અહો આશ્ચર્યમ! PM મોદીના ડ્રિમ પ્રોજેક્ટના વિરોધમાં ઉતર્યા ભાજપના નેતાઓ, રૂ.303 કરોડ પ્રોજેક્ટ કરાવ્યો બંધ, જાણો શું છે સમગ્ર મામલો
જામનગરથી પંજાબના અમૃતસરને જોડતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મહત્વના નેશનલ હાઈવેના ભારતમાલા પ્રોજેક્ટમાં ભાજપના નેતાઓ જ વિરોધમાં ઉતરી જામનગર જિલ્લાના ધ્રોલ બાયપાસ તેમજ આમરણ નજીક એલિવેટેડ હાઈવેની કામગીરી બંધ કરાવી દેતા રૂપિયા 303 કરોડનો પ્રોજેક્ટ ઘોસમાં પડયો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. ભાજપ નેતાઓ દ્વારા અહીં સર્વિસ રોડ તેમજ પ્રત્યેક ખેતર માટે પાઇપ લાઈન પસાર થઇ શકે તે રીતે હાઇવે બનાવવા માંગ કરી છે. હાલમાં હાઈવેની કામગીરી બંધ કરી દેવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતને અનેક મહત્વના પ્રોજેક્ટ ભેટ આપવામાં આવ્યા છે જેમાં ભારતમાલા પ્રોજેક્ટ પીએમનો ડ્રિમ પ્રોજેક્ટ છે. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત વડાપ્રધાન દ્વારા જામનગરથી પંજાબના અમૃતસરને જોડતા હાઈવેની કામગીરી હાલમાં પ્રગતિમાં છે ત્યારે બે દિવસ પૂર્વે ભારત માલા પ્રોજેક્ટના મહત્વના પાર્ટ એવા ધ્રોલ બાયપાસ તેમજ આમરણ એલિવેટેડ હાઈવેની કામગીરીમાં સ્થાનિક ભાજપના નેતાઓ દ્વારા જ નેશનલ હાઈવેની ડિઝાઇન મુજબ નહીં પરંતુ પોતે કહે તે રીતે સર્વિસ રોડ અને દરેક ખેડૂતને સિંચાઈ સુવિધા માટે રોડની વચ્ચેથી પાણીની લાઈન પસાર કરવા દેવાની માંગ સાથે કામગીરી બંધ કરાવી દીધી હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જામનગર અમૃતસર હાઇવે ભારતમાલા પ્રોજેક્ટમાં હાલમાં ધ્રોલ બાયપાસથી જોડિયા રોડ સુધીનો છ કિલોમીટરનો નવો જ રોડ બનાવવામાં આવી રહ્યો છે જેમાં એક મેજર બ્રિજ અને એક માઇનોર બ્રિજ વચ્ચે માત્ર 200 મીટરનું અંતર હોવા છતાં ભાજપ અગ્રણીની અહીં જમીન આવેલ હોવાથી સર્વિસ રોડ આપવા માંગ કરવામાં આવી છે. સાથે જ છ કિલોમીટરના હાઈવેમાં દર 200 મીટર છોડીને પાઇપ લાઈન નાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં સ્થાનિક ભાજપ અગ્રણીઓ દ્વારા દરેક ખેડૂતના ખેતરથી સામેની તરફ પાણીની લાઈન નાખવા માટે વ્યવસ્થા કરવા માંગણી કરી હાઈવેની કામગીરી અટકાવી દેતા હાલમાં રૂપિયા 303 કરોડના આ પ્રોજેક્ટમાં કામગીરી બંધ કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
