ટ્રસ્ટી બની 100 કરોડની જમીન વેંચે તે પહેલાં જ ઠગભગત પકડાયો : બોગસ સાધુએ અનેક મંદિરોના ટ્રસ્ટમાં પણ ‘કળા’ કર્યાનું આવ્યું સામે
રાજકોટ સહિત આખા ગુજરાતમાં નકલીની જાણે કે બોલબાલા હોય તે રીતે અધિકારીઓ, કચેરી સહિતનું વારંવાર પકડાઈ રહ્યું છે ત્યારે હવે તો નકલી સાધુઓ પણ પકડાવા લાગ્યા છે. આવો જ એક બનાવટી સાધુ ટ્રસ્ટની માલિકીની 100 કરોડથી વધુની કિંમતની જમીન બારોબાર વેચી નાખે તે પહેલાં જ સમયસર તેની કારીગરી ધ્યાન પર આવી જતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને તેના આધારે આ ઠગભગતની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. આ ઠગભગતે અમદાવાદ જ નહીં બલ્કે રાજકોટ, જૂનાગઢ, વીરપુર સહિતના મંદિરોના ટ્રસ્ટ સાથે પણ બોગસ ચેરિટી કમિશનરના હુકમ રજૂ કરી કળા કર્યાનું સામે આવતા તેને ચાર દિવસના રિમાન્ડ પર લેવાયો છે.
શું છે સમગ્ર મામલો ?
આ અંગે અમદાવાદના શાહિબાગ પોલીસ મથકમાં પુરુષોત્તમઆનંદ ગુરુ દયાનંદે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે અસારવા ખાતે આવેલું ચરિત્રાનંદ દયાનંદ ટ્રસ્ટમાં તેઓ 30 વર્ષથી પાંચ એકર જમીનમાં આવેલા શિવ મંદિરની ગુરુ દયાનંદ સાથે પૂજા-પાઠ તેમજ સેવાપૂજા કરતા હતા. 2010માં એક સાધુ વેશમાં વ્યક્તિ આવી હતી અને તેણે ગુરુ દયાનંદજીને તેનું ચૂંટણી કાર્ડ અને અખાડાનો લેટર બતાવ્યો હતો. આ લેટરમાં તેનું નામ પૂર્ણાનદ અને તે ગુરુ ગોપાલાનંદનો શિષ્ય હોવાનું કાર્ડ પણ બતાવ્યું હતું.
આ બધાના આધારે તેને મંદિરમાં રહેવા માટે જગ્યા અપાઈ હતી. બે મહિના બાદ ફરિયાદી અન્ય સાધુઓ સાથે ઉજ્જૈન ગયા ત્યારે પાછળથી પૂર્ણાનંદનો ફોન આવ્યો હતો કે ગુરુ દયાનંદનું અવસાન થયું છે. આ વેળાએ ફરિયાદીએ પૂર્ણાનંદને કહ્યું હતું કે તે બધા આવી જાય પછી જ ગુરુને સમાધિ આપવાની છે આમ છતાં પૂર્ણાનંદે બારોબાર સ્મશાનની વિધિ પૂર્ણ કરી નાખી હતી. ફરિયાદી પુરુષોત્તમઆનંદ જેવા ઉદ્દેનથી પરત ફર્યા કે પૂર્ણાનંદે તેમને માર મારી મંદિરમાંથી કાઢી મુક્યા હતા.
આ પછી અસારવા મંદિરની જગ્યામાં રહેતા ભાડુઆતોએ ફરિયાદીને જાણ કરી હતી કે 100 કરોડથી પણ વધુની કિંમતની ટ્રસ્ટની જમીન વેચવા કાઢી છે ? આ સાંભળી ફરિયાદીના પગ નીચેથી ધરતી સરકી જવા પામી હતી કેમ કે ફરિયાદી આ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હોવા છતા તેમની સહી વગર જમીન વેચાય જ કેવી રીતે ? આ મુદ્દાની ઉંડાણપૂર્વક તપાસ કરતા પૂણર્શનંદે સિટીસર્વેમાં પોતાનું નામ ચડાવી દીધું હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત તેણે પોતાનું બોગસ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ ચેરિટી કમિશનરનો બોગસ હુકમ રજૂ કરી સિટી સર્વેમાં પોતાનું નામ ચડાવી રીતસરની છેતરપિંડી કરી હતી.
શાહિબાગ પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાતાં જ ઠગભગત એવા પૂર્ણાનંદને દબોચી લઈ તપાસ કરવામાં આવતા તે સાંસારિક હોવાનું ધ્યાન પર આવ્યું હતું અને તે અગાઉ બબ્બે સ્ત્રીઓ સાથે રહેતો હોવાનું પણ ખુલ્યું હતું. તેને અગ્નિ અખાડા દ્વારા વર્ષો પહેલાં દૂર પણ કરાયો હતો.
ધોળકામાં પણ બોગસ નામ ધારણ કરી જમીન વેંચી મારી’તી
તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે પૂર્ણાનંદે ધોળકા ખાતે આવેલા એક સનાતન ધર્મના સાર્વજનિક ટ્રસ્ટમાં પણ આ જ પ્રકારે બોગસ નામ ધારણ કરી કરોડો રૂપિયાની જમીન વેચી નાખી હતી. આ જ રીતે સૌરાષ્ટ્રના જૂનાગઢ તેમજ અન્ય સનાતન ધર્મના ટ્રસ્ટ કે જે વર્ષો જૂનું ટ્રસ્ટ હોય અને ટ્રસ્ટીઓના અવસાન થઈ ગયા હોય તેવી મિલકતવાળા ટ્રસ્ટની આરટીઆઈ થકી વિગત મેળવી નામ જાણી લેતો હતો અને પછી તે નામની બોગસ એન્ટ્રી કરી મિલકત પચાવી પાડતો હતો.
