મેરેજ બ્યુરોનો સંપર્ક સાધીને યુવક ફસાયો : રાજકોટના બે શખસોએ યુવકને પરિણીત યુવતી સાથે પરણાવી 1.95 લાખ ખંખેર્યા
રાજકોટના બે શખસોએ લગ્ન કરવા માટે તલપાપડ યુવકને પરિણીત યુવતી સાથે પરણાવી દઈ 1.95 લાખ ખંખેરી લેતા એ-ડિવિઝન પોલીસ મથકમાં બે મહિલા સહિત ચાર લોકો સામે ગુનો નોંધાયો હતો. આ અંગે રાજમોતી મીલ પાસે મયુરનગર શેરી નં.૬માં રહેતા અને ફર્નિચરની દુકાનમાં કામ કરતા વિજય કરશનભાઈ લીંબોલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે સમાજમાં તેના લગ્ન થઈ રહ્યા ન હોય સમાજ બહાર લગ્ન કરવા માટે છોકરી શોધી રહ્યો હતો. અગાઉ તે જે ફર્નિચરની દુકાનમાં કામ કરતો ત્યાં સાહિદ ઉમરભાઈ અજમેરી (રહે.દૂધસાગર રોડ) બેસવા માટે આવતો હોય તેની સાથે ઓળખાણ થઈ હતી. સાહિદ હસનેન મેરેજ બ્યુરો ચલાવતો હોવાનું ધ્યાન પર આવતાં વિજય તેની એસ.ટી.બસ પોર્ટના પહેલા માળે આવેલી ઓફિસ પર માતાને લઈને ગયો હતો.
આ પછી સાહિદ સાથે લગ્નની વાત કરતા તેણે ફી પેટે 14999 રૂપિયા લીધા હતા. ત્યારબાદ પાંચ ઓગસ્ટે સાહિદે વિજયને ફરી તેની ઓફિસે બોલાવી સમીર મુળજીભાઈ શેખ સાથે મુલાકાત કરાવ્યા બાદ બધા વાવડીમાં મનસુખભાઈ છાપિયા ટાઉનશિપ ખાતે ગયા હતા. ત્યાં ગયા બાદ છોકરીનો ફોટો બતાવ્યો હતો જે કર્ણાટકની હોવાનું અને લગ્ન કરવા હોય તો કર્ણાટક જવું પડશે તેવી વાત થતા બન્નેએ ફરી વિજય પાસેથી 30,000 લીધા હતા.
આ પણ વાંચો : એક એવા શિક્ષક જે શિખડાવશે બેન્ક લૂંટતા : ફિલ્મ ‘ચણિયા ટોળી’નાં ટીઝરનું લોન્ચિંગ, યશ સોનીનો નવો લુક
આ પછી લગ્ન કરવા માટે બધા કર્ણાટક જવા નીકળ્યા બાદ સાહિદે 85 હજાર રૂપિયા લીધા હતા. કર્ણાટક પહેંચ્યા બાદ ત્યાં રિઝવાના બેગમ ઉર્ફે આપા સાથે મુલાકાત થઈ હતી જેણે સુનિતા ઉર્ફે ગુડિયા નામની યુવતી સાથે મુલાકાત કરાવી હતી. આ પછી બન્નેના ફૂલહાર કરાવી લગ્ન કરાવીને વધુ 45,000 લીધા હતા. રાજકોટ આવ્યા બાદ સાહિદે વધુ 37,000 રૂપિયા લઈ લીધા બાદ ખુલાસો થયો હતો કે જે યુવતીને વિજય પરણીને લાવ્યો છે તે સુનિતા ઉર્ફે ગુડિયા અગાઉથી જ પરિણીત છે. આ વાત સુનિતાએ પોતે જ વિજયને કહી હતી અને તેને પતિ પાસે જવું છે તેમ કહીને 28 ઓગસ્ટે ઘેરથી નીકળી ગઈ હતી. આમ બધાએ મળી વિજય પાસેથી 1.95 લાખ પડાવી લીધા હતા.
