જે થાળીમાં ખાધું એ જ થાળીમાં થુંક્યા! રાજકોટમાં 4 વર્ષ જે ઘરમાં કામ કર્યું ત્યાં 40 મિનિટમાં કરી 74.80 લાખની ચોરી
શહેરના પંચનાથ પ્લોટ-9માં રહેતા જલાધી અજીતભાઈ ઝવેરી નામના એડવર્ટાઈઝરના ઘરમાં થયેલી લાખોની ચોરીમાં એ-ડિવિઝન પોલીસે રાજસ્થાની ત્રણ શખસોની આજે વિધિવત ધરપકડ બતાવી છે. સાથે 67.36 લાખની ચોરી 74,82,500ની હોવાનો આંક ખૂલ્યો છે. આરોપી ત્રિપુટી પાસેથી 74,22,500ની માલમત્તા કબજે લેવાઈ છે. ચોરીના સુત્રધારે ચાર વર્ષ સુધી ઘરમાં કામ કર્યું હતું જેથી ઘરની તમામ ગતિવિધિઓથી જાણકાર હતો અને અન્ય બે સાગરીતો સાથે મળી ગત પહેલી તારીખે આવ્યો અને હાથ મારીને ત્રણેય વતન રાજસ્થાન નાસી છૂટ્યા હતા.

લાખોની ચોરી સંદર્ભે ત્રણ દિવસ પૂર્વે એપેક્ષ એડ.ના સંચાલક જલાધીભાઈએ એ-ડિવિઝનમાં નોંધાવેલી ફરિયાદમાં તેમના દાદા તુષારભાઈના રૂમમાંથી કબાટના ખાનામાંથી 10.50 લાખની રોકડ અને 56.81 લાખના ઘરેણા મળી 67.36 લાખની માલમત્તાની ચોરી થયાનું જણાવ્યું હતું. લાખોની ચોરી સંદર્ભે એ-ડિવિઝન પોલીસ, ક્રાઈમ બ્રાન્ચની ટીમો કામે લાગી હતી. એ દરમિયાન એ-ડિવિઝન પોલીસને સફળતા મળી, રાજસ્થાન દોડી જઈ સેલમ્બુર જિલ્લાના બદાવલી ગામના ગોપાલ ભગવતીભાઈ મીણા (ઉ.વ.19) તેમજ જગદીશ દેવીલાલ મીણા (ઉ.વ.22), સાગરીત પાડોશી ગામ રાજપુરાના મુકેશ ભેરાજી મીણા (ઉ.વ.19)ને ઝડપી પાડી રાજકોટ લાવીને વિધિવત ધરપકડ કરાઈ છે.
ચોરી કરીનાર મુખ્ય સુત્રધાર ગોપાલ ચાર વર્ષ સુધી ઝવેરી પરિવારના મકાનમાં કામ કરતો હતો. થોડા સમયથી નોકરી છોડી દીધી હતી. ગોપાલને ઘરના તમામ સભ્યોની દિનચર્યા, મકાનમાં ક્યાં શું કરહે છે ? સહિતની બાબતોનો ખ્યાલ હતો અને સાગરીતો સાથે મળી હાથ માર્યો હતો.

ઓળખ ન થાય એ માટે મંકીકેપ પહેરીને નવ ફૂટની દિવાલ કુદ્યો
ગોપાલ પોતે અગાઉ ઘરઘાટીનું કામ કરતો હતો એટલે ઘરમાં સીસીટીવી છે તે જાણતો હતો. ઓળખ ન થાય તે માટે તેણે મંકીકેપ (વાંદરા ટોપી) પહેરી લીધી હતી. બે બંગલો, દરવાજા વચ્ચે પાંચ ફૂટની દિવાલ હતી ત્યાંથી બન્નેને અંદર ઘૂસવાનો મોકો મળ્યો હતો. નીચે ફળિયામાં આવ્યા ત્યારબાદ ગોપાલ નવ ફૂટની દિવાલ ત્યાં પડેલા ઘોડા મારફતે કૂદીને ઉપર મકાનમાં પહોંચ્યો હતો. સાગરીત તુરંત જ ઘરની બહાર નીકળી ગયો હતો.
64 લાખની કિંમતના ઘરેણા ગોપાલે રાખ્યા, 10.50 લાખની રોકડ બન્ને સાગરીતને આપી
લાખોની ચોરી કર્યા બાદ ત્રણેયે ભાગ પાડ્યા હતા જેમાં ગોપાલે 64.50 લાખ વધુ કિંમતના સોના-ચાંદીના ઘરેણા રાખી લીધા હતા. જ્યારે ચોરીમાં સાથ આપનાર બન્ને સાગરીતોને 10.50 લાખની રોકડ આપી દીધી હતી. ત્રણેય પ્રથમ વખત ચોરીમાં સપડાયાનું જાણવા મળે છે. પોલીસને 74.22 લાખની માલમત્તા કબજે લેવામાં સફળતા મળતા ખરા અર્થમાં ડિટેક્શન જેવું બન્યું છે.ીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ તથા એસીપી રાધિકા ભારાઈના માર્ગદર્શન તળે પીઆઈ બી.વી. બોરીસાગરની રાહબરી હેઠળ પીએસઆઈ એસ.એમ. રાણા, એએસઆઈ બી.વી. ગોહિલ તથા સ્ટાફના એમ.એસ. મકવાણા, પ્રવીણ સોનારા, કનુભાઈ બસીયા, કલ્પેશ બોરીચા, મહેશ ચાવડા, કરણ વિરસોડીયા, સાગર માવદીયા, ધારાભાઈ વાનરિયા, ભાવીન ગઢવી, ધર્મેશ ખાંડેખા, તેજશ ડેરે લાખોની ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.
ગત પહેલી તારીખે આવ્યા, મોડી રાત્રે ઘરમાં ઘૂસ્યા, પૂજામાં જતાં જ ચોરી કરી
ગોપાલે બન્ને શખસો સાથે મળી ચોરીનો પ્લાન કર્યો હતો. ગત તા.1 સપ્ટેમ્બરના બપોરે ત્રણેય રાજકોટ આવી ગયા હતા. નજીકમાં ચક્કર કાપ્યા. ગોપાલને વૃધ્ધ તુષારભાઈ વહેલી સવારે ક્યારે જાગે તે બધો ખ્યાલ હતો. રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં ઘરમાં પડ્યો હતો. તુષારભાઈની જાગવાની રાહે થોડીવાર છૂપાઈને રહ્યો. તુષારભાઈ સાડા ત્રણેક વાગ્યા બાદ જાગ્યા, ફ્રેશ થવા ગયા. ગોપાલને એ ખ્યાલ હતો કે પૂજામાં બેસે એટલે પોણો કલાક જેવો સમય પૂજા કરે છે. તુષારભાઈ પૂજામાં બેસવા ગયા એટલે તુરંત જ ગોપાલ રૂમમાં ગયો. અગાઉથી ખ્યાલ જ હતો કે બ્લેઝરમાં ચાવી રાખે છે જેથી ચાવી લઈ ફટાફટ ખાનામાં પડેલી રોકડ બીજા ખાનામાં રહેલા સોના-ચાંદીના ઘરેણા બેગમાં ભરી લીધા હતા. નીચે ઉભેલા સાગરીતને થેલો ઉપરથી ઘા કરીને આપી દીધો હતો. બાદમાં ત્રણેય નાસી છૂટ્યા હતા.
