માછલી મોતી શોધે તેમ એપ,વેબમાંથી બગ શોધી કાઢે છે સૌરાષ્ટ્રનો ગામઠી યુવક! 3 વર્ષ સુધી સર્ચિંગ, સર્ફિંગ કરીને લીધું નોલેજ
`મન હોય તો માળવે જવાય, ખૂદી કો કર ઈતના બુલંદ’ની માફક સૌરાષ્ટ્રમાં ગોંડલ નજીક કોટડાસાંગાણીના કરમાળ પીપળિયાના ગામઠી યુવાનને મગજમાં ધૂન ચડી કે કંઈક અલગ કરવું છે. મોબાઈલ ફોનનો સોશિયલ મીડિયાનો સદ્ઉપયોગ કરીને બની ગયો એથિકલ હેકર, બગ બાઉન્ટી હન્ટર. જેમ માછલી દરિયામાં ઉંડા પાણીમાંથી મોતી શોધે છે તેમ આ યુવાન અલગ-અલગ કંપનીઓની એપ્લિકેશન, વેબસાઈટમાંથી શોધી કાઢે છે, બગ (ક્ષતિ). આ બગ બાબતે કંપનીઓનો માહિતગાર કરીને ઘર બેઠા 22 વર્ષની વયે નામ સાથે દામ કમાઈ રહ્યો છે. યુવકનો દાવો છે કે તેણે વિશ્વવિખ્યાત કંપનીઓ અને ભારત તેમજ વિદેશની સરકારની વેબસાઈટ પરથી પણ બગ શોધીને જે તે વિભાગને જાણ કરી છે. આ ક્ષેત્રમાં જ પા-પા પગલી ભરી છે અને ઉચ્ચસ્તરે પહોંચવાની મહેચ્છા હોવાનું યુવકનું સ્વપ્ન છે.

જે પરિવારમાં વર્તમાન કે અગાઉની પેઢીમાં કોઈને કોમ્પ્યુટર વિશે ખાસ જ્ઞાન નથી એવા પરિવારનો માત્ર 200 લોકોની વસતિ ધરાવતા કરમાળ પીપળિયા કોમ્પ્યુટરના કીડા સમા 22 વર્ષિય યુવક ઉત્સવપરી પરેશપરી ગોસાઈની દુનિયા અત્યારે મોબાઈલ અને લેપટોપ, કોમ્પ્યુટર સ્ક્રીન બની ગઈ છે. ઉત્સવે સાઈબર સિક્યુરિટી ક્ષેત્રમાં આગળ ધપવા આ ક્ષેત્રમાં ચાર વર્ષ પૂર્વે પાપા પગલી માંડી હતી અને ત્રણ વર્ષથી બંધ કમરામાં ખંત સાથેની રોજિંદા કલાકો લગનભરી મહેનત કરી. ઉત્સવે કરેલા દાવામાં અત્યાર સુધીમાં દોઢેક વર્ષના સમયગાળામાં તેણે વિશ્વવિખ્યાત એવી એપલ કંપની, મર્સિડીઝ, અંતરિક્ષ સંશોધન તે દિશામાં કામ કરતી અમેરિકાની નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) તેમજ અપસ્ટોક, હોસ્ટ ગેટર સહિતની અન્ય કંપનીમાંથી બગ શોધવાનું કામ કર્યું.
આ ઉપરાંત ભારત સરકારની સાઈબર હુમલાઓમાં રક્ષણનું કામ કરતી ક્રિટીકલ ઈન્ફોર્મેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર (એનસીઆઈઆઈપીસી) તથા નેધરલેન્ડ સરકારની વેબસાઈટમાંથી બગ શોધ્યાનો ઉત્સવનો દાવો છે. કામગીરીના બદલમાં સન્માન સર્ટિફિકેટ્સ અને રોકડ રકમ પણ મળી છે.

સાયબર સિક્યુરિટી તરફ આગળ ધપી રહેલા ઉત્સવે ગામની જ શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું, ધો.12 સુધી તો મોબાઈલ ફોનને સ્પર્શ પણ ન્હોતો કર્યો. ત્યારબાદ ગોંડલમાં કોલેજ કરી અને રાજકોટમાં હોસ્ટેલમાં રહીને માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (એમસીએ)નો અભ્યાસ કરે છે. ધો.12 સુધી અભ્યાસ પૂર્ણ કર્યો ત્યાં સુધી તો સોશિયલ મીડિયા શું કહેવાય તેનું ખાસ કોઈ જ્ઞાન જ ન્હોતું, ક્યારેક ક્યારેક એવું સાંભળવા, વાંચવા મળે કે ફલાણી કંપનીની સાઈટ હેક થઈ ગઈ, સર્વર ડાઉન થઈ ગયું ત્યારે ઉત્સુક્તા રહેતી કે આ બધું શું હશે, હેક થઈ જતું હોય તો ન થાય એવું કાઈ ન થઈ શકતું હોય. હેક કેમ થઈ જતું હશે ?
ધો.12 પછી એડવોકેટ પિતાએ મોબાઈલ લઈ આપ્યો હતો. ત્યારે તે મોબાઈલ ફોનમાં બધું સર્ચ કરતો રહેતો અને ધીમે ધીમે ઉંડાણ ખેડ્યું. હેકરમાં બે પ્રકાર હોય વ્હાઈટ હેટ હેકર, બ્લેક હેટ હેકર. બ્લેક હેટ હેકર એ સાઈટો, એપ્સ હેક કરે અને ત્યારબાદ જે તે કંપનીને બ્લેકમેલ કરી ઓનલાઈન નાણાં પડાવે, જ્યારે વ્હાઈટ હેટ હેકરને એથીકલ હેકર તરીકે ઓળખવામાં આવે જે પહેલાં તો કોઈ વેબસાઈટ્સ, એપ્સમાં એરર, હેક થવાની સંભાવના હોય તેવા બગ શોધીને એડવાન્સ સોલ્યુશન્સનું કામ ઉપરાંત સાઈટ, એપ હેક થઈ હોય તો તે ફરી કાર્યરત કરવાનું કામ કરે જેથી એથીકલ હેકર, બગ બાઉન્ટી હન્ટર બનવા માટે એ દિશામાં આગળ ધપીને અભ્યાસ સાથે સર્ટિફાઈડ એથિકલ હેકરનું સર્ટિફિકેટ મેળવ્યું. ઉત્સવે પોતાના આ પ્રોફેશન બાબતે એવું પણ કહયું હતું કે, પોતાની મહેચ્છા ગુગલ, ફેસબુક, ટેસ્લા, માઇક્રોસોફટ કે આવી વિશ્વ વિખ્યાત કંપનીઓમાં બગ શોધવાની અને તે માટે જરૂરી સૂચન સાથે પ્રયાસો કરી રહયો છે. એથીકલ હેકર અને બગ બાઉન્ટી હન્ટરમાં રેડ અને બ્લુ એમ બે ટીમો હોય છે. રેડ ટીમનું કામ બગ શોધવાનું હોય છે જ્યારે બ્લુ ટીમનું કામ સોલ્વ કરવાનું હોય છે. બહારની કંપનીઓમાંથી જોબ ઓફર આવે છે પણ બંધાઇને નહીં અહીં સૌરાષ્ટ્રમાં રહીને જ કામ કરવું છે’નું કથન કર્યું હતું.
મોબાઇલ, સોશિયલ મીડિયાનો સદ્ઉપયોગ સારો માર્ગ પણ આપી શકે
નાનપણથી જ બાળકોના હાથમાં મોબાઈલ હોય યુવા વયે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ઓનલાઈન ગેમમાં યુવાધન રચ્યુપચ્યું રહેતું હોય છે ત્યારે ઉત્સવ એક એવું ઉદાહરણ છે કે પોતાની રીતે મોબાઈલ, સોશિયલ મીડિયાનો સદ્ઉપયોગ થાય તો સારો માર્ગ કે જીવનને નવી દિશા પણ મળી શકે.
જાત મહેનત ઝિંદાબાદ, 3 વર્ષ સુધી સર્ચિંગ, સર્ફિંગ કરીને નોલેજ લીધું
17 વર્ષની ઉંમર સુધી તો માબાઈલ કે કોમ્પ્યુટર બાબતે ચ,ખ,પ,લ,બ, (સાવ અજાણ) એવા ઉત્સવને ધો.12 પછી હાથમાં મોબાઈલ આવ્યો ત્યારે તેણે સોશિયલ મીડિયા યુઝ ચાલુ કર્યો. હેકર કે આવી બાબતો એ સાંભળતો હતો તેમજ એવો પણ વિચાર આવ્યો કે મેસેજ, વીડિયો સેક્નડોમાં હજારો કિ.મી. દૂર પહોંચી જાય. યુવકે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો તેમજ આર્ટિકલ્સ સર્ચ કરતો, સર્ફિંગ કરતો રહ્યો. સતત ત્રણ વર્ષ સુધી પોતે જાતે જ ગૂગલમાં ગૂંચતો ગયો. લીટ્રેચરની કોપી કઢાવો પેનડ્રાઈવમાં મટિરિયલ્સ, વીડિયો એકઠા કરીને અભ્યાસ કરતો રહ્યો. ત્રણ વર્ષ સુધી મહેનત બાદ સફળતાનું પહેલું પગથિયું મળ્યું.
અલગ-અલગ એપ્સ, વેબસાઇટ્સમાંથી શોધેલા બગ્સ અને મેળવેલી ખ્યાતિ
પૂજારી પરિવારના પુત્ર ઉત્સવ ગોસાઈના કથન અને દાવા મુજબ તેણે એપલ કંપનીની વેબમાં સાડા ચારેક માસ સુધી સર્ચ કર્યું, મહેનત કરીને વેબમાંથી બગ શોધી જેના બદલામાં એપલની વેબસાઈટ્સમાં તેનું નામ કંપનીએ લિસ્ટ કર્યું. મર્સિડીઝ કંપનીની વેબમાં પણ બાગ શોધી કંપનીનું સન્માન મેળવ્યું. નાસામાં વર્ક કરતાં ઈન્ટરનલ કર્મચારીના ડેટા સ્ટોર હોય તેના ઈ-મેઈલ ક્લીક થતાં હતા તે શોધવામાં છ માસ લાગ્યા હતા. ભારત સરકારની વેબમાં 15 દિવસ સર્ચિંગમાં બગ મળી. સ્ટોક માર્કેટ પર કામ કરતી અપસ્ટોકની વેબના ઈન્ટરનલ સર્વરની ફાઈલમાં, હોસ્ટગેટર જે હોસ્ટિંગ પ્રોવાઈડ કરાવે તેના ડેટા લિક અંગે બગ મળતા કંપનીને જાણ કરાઈ હતી. ઉપરોક્ત કંપનીઓ ઉપરાંત અન્ય કંપનીઓમાં બગ શોધવાનું કામ કર્યાનો અને બદલામાં કંપનીઓ, સરકાર દ્વારા પ્રમાણપત્ર સાથે નિયત રકમના રિવોર્ડ પણ આપવામાં આવતા હોવાનો ઉત્સવનો પોતાનો દાવો છે. ઉત્સવના કહ્યા મુજબની વાત પ્રસ્તુત કરાઈ છે.
