રાજકોટ-જેતપુર હાઈવેના કોન્ટ્રાક્ટરને વધુ રૂ.5 લાખનો દંડ : CMએ 5 વિભાગો સાથે બેઠક યોજી વહેલી તકે કામ પૂર્ણ કરવા આપ્યો આદેશ
રાજકોટ -જેતપુર હાઈવેને સિકસ લેનમાં કન્વર્ટ કરવાની મંથર ગતિએ ચાલી રહેલી કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા ડાયવર્ઝન આપવામાં લાલીયાવાડી કરી સાંકડા ડાયવર્ઝન કાઢયા હોવાથી હાલમાં વાહનચાલકો પરેશાન છે ત્યારે નબળી કામગીરી રોડ ઉપર ખાડા તેમજ ટ્રાફિક ન થાય તે માટે પૂરતા ટ્રાફિક માર્શલની નિમણુંક કરવા આદેશ કરવા છતાં રોડના કોન્ટ્રાકટર દ્વારા હાઇવે ઓથોરિટીના આદેશનું પાલન કરવામાં ન આવતા જુલાઈ માસમાં વધુ પાંચ લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે. બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રીએ ગત શુક્રવારે રેવન્યુ, હાઇવે ઓથોરિટી, RMC સહિતના પાંચ વિભાગો સાથે બેઠક યોજી ફટાફટ રોડની કામગીરી પૂર્ણ કરવા આદેશ કર્યાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ-જેતપુર હાઈવેના 67 કિલોમીટર ભાગને સિક્સ લેનમાં રૂપાંતરિત કરવા માટે 1204 કરોડ રૂપિયાના ખર્ચે વારાહ એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જો કે, 24 મહિનામાં કામગીરી પૂર્ણ કરવા ટેન્ડરમાં શરત હોવા છતાં હાલમાં મુદત પૂર્ણ થયે પણ રોડની 42 ટકા જ કામગીરી પૂર્ણ થઇ હોય રાજકોટ-જૂનાગઢ, પોરબંદર, જેતપુર, સોમનાથ તરફથી આવતા-જતા વાહન ચાલકો રાજકોટ ગોંડલ વચ્ચે કાચબા ગતિએ ચાલતી કામગીરીથી ત્રસ્ત થઇ રહ્યા છે.
દરમિયાન રાજકોટ-જેતપુર હાઈવેના નબળા અને મંથર ગતિએ ચાલતા કામને લઈ કોંગ્રેસ દ્વારા આંદોલન છેડવામાં આવ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને હાલમાં દર મહિને રોડની કામગીરીની પ્રગતિ અંગે સમીક્ષા થઇ રહી છે. જેમાં જૂન માસમાં નિયમ મુજબ કામગીરી ન થતા હાઇવે ઓથોરિટીએ વરાહ એજન્સીને 25 લાખની પેનલ્ટી ફટકાર્યા બાદ જુલાઈ માસમાં પણ રોડ ઉપર પડેલા ખાડા તેમજ ટ્રાફિક ન થાય તે માટે પૂરતા ટ્રાફિક માર્શલની નિમણુંક ન કરવા બદલ એજન્સીને પાંચ લાખની પેનલ્ટી ફટકારી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
અત્યાર સુધીમાં 19 પૈકી 4 બ્રિજ શરૂ થયા
રાજકોટ-જેતપુર હાઇવે ઉપર 67 કિલિમીટરમાં કુલ 19 બ્રિજ આવે છે જેમાં વરાહ એજન્સી દ્વારા અત્યાર સુધીમાં માત્ર ચાર બ્રિજના કામ પૂર્ણ થતા આ બ્રિજ ખુલ્લા મુકવામાં આવ્યા છે, વધુમાં આગામી ડિસેમ્બર માસના અંત સુધીમાં બાકી રહેતા 15 બ્રિજ ખુલ્લા મુકાઈ જાય તે મુજબ હાલમાં કામગીરી ચાલી રહી હોવાનું હાઇવે ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું.
રાજકોટ-જેતપુર હાઈવેની કામગીરી ફટાફટ પૂર્ણ કરો : CM
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવેની સિક્સલેનમાં રૂપાંતરિત કરવાની કામગીરી કાચબા ગતિએ ચાલતી હોવાથી આ ગંભીર બાબતે મુખ્યમંત્રી સુધી ફરિયાદો થતા ગત શુક્રવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજકોટ રેવન્યુ તંત્ર, હાઇવે ઓથોરિટી, ગુજરાત ગેસ, રાજકોટ મહાનગર પાલિકા અને જીડબ્લ્યુઆઇએલના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં હાઈવેની કામગીરીમાં જીડબ્લ્યુઆઈએલ, ગુજરાત ગેસ અને આરએમસીની લાઈનો આવતી હોય સત્વરે પાઈપલાઈન ફેરવવા તેમજ રેવન્યુ તંત્ર સાથે દબાણના પ્રશ્નો ઉકેલવા માટે જરૂરી સૂચના આપી ફટાફટ રોડની કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી.
