રાજકોટની માલવિયા કોલેજ પાસે પાણીની લાઈન ધડાકાભેર ફાટી : 3 વોર્ડમાં ધાંધિયા
રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતા તમામ જળાશય છલોછલ ભરેલા હોવાને કારણે કાપ ઝીકવાની નોબત આવી રહી નથી. જો કે ક્યારેક ક્યારેક ટેક્નીકલ કારણોસર ફોલ્ટ સર્જાઈ જતો હોવાને કારણે લોકોએ જાહેર કર્યા વગરનો કાપ સહન કરવો પડી રહ્યો છે. આવું જ કંઈક ત્રણ વોર્ડના અનેક વિસ્તારોમાં સર્જાવા પામ્યું હતું. પાણીની લાઈન ધડાકાભેર ફાટી પડતા ત્રણેય વોર્ડમાં પાણીના ધાંધિયા થતા ભારે દેકારો બોલી ગયો હતો.

ગુરુકુળ ઝોનની પાણીની લાઈન કે જે પી.ડી.માલવિયા કોલેજ પાસે રેલવે ફાટક નજીકથી પસાર થાય છે ત્યાં વહેલી સવારે 3ઃ30 વાગ્યા આસપાસ લાઈનમાં ભારે એર પ્રેસર સર્જાઈ જતા ધડાકાભેર ફાટી પડી હતી. આ પ્રેસર એટલું તીવ્ર હતું કે રસ્તા પરનો ડામર પણ ઉખડી ગયો હતો અને ખાડો પડી જવા પામ્યો હતો. લાઈન ફાટવાને કારણે નારાયણનગર, ઢેબર કોલોની, અટિકા સહિતના મહત્તમ વિસ્તારો કે જ્યાં સવારે 4ઃ30 વાગ્યે પાણી વિતરણનો સમય છે ત્યાં વિતરણ ન થતા લોકોની ઉંઘ પણ બગડી હતી. આ અંગેની જાણ વોર્ડ નં.17ના કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીને થતાં તેઓ અને તેમના પતિ ગૌતમ ગોસ્વામી દોડી ગયા હતા અને ઈજનેરોને પણ તાત્કાલિક સ્થળ પર દોડાવ્યા હતા.
પાણીની લાઈનનું રિપેરિંગ વહેલી સવારથી જ શરૂ કરી દેવામાં આવ્યું હતું. વળી, જ્યાં લાઈન ફાટી ત્યાં વીજપોલ પણ આવેલો હોય પીજીવીસીએલ ટીમને બોલાવી સુરક્ષિત રીતે વીજપોલને પણ બહાર કાઢવામાં આવ્યો હતો. એકંદરે મોડી સાંજ સુધી કામ ચાલું રહેવાને કારણે પાણી વિતરણ થઈ શક્યું ન્હોતું. એકમાત્ર વોર્ડ નં.17 જ નહીં બલ્કે લાઈન તૂટવાને કારણે વોર્ડ નં.7 અને 14ના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ થઈ શક્યું ન હોવાનું જાણવા મળ્યું હતું.
