રાજકોટ TRP અગ્નિકાંડ : સાગઠિયાને જામીન મળ્યાપણ જેલમાંથી મુક્તિ નહીં મળે,જાણો સાગઠિયાએ શું દલીલ કરી, કેસમાં અત્યાર સુધી શું થયું?
25 મે-2024નો એ ગોઝારો દિવસ કે જ્યારે નાનામવા રોડ પર આવેલા TRP ગેઈમ ઝોનમાં આગ ફાટી નીકળતા 27 લોકોના કરુણ મૃત્યુ નિપજ્યા હતા. આ કેસમાં 16 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાંથી એકનું મોત થતા 15 વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી હતી. આ કેસને સવા વર્ષ વીતી ગયું હોવા છતા હજુ સુધી કેસની ટ્રાયલ શરૂ ન થતા 15માંથી પાંચ આરોપીઓ જામીન પર છૂટી ગયા બાદ હવે છઠ્ઠા આરોપી એવા મહાપાલિકાના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાને ગેઈમ ઝોન અગ્નિકાંડ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા.

એમ.ડી.સાગઠિયાના જામીન મંજૂર થયા એટલે એવી વાતે જોર પકડી લીધું હતું કે હવે તે જેલમાંથી છૂટી જશે પરંતુ એવું નથી. સાગઠિયાએ હજુ ત્રણ મોટા ગુનાનો સામનો કરવો પડશે. ગેઈમ ઝોનના ચેકિંગમાં લાપરવાહી બદલ ગુનો નોંધાયા બાદ તે ગુનામાં જામીન મળ્યા છે પરંતુ ત્યારબાદ સાગઠિયા એન્ડ ટોળકીએ તૈયાર કરેલી મિનિટસ બુક કે જેમાં ગેઈમ ઝોન સામે ક્યારે અને શું કાર્યવાહી કરી તેની નોંધ હોય તેના સાથે ચેડાં કરવાનો ગુનો અલગથી ક્રાઈમ બ્રાન્ચે નોંધ્યો હોય તે ગુનામાં હજુ સાગઠિયાને જામીન મળ્યા નથી. આ ઉપરાંત એન્ટી કરપ્શન બ્યુરો(ACB) દ્વારા સાગઠિયા સામે અંદાજે 28 કરોડ જેટલી બેનામી સંપત્તિ એકઠી કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેનો પણ હજુ તેણે સામનો કરવો પડશે.
આ ઉપરાત અન્ફાસમન્ટ ડિપાટમન્ટ (ED) દ્વારા પણ સાગઠિયા સામે નાણાંની હેરફેરનો ગુનો દાખલ કરવા માટે મહાપાલિકાની પરવાનગી માંગવામાં આવી હતી જેને ગત 19 જૂલાઈએ જનરલ બોર્ડ દ્વારા મંજૂરી આપી દેવામાં આવતા હવે તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવનાર હોવાથી હજુ ત્રણ ગુના સાગઠિયાને નડતરરૂપ હોવાથી હાલ તો તેનો જેલમાંથી છૂટકારો થાય તેવી શક્યતા ન હોવાનું કાનૂની નિષ્ણાતોએ જણાવ્યું હતું.

TRP અગ્નિકાંડ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સાગઠિયાના જામીન મંજૂર કરતા સમયે હજુ અગ્નિકાંડ કેસની ટ્રાયલ શરૂ ન થવા, સાગઠિયાથી નીચેના અધિકારીઓને જામીન મળવા તેમજ સાગઠિયા 15 મહિનાથી જેલમાં હોવા સહિતના મુદ્દા ધ્યાન પર લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
સાગઠિયાએ શું દલીલ કરી?
સુપ્રીમ કોર્ટમાં જામીન અંગે થયેલી સુનાવણીમાં સાગઠિયા દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે તે ગેઈમ ઝોનના માલિક નથી, ઓપરેટર નથી કે ભાગીદાર પણ નથી. તેઓ એક રેગ્યુલેટરી અધિકારી છે. જ્યારે સરકાર પક્ષ દ્વારા એવી દલીલ કરાઈ હતી કે તેમની એટલે કે સાગઠિયા પાસે તમામ સત્તા હતી આમ છતાં તેમણે કોઈ કાર્યવાહી કરી ન્હોતી. જો કે સુપ્રીમ કોર્ટને વચગાળાના જામીન માટે સાગઠિયા તરફેની દલીલ માન્ય લાગતા ગેઈમ ઝોન કેસમાં જામીન મંજૂર કર્યા હતા.
સાગઠિયાને દેશ છોડવાની મનાઇ
જામીન મંજૂર કરતા સમયે સુપ્રીમ કોર્ટ દ્વારા શરત પણ મુકવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે સાગઠિયા મંજૂરી વગર દેશ છોડી શકશે નહીં સાથે સાથે આ કેસના કોઈ સાક્ષી સાથે સંપર્ક નહીં કરી શકે કે તેને તોડવાનો પ્રયાસ કરી શકશે નહીં. કોર્ટે એવું નિવેદન પણ આપ્યું હતું કે સાગઠિયા 15 મહિનાથી જેલમાં છે પરંતુ હજુ સુધી ટ્રાયલ પણ શરૂ થઈ નથી. કોર્ટે આ કાર્યવાહીને પ્રિ-ટ્રાયલ સજા ગણી હતી. આ કેસમાં અનેક સાક્ષીઓ છે અને ઘણા દસ્તાવેજી પૂરાવા હોય જેથી કોર્ટની કાર્યવાહી લાંબી ચાલી શકે તેમ હોવાથી ચુકાદો આવે ત્યાં સુધી સાગઠિયાને જેલમાં રાખવા યોગ્ય નથી. જે કે સાગઠિયાને હજુ એક જ કેસમાં જામીન મળ્યા છે ત્યારે હજુ ત્રણ કેસમાં શું ચુકાદો આવે છે તે પણ મહત્ત્વનું બની રહેશે.
આ પણ વાંચો :આજે GST કાઉન્સિલની બેઠક : જનતાને રાહત મળવાની આશા, અનેક ચીજો સસ્તી થઈ શકે છે
TRP કેસમાં અત્યાર સુધી શું થયું?
» 25 મે-2024: TRP ગેઈમ ઝોનમાં આગને કારણે 27 લોકોનાં મોત થયા જેમાં 9 બાળકો સમાવિષ્ટ.
>> જૂન-2024: ‘સીટ’ની રચના કરી 16 આરોપી સામે ચાર્જશીટ દાખલ કરાયું
>> ઓગસ્ટ-2024: સાગઠિયાના પરિવાર દ્વારા અપ્રમાણસમર મિલકતના ગુનામાં આગોતરા જામીન અરજી કરાઈ
>> ઑકટોબર-2024: નીચલી કોર્ટે સાગઠિયાની જામીન અરજી રદ્દ કરી
>> જુલાઈ-2025: સુપ્રીમ કોર્ટ દ્વારા સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરના જામીન ટ્રાયલ વિલંબના ગ્રાઉન્ડ પર મંજૂર કર્યા
» 2 સપ્ટેમ્બર-2025: સુપ્રીમ કોર્ટે
એમ.ડી.સાગઠિયાના જામીન મંજૂર કરતા અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓને જામીન મળ્યા
અત્યાર સુધીમાં કોને કોને જામીન મળ્યા
ઈલેશ ખેર (તત્કાલિન ચીફ ફાયર ઓફિસર), એમ.ડી.સાગઠિયા (તત્કાલિન ટીપીઓ), ગૌતમ જોષી (તત્કાલિન એટીપીઓ), મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણા.
