એક્સપ્રેસ વે હાઇવે જેવો બનશે રાજકોટ જેતપુર સિક્સલેન રોડ : જેતપુર સુધી હાઇવે ઉપર હશે અજવાળા, રોંગ સાઈડમાં કોઈ ઘુસી નહીં શકે
રાજકોટ -જેતપુર નેશનલ હાઈવેની મંથરગતિએ ચાલતી કામગીરીની ફરિયાદો છેક કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સુધી પહોંચતા ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અંગત રસ લઈ સિક્સલેન હાઈવેની કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે.બીજીતરફ સિક્સલેન હાઇવે પ્રોજેક્ટ મેનેજર હરવિન્દરસિંઘે જણાવ્યું હતું કે, હાલમાં રાજકોટ-જેતપુર હાઇવે ઉપર વાહન ચાલકોને જે મુશ્કેલી પડી રહી છે તેમાં ડિસેમ્બર અંત સુધીમાં રાહત મળશે. સાથે જ તેઓએ હાઇવે પ્રોજેક્ટનું કામ પૂર્ણ થતા આ હાઇવે ઉપર લોકોને એક્સપ્રેસ વે જેવી સુવિધા મળશે જેમાં રાજકોટથી જેતપુર સુધી સળંગ લાઇટિંગ સાથે લિમિટેડ ઍક્સેસને કારણે કોઈપણ જગ્યાએથી વાહન નહીં ઘુસી શકે, 67 કિમિ લંબાઈના હાઈવેમાં માત્ર 29 જગ્યાએથી જ હાઇવે ઉપર એક્સેસ મળશે. સાથે જ એલિવેટેડ હાઈવેને કારણે રખડતા ઢોરનો પ્રશ્ન પણ નહીં રહે.
67 કિલોમીટર લાંબા રાજકોટ -જેતપુર નેશનલ હાઇવેના સિક્સલેન રૂપાંતરણ પ્રોજેક્ટ હાલમાં કોન્ટ્રાકટરની ઢીલી નીતિ અને મંથરગતિએ ચાલતી કામગીરીને કારણે ખુબ જ ચર્ચામાં છે ત્યારે સિક્સલેન પ્રોજેક્ટ અંગે નેશનલ હાઈવેના પ્રોજેક્ટ ડાયરેક્ટ હરવિન્દરસિંઘે જણાવ્યું હતું કે, સિક્સલેન પ્રોજેક્ટમાં ચોમાસાની ઋતુમાં ખુબ જ વિઘ્ન આવ્યા છે. જો કે, હાલમાં સિક્સલેન પ્રોજેક્ટ અતંર્ગત કુલ 19 બ્રિજ પૈકી 4 બ્રિજ ખોલી નાખવામાં આવ્યા છે અને બાકીના બ્રિજની કામગીરી દિવસ-રાત ચાલી રહી હોવાથી આગામી ડિસેમ્બર સુધીમાં મોટાભાગના બ્રિજના કામ પૂર્ણ થઇ જશે. જો કે, સિકસલેન પ્રોજેક્ટમાં બેથી ત્રણ બ્રિજના કામ પૂર્ણ થતા માર્ચ-2026 સુધીનો સમય લાગી શકે તેમ હોવાનું પણ તેમને સ્વીકાર્યું હતું.
આ પણ વાંચો : રાજકોટ TRP અગ્નિકાંડ : સાગઠિયાને જામીન મળ્યાપણ જેલમાંથી મુક્તિ નહીં મળે,જાણો સાગઠિયાએ શું દલીલ કરી, કેસમાં અત્યાર સુધી શું થયું?
એકંદરે રાજકોટ-જેતપુર હાઇવે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રાજકોટ જૂનાગઢ, પોરબંદર, ગોંડલ જેતપુર સહિતના શહેરો સુધી પહોંચવાની વર્તમાન સુવિધા સામે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ એક્સપ્રેસ વે જેવી સુવિધા મળશે તેમ કહેતા ઉમર્યું હતું કે, રાજકોટથી જેતપુર સુધીના માર્ગ ઉપર 67 કિલોમીટર માર્ગમાં સળંગ સેન્ટ્રલી લાઇટિંગ હશે. સાથે જ દર એક કિલોમીટરે એક-એક કેમેરા, દર દસ કિલોમીટરે સ્પીડ ચેક કરવાના ડિવાઇસ, બે ટ્રક લે બાય, લોકોને આરામ માટેની સુવિધા, 18 સ્થળોએ બસસ્ટેશન, કોઈ પણ સ્થળેથી રોંગ સાઈડમાં વાહન ઘૂસે તો આવા વાહનો પકડાઈ જાય તેવી વ્યવસ્થા સાથે હાઇવે ઉપર ક્યાંય પણ અકસ્માત થાય તો ગણતરીની મિનિટોમાં જ અકસ્માતની જાણ થાય તેવી વ્યવસ્થા સાથેના કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે.
રોડની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી 25 ટકા ટોલટેક્સ માફી

રાજકોટ-જેતપુર નેશનલ હાઈવેના પ્રોજેક્ટ ડાયરેક્ટ હરવિન્દર સિંઘે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દરેક નેશનલ હાઇવે ઉપર ટોલટેક્સમાં વધારો થતો હોય છે પરંતુ હાલમાં સિક્સલેન કામગીરીને કારણે રાજકોટ-જેતપુર નેશનલ હોઇવે ઉપર વાહનચાલકોને 25 ટકા રાહત આપી 75 ટકા ટોલટેક્સ વસુલવામાં આવી રહ્યો છે. જેમાં નવા સિક્સલેન કામગીરીમાં છેલ્લે એક કિલોમીટરનું કામ પણ બાકી રહેશે તો ત્યાં સુધી ટોલટેક્સમાં રાહત ચાલુ રાખવામાં આવશે.

ટોલનાકા ઉપરથી બેરીયર હટાવી દેવાશે
કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં પ્રાયોગિક ધોરણે દેશના 100 ટોલ પ્લાઝા ઉપર વાહનની નંબર પ્લેટના આધારે ટોલ વસૂલવા બેરીયર હટાવી દેવામાં આવ્યા છે ત્યારે રાજકોટ -જેતપુર નેશનલ હાઇવે ઉપર પણ આગામી સમયમાં ટોલપ્લાઝા ઉપરથી બેરીયર હટાવી દઈ વાહનના નંબર પ્લેટ અને જીપીએસ આધારિત ટોલ વસુલાત સિસ્ટમ કાર્યરત કરવામાં આવનાર હોવાનું પ્રોજેક્ટ ડાયરેક્ટર હરવિન્દર સિંઘે જણાવ્યું હતું.
સિક્સેલન હાઈવેના ટેન્ડરથી લઇ અત્યાર સુધીનો ઘટનાક્રમ
ફેબ્રુઆરી 2019 – સિક્સલેન હાઈવેનું મનસુખ માંડવિયાના હસ્તે ગોંડલ ચોકડીએ ભુમીપુજન
2021-2022 -નેશનલ હાઇવે ઓથોરિટીએ ટેન્ડર પ્રસિદ્ધ કર્યું
ફેબ્રુઆરી-માર્ચ – 2022માં બિડ
મે 2023 સુધીમાં – 450 જેટલા ગેરકાયદે બાંધકામ તોડી પડાયા
ડિસેમ્બર 2023 – તત્કાલીન સાંસદ રમેશભાઈ ધડુકે કામગીરી ઝડપી બનાવવા કેન્દ્રીય મંત્રીને રજુઆત કરી
ફેબ્રુઆરી 2024 – રાજકોટ નજીક ઓવરબ્રિજના કામ હજુ પણ બાકી છે.
જૂન-જુલાઈ 2025 – નબળી અને મંથર કામગીરીને કારણે કોન્ટ્રાક્ટરને 25 લાખની પેનલ્ટી
ઓગસ્ટ-2025 – યોગ્ય ડાયવર્ઝનના અભાવે દરરોજ ૨-૩ કલાક ટ્રાફિક જામ
કોન્ટ્રાકટરની ઢીલી કામગીરીને કારણે પ્રોજેક્ટ વિલંબમાં
રાજકોટ-જેતપુર હાઇવે સિક્સલેનમાં કન્વર્ટ કરવાની કામગીરીની સમયમર્યાદા આમ તો પૂર્ણ થઇ ગઈ છે છતાં પણ હજુ આગામી માર્ચ એપ્રિલ સુધીમાં કામગીરી પૂર્ણ થાય તેવા કોઈ જ સંકેત નથી મળી રહ્યા, ગંભીર બાબત તો એ છે કે, હાઈવેનો કોન્ટ્રાકટ રાખનાર વારાહ ઇન્ફ્રા લિમિટેડ નામની કંપનીએ અગાઉ ધોલેરા સર, રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પ્રોજેક્ટના કામ કર્યા છે જે કામ પણ સમય મર્યાદામાં પૂર્ણ કરી શક્યા ન હોવા છતાં સિક્સલેનનું કામ આ કોન્ટ્રાક્ટરને જ આપવામાં આવ્યું છે અને હાઇવે ઓથોરિટીની અનેક ફટકાર બાદ પણ કામગીરીમાં જોઈએ તેટલી ઝડપ ન આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
સિક્સલેન પ્રોજેક્ટને કારણે ગ્રીનલેન્ડ ચોકડીની કાયાપલટ થશે
રાજકોટ-જેતપુર હાઇવે પ્રોજેક્ટને કારણે રાજકોટની ગ્રીન લેન્ડ ચોકડીએ થતી કાયમી ટ્રાફિકજામની સમસ્યાનો નિવેડો આવશે, પ્રોજેક્ટ ડાયરેક્ટર હરવિન્દર સિંઘે જણાવ્યું હતું કે, રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડીના વર્તમાન ટ્રાફિકને ધ્યાને લઈ અહીં અલગ બસ વે ઉપરાંત વાહન પાર્કિંગ માટે અલગ વ્યવસ્થા ઉપરાંત ગ્રીનલેન્ડ ચોકડીના અંડરપાસને પણ પહોળો કરવામાં આવશે જેથી અહીં ટ્રાફિક જામની સમસ્યા ભૂતકાળ બનશે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે 110 કરોડના ખર્ચે એલિવેટેડ રોડ બનશે
રાજકોટ-જેતપુર હાઇવે પ્રોજેક્ટમાં ખાસ કરીને ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે વાહનોની વધુ પડતી અવર-જ્વર હોય અહીં એલિવેટેડ રોડ માટે સિક્સલેન પ્રોજેક્ટમાં વધારાનો 110 કરોડનો ખર્ચ કરી અન્ય કોન્ટ્રાકટ પાસે કામગીરી કરાવવામાં આવશે.
પાણી, ગેસની લાઈનને કારણે પણ પ્રોજેક્ટ વિલંબિત
સિક્સેલન હાઇવે પ્રોજેક્ટમાં વિલંબ માટે રાજકોટ મહાનગર પાલિકાની ભાદર યોજનાની પાણીની પાઈપલાઈન ઉપરાંત જીડબ્લ્યુઆઇએલની પાણીની લાઈનો તેમજ ગુજરાત ગેસની લાઈન પણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. રાજકોટ મહાનગર પાલિકાની ઢીલી નીતિને કારણે ભાદર યોજનાની પાણીની લાઈન શિફટિંગ ન થતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ નીચે આ લાઈનો આવી ગઈ છે. સાથે જ અનેક સ્થળોએ પાણી પુરવઠા બોર્ડની લાઈનો પણ ધરબાયેલી પડી છે.જો કે, મુખ્યમંત્રીની સૂચના બાદ હાલમાં સરકારી વિભાગો સંકલનમાં આવ્યા છે અને ગુજરાત ગેસ દ્વારા પણ લાઈનો શિફ્ટિંગ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
