દુંદાળા દેવની વિદાઇ : રાજકોટમાં આજે ગણેશજીની 5 હજાર મૂર્તિ વિસર્જિત થશે : 6 પોઈન્ટ ઉપર ફાયરના 110 જવાનો તૈનાત
સૌના પ્રિય એવા ગણપતિ બાપ્પાને આજે ભીની આંખે અને ભારે હૈયે વિદાય આપવામાં આવનાર છે ત્યારે એકલા રાજકોટમાંથી જ આજે પાંચ હજાર જેટલી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. બીજી બાજુ તાજેતરમાં જ જામનગર સહિતના શહેરોમાં વિસર્જન દરમિયાન પાણીમાં ગરક થઈ જવાની ઘટનાઓ બનવા પામી હોય તેવું રાજકોટમાં ન બને તે માટે પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. આ માટે છ પોઈન્ટ નિર્ધારિત કરવામાં આવ્યા છે એટલા માટે લોકોને આ જ પોઈન્ટ ઉપર આવી મૂર્તિનું વિસર્જન કરવા માટેની અપીલ કરાઈ છે.

આ અંગે ફાયર વિભાગ દ્વારા જણાવાયું કે ગત વર્ષે 4500 જેટલી મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં આ વર્ષે ૫૦૦ જેટલો વધારો થવા પામ્યો છે. ફાયર વિભાગ દ્વારા આ માટે છ પોઈન્ટ નિર્ધારિત કરવામાં આવ્યા છે જેમાં આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં.1, આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં.2, આજી ડેમ ઓવરફ્લો ચેક ડેમ, પાળ ગામ, જખરા પીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ, ન્યારાના પાટિયા પાસે, ન્યારા રોડ ખાણમાં (જામનગર રોડ) અને બાલાજી વેફર્સની સામે, વાગુદડ પાટિયા પછીના પુલ નીચે (કાલાવડ રોડ) સમાવિષ્ટ છે.

છએય પોઈન્ટ ઉપર ફાયરના કુલ 110 જવાનો તૈનાત રહેશે અને મૂર્તિ વિસર્જિત કરવા આવનાર પાસેથી મૂર્તિ લઈ જવાનો જ પાણીમાં વિસર્જિત કરશે મતલબ કે કોઈને પોતાની રીતે મૂર્તિ વિસર્જન કરવા દેવામાં આવશે નહીં.
ત્રણ DCP સહિત 1437 પોલીસ રહેશે તૈનાત
આજે ગણેશ વિસર્જન હોય કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરના અલગ-અલગ વિસ્તારો ઉપરાંત નિર્ધારિત કરાયેલા પોઈન્ટ તેમજ અન્ય એવી જગ્યાઓ કે જયાં મૂર્તિ વિસર્જિત કરી શકાય તેમ હોય ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત રખાશે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા આજે ત્રણ DCP, છ ACP, 18 PI, 60 PSI તેમજ 1350 પોલીસ કર્મચારી સહિત કુલ 1437 પોલીસના બંદોબસ્તને તૈનાત રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે.
