સિમેન્ટ-કોંક્રિટના જંગલ વચ્ચે રાજકોટની હવા ચોખ્ખી ! દેશમાં 15મો ક્રમ મેળવ્યો,’ગ્રીન કવર’ ઘટી રહ્યાની ચિંતા વચ્ચે તંત્રને મળ્યું અણધાર્યું પરિણામ!
રાજકોટમાં અત્યારે એવો કોઈ વિસ્તાર નહીં હોય કે જ્યાં નાની-મોટી બિલ્ડિંગ બનેલી જ હશે. એકંદરે શહેર અત્યારે સિમેન્ટ-કોંક્રિટનું જંગલ બની જવા પામ્યું છે. ગ્રીન કવર એટલે કે વૃક્ષોની સંખ્યામાં થઈ રહેલો ઘટાડો ખરેખર ચિંતાજનક હોવાની વાત વચ્ચે મહાપાલિકાને જાણે કે અણધાર્યું પરિણામ પ્રાપ્ત થયું હોય તેમ શહેરની હવા ચોખ્ખી થઈ ગયાની વાત પર ખુદ કેન્દ્ર સરકારે મ્હોર લગાવી દીધી છે. દેશના 10 લાખથી વધુ વસતી ધરાવતા 48 શહેરોમાં રાજકોટે 15મો ક્રમ મેળવતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જવા પામ્યા હતા.
`ગ્રીન કવર’ ઘટી રહ્યાની ચિંતા વચ્ચે તંત્રને મળ્યું અણધાર્યું પરિણામ!
કેન્દ્ર સરકારના ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેન્ટ ચેન્જ, એન્વાયરમેન્ટ મંત્રાલય દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2025 કરવામાં આવ્યું હતું જે અંતર્ગત 48 શહેરોમાં રાજકોટને 15મો ક્રમ મેળવ્યો હતો. શહેરમાં અત્યારે વૃક્ષો હોવા જોઈએ તેના કરતા ખૂબ જ ઓછા હોવા ઉપરાંત દરરોજ કોઈને કોઈ જગ્યાએ ખોદકામને કારણે ઉડી રહેલી ધૂળ ઉપરાંત તંત્ર દ્વારા જ્યાં જ્યાં રસ્તા રિપેર કરવામાં આવી રહ્યા છે ત્યાં મોરમ પાથરી દેવાને લીધે ઉડી રહેલી ધૂળ સહિતના પડકારો હોવા છતાં શહેરની હવા કઈ રીતે ચોખ્ખી જાહેર કરાઈ હશે તે જાણવા માટે સૌ કોઈ ઉત્સુક છે.
ફેફસામાં ઘૂસણખોરી કરતા ધૂળના રજકણમાં એક જ વર્ષમાં 40%નો ઘટાડો કર્યાનો અજીબોગરીબ દાવો
મહાપાલિકા દ્વારા જાહેર કરાયેલી વિગત પ્રમાણે ગત વર્ષે 2024માં આ સર્વેક્ષણમાં રાજકોટ 19મા ક્રમે હતું જેની સામે આ વર્ષે 15મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. છેલ્લા ચાર વર્ષમાં રાજકોટના પીએમ-10 સ્તર કે જેને નાના ધૂળના રજકણો જે ફેફસાની અંદર સુધી પહોંચી શકે છે તેમાં 40%નો ઘટાડો થવા પામ્યો છે. આ ઘટાડા પાછળ નાકરાવાડી ડમ્પીંગ સાઈટ પર 35 એકર જમીનમાં મિયાવાંકી જંગલ કે જેમાં 6.95 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર, જાહેર પરિવહનમાં ઈલેક્ટ્રિક અને સીએનજી બસની શરૂઆત સહિતના પરિબળો જવાબદાર છે.
હવે આજે મવડીમાં આવેલા સ્પોર્ટસ કોમ્પલેક્સ ખાતે હવાની ગુણવત્તા પર નજર રાખવા માટે વિકસાવાયેલી સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત હવાની ગુણવત્તા જાણવા માટષ પાંચ મેન્યુઅલ મશીન પણ તંત્ર પાસે ઉપલબ્ધ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
ઓછી મહેનતથી આટલું સારું પરિણામ મળતું હોય તો વધુ મહેનતથી કેવું મળે ?
રાજકોટમાં હવાની ગુણવત્તામાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે સુધારો થયો હોવાની વાત પર સત્તાવાર મ્હોર કેન્દ્ર સરકાર દ્વારા લગાવાઈ છે જે આવકારદાયક બાબત છે. જો કે વાસ્તવિક્તા એ પણ છે કે તંત્રને માત્ર ચાર ક્રમનો સુધારો જ મળ્યો છે પરંતુ આ ચાર ક્રમના સુધારા માટે તંત્રએ જોઈએ તેટલી મહેનત કરી નથી. જો ઓછી મહેનતથી પણ આટલું સારું પરિણામ મળી રહ્યું હોય તો પછી સઘન મહેનત કરવામાં આવે તો રાજકોટ ટોપ-10માં પણ આવી શકે ને ? આ માટે સૌથી પહેલાં શહેરમાં ગ્રીન કવર મતલબ કે વૃક્ષ વાવેતરની જે ઝુંબેશ છે તેને વધુ વેગ આપવાની જરૂરિયાત છે. આ ઉપરાંત શહેરના રસ્તાની જે રાત્રિ સફાઈ થાય છે તે તો જરૂરી છે જ સાથે સાથે તંત્ર પણ જે જગ્યાએ ખોદકામ કરે ત્યાં વ્યવસ્થિત બૂરાણ થાય તે ઉપરાંત ધૂળ ન ઉડે તે પ્રકારે બૂરાણ કરવું જરૂરી બની જાય છે.
