રાજકોટની લોધિકામાં કચેરીએ આવેલ નાયબ મામલતદાર ગાયબ થઇ જતા તંત્ર ધંધે લાગ્યું : ઓપરેટરને પકડાવ્યું પાણીચું
રાજકોટ જિલ્લાના લોધીકા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદારની અરજદારની હાજરીમાં મજાક મસ્તી કરનાર પેઘી ગયેલા ઓપરેટર કમ સેવકે નાયબ મામલતદારને રસ્તામાં આંતરી માર માર્યા બાદ ગંભીર બાબતે પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચેલા નાયબ મામલતદારની ફરિયાદ લેવાને બદલે બળજબરીથી સમાધાન કરાવી લેવાયા બાદ નાયબ મામલતદાર ગુમ થઈ જતા પ્રાંત કચેરી તેમજ જિલ્લા કલેકટર કચેરી દોડતી થઈ હતી. આ મામલે રેવન્યુ કર્મચારી મંડળ પણ મેદાને આવતા અંતે આ ચકચારી પ્રકરણમાં નાયબ મામલતદાર હેમખેમ મળી આવ્યા હતા અને ઓપરેટર કમ સેવકને કચેરીમાંથી પાણીચું આપી કચેરીમાં ફરકવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી.
આ પણ વાંચો :રાજકોટમાં દરરોજ 47 લોકોને કૂતરાં ભરે છે બચકાં : ખસીકરણ પાછળ કરોડોનું આંધણ છતા વસતીવધારો યથાવત
શું છે સમગ્ર મામલો?
પ્રાપ્ત વિગતો મુજબ લોધીકા તાલુકા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા અને સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરનાર નાયબ મામલતદાર શુક્રવારે ફરજ ઉપર હતા ત્યારે લોધીકા મામલતદાર કચેરીમાં વર્ચસ્વ ધરાવતા ઓપરેટર કમ સેવક તેમની મસ્તી કરતો હોવાથી અરજદાર ગયા બાદ નાયબ મામલતદારે અરજદારોની હાજરીમાં મસ્તી નહીં કરવા કહેતા ઉશ્કેરાઈ ગયેલા ઓપરેટર કમ સેવકે જોઈ લેવાની ધમકી આપી હતી અને કચેરીનો સમય પૂર્ણ થયા બાદ રિક્ષામાં ઘેર જતા નાયબ મામલતદારને આંતરી સ્કોર્પિયોમાં આવેલા સેવક કમ ઓપરેટરના મળતિયાઓએ નાયબ મામલતદારને બેફામ માર માર્યો હતો.
બીજી તરફ ઘટનાથી હતપ્રભ બનેલા નાયબ મામલતદાર ગઈકાલે કચેરીએ આવ્યા બાદ સમગ્ર ઘટના અંગે લોધીકા પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચતા વગરદાર સેવક પણ ત્યાં પહોંચી ગયો હતો અને સમાધાન કરવાનું કહેતા પોલીસે કોઈ ગુન્હો નોંધ્યો ન હતો.
જો કે, બાદમાં નાયબ મામલતદાર ગાયબ થઈ જતા લોધીકા મામલતદાર સહિતના લોકો ધંધે લાગ્યા હતા અને સમગ્ર મામલે પ્રાંત અધિકારી રાજકોટ ગ્રામ્યને જાણ કરતા આ બાબત કલેકટર સુધી પહોંચી હતી અને રાજકોટની ટીમો પણ ગાયબ થયેલા નાયબ મામલતદારને શોધવા કામે લાગી હતી. આ ગંભીર બાબતની જાણ રાજકોટ રેવન્યુ કર્મચારી મંડળને થતા મંડળના હોદેદારો પણ મામલતદારને શોધવા કામે લાગ્યા હતા અને અંતે તેઓ તેમના ઘેરથી હેમખેમ મળી આવ્યા હતા. આ ચકચારી બનાવમાં હાલમાં સેવકને ઘરભેગો કરી દેવામાં આવ્યો છે અને ફરિયાદ નોંધવા પણ તજવીજ શરૂ કરવામાં આવી છે.
