વૉર્નિંગ બેલ : રાજકોટના 26 બાળકોને બ્લડ-જડબાનું કેન્સર,આંગણવાડી-સ્કૂલમાં ભણતા બાળકોના આરોગ્યની ચકાસણી કરતા થયો ખુલાસો
જ્યારથી સોશ્યલ મીડિયાનું અતિક્રમણ થઈ ગયું છે ત્યારે મોટેરા તો ઠીક પરંતુ બાળકો પણ રમત-ગમતના મેદાનની જગ્યાએ સ્ક્રીન સામે આંખો માંડીને બેઠેલા જોવા મળી રહ્યા છે. આ જ કારણથી બાળક સાજું ઓછું અને બીમાર વધુ પડતું હોવાનું બન્યા વગર રહેતું નથી. આ બધાની વચ્ચે વાલીઓ માટે ચેતવણી હોય તે પ્રકારે હવે તો બાળકો કેન્સર, હૃદયરોગ, કિડનીના રોગથી પીડાઈ રહ્યા હોવાનું સામે આવતા અત્યારથી જ તેમની આદતમાં સુધારો કરવાની તાતી જરૂરિયાત છે. મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કેન્દ્ર સરકાર હસ્તકના રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શહેરની આંગણવાડી તેમજ સ્કૂલમાં ભણતા બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવતા 26 બાળકો કેન્સરગ્રસ્ત હોવાનું નિદાન થયું હતું.
આ અંગે મહાપાલિકાની આરોગ્ય શાખાના આર.સી.એચ.ઓ (બાળરોગના નિષ્ણાત) ડૉ.લલિત વાંઝાએ જણાવ્યું કે 1 જાન્યુઆરીથી 31 જૂલાઈ સુધીમાં શહેરની તમામ આંગણવાડીઓ તેમજ મહાપાલિકા હસ્તકની સ્કૂલ ઉપરાંત અન્ય સ્કૂલના મળી કુલ 1.90 લાખ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી જેમાં 26 બાળકોને લોહી, હાડકા, જડબાનું કેન્સર હોવા તેમજ ટ્યુમર હોવાનું સામે આવ્યું હતું. આ તમામ બાળકોની હવે મહાપાલિકા દ્વારા સારવાર કરવામાં આવશે. બાળકોને આરોગ્ય કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે જેના હેઠળ તેઓ રાજકોટ અથવા અમદાવાદ અને જરૂર પડે તો ગુજરાત બહાર પણ સારવાર કરાવવામાં આવશે અને તેમનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.
આ ઉપરાંત સ્ક્રીનિંગ કરાયેલા બાળકોમાંથી 138ને હૃદયરોગ હોવાનું પણ સામે આવ્યું છે જેમાં અમુક બાળકને હૃદયમાં કાણું ઉપરાંત શ્વાસ ચડવા સહિતનાં લક્ષણો સાથે બીમારી જોવા મળતાં તેમની પણ આરોગ્ય કાર્ડ થકી સારવાર કરાવવામાં આવશે. આ જ રીતે 38 બાળકોને કિડની સંબંધિત બીમારી તો 12 બાળકોને અન્ય પ્રકારની ગંભીર બીમારી હોવાનું નિદાન થયું હતું. જ્યારે સાત બાળકોને કાન-નાક-ગળામાં તકલીફ હોવાથી તેમને કોકલીયર ઈમ્પ્લાન્ટની સારવાર કરાવવી પડશે. આ જ રીતે 1583 બાળકોને ડેંગ્યુ સહિતનાં લક્ષણો જણાતાં તાત્કાલિક સુપર સ્પેશ્યાલિટી સારવાર આપવામાં આવી હતી. ઉપરોક્ત બીમારી અંતર્ગત અમુક બાળકોને વારસાગત તો અમુક ખાનપાનની ખોટી આદતને કારણે ગ્રસ્ત બન્યા હોવાનું બની શકે છે.
વધી રહેલા કેન્સર માટે હવા-પાણી-ખોરાક સૌથી વધુ જવાબદાર
આ અંગે કેન્સર રોગના નિષ્ણાત ડૉ.જિજ્ઞેશ મેવાએ જણાવ્યું કે બાળકોમાં વધી રહેલા કેન્સર માટે મુખ્યત્વે હવા-પાણી અને ખોરાક સૌથી વધુ જવાબદાર છે. આ ઉપરાંત અમુક સ્ટેજ વટાવી ગયા બાદ બીમારીનો ખ્યાલ આવતો હોવાથી તેના કારણે પણ સ્થિતિ ગંભીર બની શકે છે. બાળકોના કેન્સરની સંખ્યામાં એટલી હદે વધારો થઈ ગયો છે કે અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં બાળકોના કેન્સર માટે અલગથી એક વોર્ડ ઉભો કરવો પડ્યો છે !
