ચોર પે મોર ! રાજકોટમાં ચોરાઉ માલ પકડીને પોલીસે બારોબાર વેંચી નાખ્યો ? જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટ શહેર પોલીસના તોડ, છૂપા કામો, બુટલેગરો કે આવા બે નંબરના ધંધાર્થીઓ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાંઠગાંઠ હોવાના કિસ્સાઓ કે આક્ષેપો તો સમયાંતરે ચર્ચાના ચકડોળે રહે છે પરંતુ હદ તો હવે એ કહેવાય કે તસ્કરોનો માલ પણ બારોબાર વેચીને રોકડી કરી નાખે. તાજેતરમાં જ રાજકોટમાં જ એક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરીને માલ વાહનમાં લઈને જતી તસ્કર બેલડીને અન્ય પોલીસ મથક સંભવતઃ સામાકાંઠા વિસ્તારમાં અટકાવી પોલીસે અર્ધો-અર્ધો માલ લઈ એક વેપારીને બારોબાર વેચીને રોકડી કરી લીધાનો ભાંડાફોડ થયો હોવાની ચર્ચા છે.
રાજકોટ શહેરના એક વિસ્તારમાંથી એક વેપારી સ્થળ પરથી ચોરી થઈ હતી. તસ્કર વાહનમાં ભરીને માલ લઈ ગયા હતા. જે વાહન અન્ય વિસ્તાર સંભવતઃ સામાકાંઠે પેટ્રોલિંગમાં રહેલી પીસીઆર અથવા હોમગાર્ડ કે આવી કોઈ પોલીસે અટકાવ્યું હતું. પોલીસે વાહનમાં રહેલા માલ બાબતે પૂછ્યું હશે અને કદાચ તસ્કરોએ પણ કબુલી લીધું હશે કે આ તો ફલાણી જગ્યાએથી લાવ્યા અથવા તો પોલીસે બીલ કે આવા આધાર માગ્યા હશે અને નહીં હોય એટલે પોલીસ, હોમગાર્ડને કદાચ દોડવું ને ઢાળ મળ્યો હશે ?
ચીપટામાં આવેલા ચોર જો વહીવટ ન કરે તો પકડાઈ પુરાઈ જાય તેવો ડર હશે. તસ્કરો પાસે એ વેળાએ રોકડી તો નહોતી પરંતુ કહેવાય છે કે અટકાવનાર પોલીસે પણ તસ્કરને વ્યવહારૂ માર્ગ કરી આપ્યો. એ વાહન એ સ્થળે લઈ જવાયું અને અર્ધો માલ ઉતારીને અર્ધો માલ તસ્કરોને સોંપી વાહન સમેત તસ્કરોને જવા દેવાયા હતા. જો કે જે સ્થળે ચોરી થઈ હતી એ વેપારીને સવારે પોતાના ધંધાના સ્થળે આવતા ખ્યાલ પડ્યો હશે કે ચોરી થઈ તેણે તેના વિસ્તારની પોલીસનો સંપર્ક સાધ્યો હશે.
તે વિસ્તારની પોલીસે તસ્કર પકડયા ચોરાયેલો માલ અર્ધો માલ તસ્કરોએ જ્યાં આપ્યા કે મુક્યો ત્યાંથી કબજે થયો હતો. જ્યારે અર્ધો માલ સામાકાંઠા વિસ્તારમાં પોલીસે જ ઉતરાવી લીધાનું રટણ કરતાં પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી. એ વિસ્તાર સામાકાંઠા તરફ એક સ્થળે જ્યાં માલ ઉતારાયો ત્યાં તસ્કરને લઈ જવાયા હતા અને માલ પણ પોલીસને પુરો મળી આવ્યો હોવાની વાત છે. તસ્કરોને અટકાવી અર્ધો માલ ઉતરાવી બારોબાર રોકડી કરી લીધાનો કિસ્સો હાલ ક્યાંય ઓન પેપર છે નહીં માટે માત્ર જો અને તો કે ચર્ચા જેવું કે અફવારૂપ જ માનવું પડે પરંતુ જો ચર્ચા એ ચર્ચાતી વાત સત્ય હોય તો પોલીસને સારી કહેવી કે તસ્કરોને ? કારણ કે તસ્કરોએ તે તેનું ન કરવાનું ચોરીનું કામ કર્યું પરંતુ પોલીસે તો તસ્કરોને પણ સારા કહેવડાવે તેમ ‘ચોર પે મોર’ જેવું કામ કર્યું ગણાય ?
‘ઘર કી બાત ઘર મે’ની માફક ગંભીર બનાવ ઢાંકી દેવાયો?
‘ઘર કી બાત ઘર મે’ની માફક જે પોલીસે તસ્કરોને ઓને ઓન અટકાવી અર્ધો માલ ઉતરાવીને વાહન સમેત જવા દીધા હતા એ સામાકાંઠા વિસ્તારમાં ત્રાપામાં ટેકો મેળવી લેનાર પોલીસ, હોમગાર્ડ કોણ ? કુંભ રાશિધારી કોણ ? એક પોલીસે ચોરી ડિટેક્ટ થઈ માલ પુરો રિકવર થયોનો સંતોષ માની લીધો અને તસ્કરોને પણ સારા કહેવડાવે તેવું કામ કરનાર પોલીસે બધું બંધ બારણે સચવાઈ જતાં હાશકારો અનુભવી લીધો હશે. ગંભીર બનાવ પર ઢાંકપિછોડો થઈ ગયો કે ઢાંકી દેવાયો ? જો આ બધું સત્ય હોય તો શર્મનાક કહેવાય.
