નવરાત્રિ માટે 4 ગ્રાઉન્ડ ભાડે આપી રાજકોટ મનપા કરશે અડધા કરોડની કમાણી : માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમના 30 લાખ ઉપજ્યા
22 સપ્ટેમ્બરથી નવલી નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ મહાપાલિકા દ્વારા ગ્રાઉન્ડ ભાડે આપવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ વખતે ક્રિકેટરસિકોનું સૌથી પ્રિય એવું રેસકોર્સનું માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પણ નવરાત્રિ માટે ભાડે આપવાની જાહેરાત કરાતા આ ગ્રાઉન્ડ ભાડે મેળવવા માટે આયોજકોમાં રીતસરની હોડ લાગશે તેવું લાગી રહ્યું હતું પરંતુ એવું બન્યું નથી અને અપસેટ કિંમતે જ આ ગ્રાઉન્ડ ભાડે અપાયું છે. આ ઉપરાંત અન્ય ત્રણ ગ્રાઉન્ડ મળી કુલ ચાર ગ્રાઉન્ડ ભાડે આપી મહાપાલિકા અડધા કરોડની કમાણી કરશે તેવું જાણવા મળ્યું હતું.
માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડની અપસેટ કિંમત 30 લાખ રૂપિયા હતી. આ ગ્રાઉન્ડ માટે એક જ ટેન્ડર આવતા અપસેટ કિંમતે જ ભાડે આપવામાં આવ્યું છે. એકંદરે જીએસટી સહિત આ ગ્રાઉન્ડનું ભાડું 35.50 લાખ થવા જશે. આ ગ્રાઉન્ડ નવરાત્રિ પહેલાં ચાર, નવરાત્રિના નવ અને ત્યારબાદના બે મળી કુલ પંદર દિવસ માટે ભાડે અપાશે.
આ ઉપરાંત રેસકોર્સમાં તંત્ર દ્વારા બે પ્લોટ પાડવામાં આવ્યા હતા તેમાંથી એક પ્લોટ ભાડે આપી તેનું 11 લાખ ભાડું વસૂલાશે તો સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસ નજીકનો પ્લોટ 5.50 લાખ અને નાનામવા પાસેનો પ્લોટ 7.50 લાખમાં ભાડે અપાયો છે. જ્યારે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ તેમજ અમીન માર્ગ પાસેના ગ્રાઉન્ડ માટે કોઈએ ટેન્ડર ભર્યું ન્હોતું.
