સોનામાં ટેરિફ ઇફેક્ટ, ઓલટાઇમ હાઇ : રૂપિયા 1.10 લાખ નજીક! રોકાણકારોને સારું વળતર મળ્યું
દશેરા પૂર્વે જ સોનાની સપાટી રૂ.1.10 લાખની સપાટીને આંબી ગઈ છે.બુધવારે સોનું 1,09,491એ પહોંચી જતાં ખરીદદારોમાં રાડ બોલી ગઈ છે જ્યારે રોકાણકારોને સારું વળતર મળ્યું છે. રાજકોટની બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ TDS સાથે પ્રતિ 10 ગ્રામ 1,09,491 બુધવારે સાંજે નોંધાયો છે.જ્યારે ગોલ્ડ ફ્યુચરમાં 1.06,410 સાથે વાયદાનાં સોદા થયા હતાં.

આ એક સપ્તાહમાં સોનું આશરે 5000 રૂપિયા વધ્યું છે જ્યારે આ વર્ષમાં 30,000 જેટલો ભાવ વધતાં સોનામાં આગ ઝરતી તેજી જોવા મળી છે.જ્યારે સોના સાથે ચાંદીની ચમક પણ મોંઘી થઈ રહી છે.પ્રતિ કિલો રૂ.1,22,970 ઈન્ડિયન બુલિયન એસો.માં નોંધાયો છે. જ્યારે રાજકોટની ઝવેરી બજારમાં સિલ્વર 1,24,650 નોંધાયું છે.
આ પણ વાંચો :રાજકોટના શહેરી વિસ્તારને હેલ્મેટમાંથી મુક્તિ આપો : પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ટેરિફ ટેરર અને યુએસ ફેડરલ રિઝર્વ આ મહિને વ્યાજ દરોમાં ઘટાડો કરશે તેવી અપેક્ષા વચ્ચે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ પણ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચીને યુએસ ગોલ્ડ ફ્યુચર વધીને 3616 ડોલરની ઓલટાઈમ હાઈએ આવ્યું છે.
આ પણ વાંચો :દેશના અનેક રાજ્યોમાં પૂરથી હાહાકાર : અડધું દિલ્હી પાણીમાં ડૂબ્યું, ખેડૂતોના પાકનો નાશ,10 હજાર લોકોનું કરાયું રેસ્ક્યુ
રેકોર્ડબ્રેક તેજીને પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની સોની બજારમાં 40 ટકા જેટલુ ખરીદીમાં ગાબડું પડી ગયું છે.દશેરા અને દિવાળીમાં હજુ પણ ભાવોઓની સપાટી વધે તેવી શક્યતાને પગલે જેમને ત્યાં દીકરા-દીકરીનાં પ્રસંગો આવી રહ્યા છે તેઓ આ ભાવે જવેલરીનાં ઓર્ડરો આપી રહ્યા છે.
