રાજકોટના લક્ષ્મીનગર નાલા પાસે-નાના મવામાં મનપાનું ડિમોલિશન : 94 કરોડની જગ્યા ખુલ્લી કરાવાઈ
વરસાદમાં મહાપાલિકા દ્વારા ડિમોલિશન ઉપર બે્રક લગાવવામાં આવે છે ત્યારે રાજકોટમાં વરસાદે જેવો વિરામ લીધો કે તંત્રના બૂલડોઝરને ફરી સેલ્ફ લગાવીને વોર્ડ નં.8,10 અને 11માં દોડતા કરી દેવાયા હતા. વેસ્ટ ઝોન ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા નાનામવા તેમજ લક્ષ્મીનગર નાલા પાસે દુકાન, ઝુપડા, પતરાના શેડ સહિતના દબાણ તોડી પાડી 94 કરોડની જગ્યા ખુલ્લી કરાવાઈ હતી.

નાનામવા પાસે સિલ્વર ગોલ્ડ રેસિડેન્સી નજીક આવેલા પૂજા કોમ્પલેક્સમાં ઘણા સમયથી ગેરકાયદેસર રીતે એક દુકાન ખડકાઈ ગઈ હતી. આ દુકાન ભૂપત ગમારા નામના વ્યક્તિએ બનાવી હોવાનું ધ્યાન પર આવતાં તેને બબ્બે વખત નોટિસ ફટકારાઈ હતી આમ છતા કોઈ જ કાર્યવાહી ન કરાતા આખરે તંત્રએ બૂલડોઝર ફેરવી દઈ 42 ચોરસમીટર જમીન ખુલ્લી કરાવી હતી.

આ ઉપરાંત ટીઆરપી ગેઈમ ઝોનની સામે, સયાજી હોટેલ પાછળ 36.95 કરોડની કિંમતના મહાપાલિકાના પ્લોટમાં પતરાનો શેડ, આ જ વિસ્તારથી થોડે આગળ આવેલા પ્લોટમાં ત્રણ ઝુપડા, નાનામવા પાસે પ્રદ્યુમન હાઈટ પાછળ આર.કે.નગર મેઈન રોડ પર સ્કૂલ એન્ડ પ્લે ગ્રાઉન્ડ હેતુને પ્લોટ કે જેની કિંમત 47.01 કરોડ રૂપિયા જેવી થાય છે તેના ઉપર બનેલા ત્રણ ઝુપડા અને લક્ષ્મીનગર નાલા પાસે ટીપી સ્કીમ નં.3માં દબાણો થઈ જતા તેને તોડી પાડી કુલ94 કરોડની 9923 ચોરસમીટર જગ્યા ખુલ્લી કરાવાઈ હતી.

તંત્રની જમીન પર દુકાન-શેડ બનાવી લેનારા પાસેથી ભાડું વસૂલવું જોઈએ
ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા જ્યારે જ્યારે ડિમોલિશન કરવામાં આવે છે ત્યારે ત્યારે મહાપાલિકાના પ્લોટમાં ખડકાયેલા દબાણોને માત્ર તોડીને જ સંતોષ માની લેવામાં આવે છે. આ દબાણોમાં દુકાન, શેડ સહિતના કમાણી કરી આપતા દબાણો હોય છે. આવું જ એક દબાણ નાનામવા પાસે પૂજા કોમ્પલેક્સમાં ખડકાયું હતું. અહીં ઘણા લાંબા સમયથી દુકાન જેવું ગેરકાયદે બાંધકામ ઉભું હતું ત્યારે તેને તોડી તો પડાયું છે પરંતુ આટલા સમય સુધી તંત્રની જમીન પર દબાણ કરી કમાણી કરી લેનારા સામે અન્ય કોઈ કાર્યવાહી કરાઈ ન હોય આવા લોકો પાસેથી આટલા સમય સુધી તંત્રની જમીનનો ઉપયોગ કરવા બદલ તોતિંગ ભાડું વસૂલવામાં આવે તો જ બીજી વખત આ પ્રકારે દબાણ કરતા ખચકાટ અનુભવશે અન્યથા તંત્ર એક વખત તોડશે એટલે થોડા સમય બાદ બીજી વખત ફરી દબાણ ઉભું કરશે તેવું પ્રબુદ્ધ નાગરિકોનું માનવું છે.
