આજથી રાજકોટમાં હેલ્મેટ (મગજમારી) ફરજિયાત! એક વાહન બીજીવાર પકડાય એટલે સીધો 1000 હજારનો ચાંદલો
જેનો લાંબા સમયથી વિરોધ થઈ રહ્યો છે તે ફરજિયાત હેલ્મેટનો નિયમ આજથી રાજકોટમાં અમલી બન્યું છે ત્યારે સવારથી જ ઠેર-ઠેર મગજમારીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. બીજી બાજુ પોલીસ દ્વારા પણ આ નિયમનું ચુસ્તપણે પાલન થાય તે માટે તૈયારી કરી લેવામાં આવી હોય તેમ અલગ-અલગ 48 પોઈન્ટ માટે 48 ટીમને જવાબદારી સોંપી દેવામાં આવતા સવારથી જ ચેકિંગ શરૂ કરી દંડની ‘ઉઘરાણી’ શરૂ કરી દેવામાં આવશે ! તહેવારો ટાણે જ ફરજિયાત હેલ્મેટનો ‘કકળાટ’ ઘૂસી જતા સામાન્યજનમાં ક્યારેય ન જોવા મળ્યો હોય તેવો રોષ પણ જોવા મળી રહ્યો છે.

આ અંગે ઈન્ચાર્જ ACP (ટ્રાફિક) વી.જી.પટેલે ‘વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા દોઢ મહિનાથી શહેર પોલીસ દ્વારા આઠ સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત પહેરવું જ પડશે તે અંગે જાગૃતતા લાવવા કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે એટલા માટે આજથી સામાન્યજન હોય કે સરકારી કર્મચારી-અધિકારી હોય જેમાં પોલીસ પણ આવી જાય છે તે સહિતે હેલ્મેટ પહેરવું જ પડશે. આજથી નિયમ અમલી બની રહ્યો હોવાથી પહેલીવાર હેલ્મેટ ન પહેર્યું હોય તેને જવા દેવા તેવી કોઈ જ શક્યતા રહેતી નથી. વળી, હું હેલ્મેટ ભૂલી ગયો અથવા ભૂલી જઈ, હવે ચોક્કસ ખરીદી લઈશ, બીજી વખત હેલ્મેટ પહેર્યા વગર નહીં નીકળું સહિતના કોઈ પણ બ્હાના ચાલશે નહીં અને હેલ્મેટ નહીં પહેર્યું હોય એટલે 500 રૂપિયા દંડ ભરપાઈ કરવો જ પડશે.

તેમણે ઉમેર્યું કે આ માટે પોલીસ કમિશનર દ્વારા 48 પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. આ તમામ પોઈન્ટ ઉપર એક એક પીએસઆઈ સહિતની દસની ટીમ ચેકિંગ માટે તૈનાત રહેશે. માત્ર જાહેર રસ્તા ઉપર જ નહીં સરકારી કચેરીઓ બહાર પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવશે.

બીજી બાજુ ફરજિયાત હેલ્મેટનો નિયમ અમલી બનતા જ તરેહ તરેહની ચર્ચાઓ વહેતી થઈ જવા પામી હતી હતી જેમાં એક ચર્ચા એવી પણ હતી કે ટીમને ચોક્કસ મતલબ કે નિશ્ચિત કેસનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે પણ કડક સુચના આપવામાં આવી હોય તેને પૂર્ણ કરવા તમામ પ્રકારની તાકાત લગાવી દેવામાં આવશે ! વળી, એકનું એક વાહન બીજી વખત પકડાશે એટલે દંડ સીધો બમણો થઈ જશે અને એક હજાર રૂપિયા ભરપાઈ કરવા પડશે.

આજથી બજારમાં હેલ્મેટ લાવ…લાવ થશેઃ બમણા કે તગડા ભાવે થઈ શકે વેચાણ…!
આમ તો એકથી દોઢ મહિના અગાઉ પોલીસ દ્વારા આઠ સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટની જાહેરાત કરી દેવામાં આવી હતી આમ છતા હજુ અમુક લોકોએ હેલ્મેટની ખરીદી કરી ન હોય સવારથી પોલીસની ઝપટે ચડતાંની સાથે જ સીધા હેલ્મેટની ખરીદી કરવા માટે નીકળી પડશે. વળી, શનિવારે ગણેશ વિસર્જન અને રવિવારની રજા હોવાને કારણે ઘણા લોકોએ સોમવારે હેલ્મેટ ખરીદીનું ‘મુહૂર્ત’ કાઢ્યું હોવાથી સવારથી જ હેલ્મેટ ખરીદવા માટે લાઈન લાગે તો નવાઈ પામવા જેવું રહેશે નહીં. રાજકોટમાં અત્યારે ચારથી પાંચ જેટલા હોલસેલર તો 180 થી 200 જેટલા હેલ્મેટના રિટેલર્સ છે ત્યારે દરેક જગ્યાએ હેલ્મેટની ખરીદી નીકળી પડે તેવી શક્યતા હોવાથી ખાસ કરીને રિટેલર્સ દ્વારા ઉંચા ભાવે વેચાણ કરવામાં આવે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. બીજી બાજુ રસ્તા ઉપર પણ પથારા કરીને હેલ્મેટનું વેચાણ થઈ રહ્યું હોય લોકો સુરક્ષા માટે નહીં પરંતુ પોલીસથી બચવા માટે ત્યાંથી પણ ખરીદી કરશે જ તેવી શક્યતા રહેલી છે.
યાદ રાખજોઃ TRB વાહન નહીં રોકી શકે…
ઈન્ચાર્જ ACP (ટ્રાફિક) વી.જી.પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે TRB એટલે કે ટ્રાફિક વોર્ડનને હેલ્મેટ વગર નીકળેલા વાહન ચાલકને અટકાવવાની કોઈ જ સત્તા નથી એટલા માટે તેણે આ કામગીરી કરવાની રહેતી નથી અને માત્રને માત્ર ટ્રાફિક નિયમન ઉપર જ ધ્યાન આપવાનું છે. જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેને ઘરભેગો પણ કરી દેવામાં આવશે.
