દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો : વેરાવળ સેશન્સ કોર્ટે જામીન કર્યા રદ, પોલીસ સમક્ષ હાજર થવું પડશે
સત્તત વિવાદોમાં રહેતા દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે.થોડા દિવસો પહેલા જ ગીરના જંગલમાં મોરેમોરો દીધાના સમાચાર સામે આવ્યા હતા જે મામલે કોર્ટ દ્વારા દેવાયત ખવડને ઝટકો આપવામાં આવ્યો છે. ગીર સોમનાથ પોલીસ દ્વારા જામીનના વિરોધમાં દાખલ કરવામાં આવેલ અરજીને કોર્ટ દ્વારા મંજુરી આપવામાં આવી છે. વેરાવળ કોર્ટે પોલીસની રિવિઝન અરજી માન્ય રાખી હતી અને જામીન અરજી રદ કરી હતી ત્યારે હવે દેવાયત ખવડે તાલાલા પોલીસ સમક્ષ હાજર થવું પડશે.
શું છે સમગ્ર મામલો?
તાલાલાના ચિત્રોડ ગામની આ ઘટના છે જ્યાં 12મી ઓગસ્ટ 2025ના રોજ દેવાયત ખવડ દ્વારા મોરેમોરો આપવામાં આવ્યો હતો. અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ અને અન્ય 15 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને દેવાયત ખવડ સહિતની ધરપકડ કરી હતી. ત્યારે આજે કોર્ટ દ્વારા દેવાયત ખવડને ઝટકો આપવામાં આવ્યો છે. નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીન સામે તાલાલા પોલીસે દાખલ કરેલી રિવિઝન અરજી વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવી છે અને દેવાયત ખવડ સહિત અન્ય આરોપીઓના જામીન રદ કરી દીધા છે.
આ પણ વાંચો :રાજકોટ TRP અગ્નિકાંડના વધુ એક આરોપીને મળ્યા જામીન : પ્લોટના માલિક અશોકસિંહ જાડેજાના જામીન સુપ્રિમ કોર્ટે કર્યા મંજૂર
દેવાયત સામે હત્યાની કોશિશ સહિતના 5 ગુના
આ સિવાય દેવાયત ખવડ સામે હત્યાની કોશિશ સહિતના ગુન્હા નોંધાયેલા છે. વિગતવાર વાત કરીએ તો BNSની કલમ 109, 311, 118, 191 જેવી અનેક પ્રકારની કલમ તથા આર્મ્સ એક્ટની કલમ લગાવી છે. દેવાયત ખવડ સામે રાજકોટમાં હત્યાની કોશિશ, સનાથલમાં છેતરપિંડી અને આર્મ્સ એક્ટ સહિત 5 ગુના નોંધાયેલા છે. જ્યારે તેમની સાથે રહેલા અન્ય સાથીઓ પર જુગાર અને મારામારીના કેસો છે.
આ પણ વાંચો :રાજકોટ TRP અગ્નિકાંડ : સાગઠિયાને જામીન મળ્યાપણ જેલમાંથી મુક્તિ નહીં મળે,જાણો સાગઠિયાએ શું દલીલ કરી, કેસમાં અત્યાર સુધી શું થયું?
થોડા દિવસો પહેલાં તાલાલા ગીરમાં દેવાયત ખવડ અને તેના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો. આ મામલે નીચલી કોર્ટે ખવડ સહિત 15 જેટલા આરોપીને જામીન મંજૂર કર્યા હતા. જોકે, તાલાલા પોલીસને આ નિર્ણય સામે વાંધો હતો અને તેથી તેમણે સેશન્સ કોર્ટમાં જામીન રદ કરવા માટે રિવિઝન અરજી દાખલ કરી હતી. જે અરજી કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવતા દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
આજે વેરાવળ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ કેતનસિંહ વાળાએ સરકાર પક્ષે ધારદાર દલીલો રજૂ કરી હતી. કોર્ટમાં સરકાર પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન રદ કરવાનો આદેશ આપ્યો છે. હવે દેવાયત ખવડે તાલાલા પોલીસ સમક્ષ હાજર થવું પડશે. સરકારી વકીલ કેતનસિંહ વાળાએ કોર્ટમાં સરકાર પક્ષે રજૂઆત કરી હતી.
