મુંબઈ ફરી થયું પાણી પાણી : અતિ ભારે વરસાદથી પરિવહન સેવા ખોરવાતા લોકો મુસીબતમાં મુકાયા,પૂણેમાં સ્કૂલો બંધ
દેશમાં ચોમાસુ તેના અંત તરફ છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદે ભારે વિનાશ વેર્યો હતો. જો કે હવે આ રાજ્યોમાં વરસાદ બંધ થવા લાગ્યો છે. જોકે, ચેતવણી મુજબ, દેશભરના વિવિધ રાજ્યોમાં પરિસ્થિતિ સમાન નથી. મુંબઇમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ જોરદાર વરસાદ પડ્યો હતો. પૂણેમાં પણ અતિ ભારે વરસાદને પગલે સ્કૂલોમાં રજા જાહેર કરાઇ હતી. ફરીવાર મુંબઈ પાણી, પાણી થઈ ગયું હતું. પરિવહન પણ ખોરવાઇ ગયો હતો.
સોમવાર સવારથી મુંબઈ અને આસપાસના થાણે અને રાયગઢ જિલ્લાઓમાં વરસાદ થયો હતો. હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. મુંબઈમાં ભારે વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ફરી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ જિલ્લાઓમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની પણ આગાહી કરી છે. આ વાવાઝોડા જેવી સ્થિતિમાં હવામાન વિભાગે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે.
બીજી બાજુ હૈદ્રાબાદમાં પણ અતિ ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પરિવહન પર પણ અસર થઈ હતી. અહીં આંધી ફૂંકાવાની આગાહી કરાઇ હતી.
મુંબઈમાં ફરી મોનોરેલ સેવા ખોરવાઈ
દરમિયાન, ટેકનિકલ ખામીને કારણે મોનોરેલ સેવા પણ ખોરવાઈ ગઈ છે. થોડા અઠવાડિયા પહેલા, ટેકનિકલ ખામી અને વરસાદને કારણે મોનોરેલ એલિવેટેડ ટ્રેક પર ફસાઈ ગઈ હતી. ‘વડાલા જતી ટ્રેનને અસર થઈ હતી. મુસાફરોને ચેમ્બુરથી આવતી ટ્રેનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અહીં બીજીવાર આવી ઘટના બની હતી.
