રાજકોટના રેસકોર્સ રિંગરોડ ફરતે શણગારયુકત લાઇટ ફિટ કરવામાં ચલકચલાણુ! શું ફરી એકવાર પ્રજાના પૈસાનું આંધણ થશે?
રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્ષ 2025-26ના નાણાકીય બજેટમાં 20 નવી યોજના ઉમેરવામાં આવી હતી જેમાં એક યોજના રેસકોર્સ રિંગરોડ ફરતે કાયમી સુશોભન જોવા મળે તે માટે એલઈડી ડેકોરેટિવ લાઈટિંગ ફિટ કરવાનું કામ પણ સામેલ હતું. જો કે આઠ મહિના જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતા હજુ આ કામના કોઈ જ ઠેકાણા નથી. દોઢેક મહિના બાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ તંત્ર રિંગરોડનો શણગાર કરવા માટે લાખો-કરોડો રૂપિયાનું આંધણ કરવું જ પડશે કેમ કે ત્યાં સુધીમાં શણગારયુક્ત લાઈટ ફિટ થઈ શકે તેવી કોઈ સ્થિતિ જેવા મળી રહી નથી.
આ પહેલાં શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે બજેટમાં જાહેર કરેલી યોજનાઓની શું સ્થિતિ છે તે જાણવા માટે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક બાદ એવી જાહેરાત કરાઈ હતી કે રેસકોર્સ રિંગરોડ પર કાયમી સુશોભન માટે એલઈડી ડેકોરિટવ લાઈટિંગ ફિટ કરવાનું કામ ટેન્ડર પ્રક્રિયામાં છે.
આ પણ વાંચો : ભાણેજને 30 લાખ વ્યાજે અપાવી મામા ફસાયા : મહિલા સરપંચના પતિ વ્યાજખોરની ચુંગાલમાં,ભાણો થયો ગાયબ
જ્યારે આ અંગે રોશની શાખાના ઈજનેર ભાવેશ જીવાણીનો સંપર્ક સાધવામાં આવતા તેમણે કહ્યું હતું કે ટેન્ડર તો થઈ ગયું છે પરંતુ તે લાઈટ ફિટ કરવા માટેનું નહીં બલ્કે કન્સલ્ટન્ટની નિમણૂક કરવા માટેનું છે. કન્સલ્ટન્ટની નિમણૂક થઈ ગયા બાદ તેમના દ્વારા ડિઝાઈન તૈયાર કરવામાં આવશે. ડિઝાઈન મંજૂર કરાયા બાદ લાઈટ ફિટ કરવા માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરાશે. ઉલ્લેખનીય છે કે દિવાળી સુધીમાં આ સઘળી પ્રક્રિયા પૂર્ણ થાય તેવી કોઈ જ શક્યતા લાગી રહી નથી એટલા માટે આ વર્ષે પણ રિંગરોડ ફરતે શણગાર કરવામાં પ્રજાના પૈસાનું ફરી એક વખત આંધણ થશે.
