ હાજર થવાની આખરી તારીખ હતી. રાજકોટ રૂરલ પોલીસ ગઈકાલે એક્યિવ હતી કે જો હાજર થાય એ પૂર્વે જૂનાગઢમાંથી મળી આવે તો અમિત ખૂંટ કેસમાં ધરપકડ થઈ શકે. જો કાલે અનિરૂધ્ધસિંહ ન આવ્યા અને આજે ગોંડલ કોર્ટમાં પહોંચી ગયા હતા.
કોર્ટમાં હાજર થયાના સમાચારના પગલે સમર્થકો ઉમટી પડ્યા
હાજર થયા પૂર્વે પોલીસને ખ્યાલ પણ ન આવે તેમ અનિરૂધ્ધસિંહ જાડેજા કોઈ શક્તિપ્રદર્શન વિના અચાનક ગોંડલ કોર્ટમાં આવી પહોંચ્યા હતા. રાત્રે આઠ સુધીનો સરેન્ડર થવાનો સમય હતો જેથી કદાચ જૂનાગઢ જેલે જ પહોંચશે તેવો પોલીસનો અંદાજ હશે પરંતુ ગોંડલ કોર્ટમાં જ સરેન્ડર કર્યું હતું. અનિરૂધ્ધસિંહ હાજર થયાના સમાચારના પગલે તેમના સમર્થકો, નજીકના લોકો કોર્ટ પ્રાંગણમાં ઉમટી પડ્યા હતા.
