અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ : પ્રથમવાર 400 ડ્રોનથી અદ્ભુત લાઇટ શો યોજાશે,ભક્તો માટે હેલ્પલાઈન નંબર જાહેર
“આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળામાં પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ છે. અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમનો મેળો શરુ થઇ રહ્યો છે. 7 સપ્ટેમ્બર સુધી ચાલનારા ભાદરવી પૂનમ મહામેળાની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. જિલ્લા કક્ષાની 29 સમિતિઓ સહિત મંદિર ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ચાલુ વર્ષે પદયાત્રીઓની સુવિધાઓમાં વધારો કરાયો છે.

અંબાજી મહા મેળામાં સાત દિવસ દરમિયાન 30 લાખથી પણ વધારે યાત્રિકો આવતા હોય છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે અને અંબાજી વહીવટદાર કૌશિક મોદી દ્વારા ડિજિટલ માધ્યમ થકી દેશ અને રાજ્યના પદયાત્રી માઇભક્તોને અંબાજી પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અંબાજી ખાતે આવતા યાત્રિકો માટે કુલ ચાર સ્થળોએ નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે. શ્રી અંબિકા ભોજનાલય અંબાજી, દિવાળી બા ગુરૂભવન દાંતા રોડ, ગબ્બર તળેટી અને વ્યંકટેશ માર્બલની બાજુમાં દાંતા રોડ ખાતે નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે.

આ પણ વાંચો : જામનગરમાં કરુણાંતિકા : ગણેશ વિસર્જન વખતે પિતા-બે પુત્ર ડૂબ્યા,3ના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ
અંબાજી મહામેળા દરમિયાન પગપાળા યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ વૉટરપ્રૂફ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. દાંતાથી અંબાજી આવતા માર્ગ પર પાન્છા ખોડીયાર-બ્રહ્માની માર્બલ સામે વીર મહારાજ વચ્ચેની ખુલ્લી જગ્યા, હડાદથી અંબાજી આવતા માર્ગ પર કામાક્ષી મંદિર સામેની જગ્યા, જૂની કોલેજ ખાતે આવેલ ખુલ્લી જગ્યા તથા માંગલ્ય વનની પાછળના ભાગની જગ્યા એમ કુલ ચાર સ્થળોએ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે 1200 બેડની વ્યવસ્થા સાથે મલ્ટી પર્પઝ ડોમ, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાર્જિંગ સુવિધા, હાઉસકીપિંગ સર્વિસ, સાઈનેજિસ, ફ્લોર કાર્પેટ, ફ્લૅગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશન, અગ્નિશામક સાધનો તેમજ સમાન મુકવાની સુવિધા જેવી આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
અંબાજી મહા મેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ હોય છે. મહામેળામાં પ્રસાદ વિતરણ માટે કુલ 28 પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા છે. મેળા દરમિયાન કુલ 1000 થી 1200 ઘાણ જેટલી પ્રસાદ બનાવવામાં આવશે. 1 ઘાણમાં કુલ 326.7 કિલોગ્રામ પ્રસાદ બનશે. 750 જેટલા કારીગરો પ્રસાદ બનાવવાની કામગીરી કરશે. મેળા દરમિયાન 30 લાખથી વધુ પ્રસાદના પેકેટ વિતરણ કરાશે.
પદયાત્રીઓની સુવિધા માટે જાહેર કરાઈ હેલ્પલાઈન
અંબાજી ખાતે ભક્તોની મદદ માટે ખાસ હેલ્પ ડેસ્ક ઊભું કરાયું છે. યાત્રા દરમિયાન કોઈપણ સમયે મદદ માટે સંપર્ક કરો
નંબર : 02749-262040, 262041, 262042, 262043, 262044, 202045, 262046, 262047, 262048, 262049, 262050
ભાદરવી મહામેળો ૨૦૨૫
— Info Banaskantha GoG (@infobanaskantha) September 1, 2025
લાખો માઈભક્તોની આસ્થાના અવસર ભાદરવી પૂનમ મહામેળાનો રંગેચંગે પ્રારંભ
જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ કરાયો@CMOGuj @InfoGujarat @CollectorBK @TempleAmbaji @GujaratTourism @yatradhamboard #ambajimelo2025 pic.twitter.com/iPanoUGJEi
35 સ્થળોએ પાર્કિગની વિશેષ સુવિધા
અંબાજી ખાતે આવતા વાહનો માટે કુલ 1 લાખ 83 હજાર 855 ચોરસ મીટર એરિયામાં કુલ 35 જેટલા પાર્કિંગ ઊભા કરાયા છે જેમાં કુલ 22541 કરતા વધારે વાહનો પાર્ક કરી શકાશે. દાંતા રોડ પર 23 તથા હડાદ રોડ પર 12 પાર્કિંગ સ્થળો ઊભા કરાયા છે. ચાલુ વર્ષે શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પાર્કિંગ બુક કરી શકે તે માટે Show my Parking એપ્લિકેશનની ઑનલાઇન સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
અંબાજી ખાતે આવતા માઇભક્તો માટે પાર્કિંગના સ્થળેથી મંદિર ખાતે જવા – આવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે મીની બસ સેવા સર્વિસ આપવામાં આવશે. દાંતા રોડ પર પાંછા બસ સ્ટેશન પાસેના પાર્કિંગ થી તથા હડાદ રોડ માટે ચીખલા પાર્કિંગ પ્લોટથી દર્શનપથ સુધી મીની બસ સેવાની આવવા – જવા માટે વિનામૂલ્યે સુવિધા આપવામાં આવશે.
સૌ પ્રથમવાર 400 ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો
અંબાજી મહા મેળામાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરાયું છે, જેનું મુખ્ય આકર્ષણ 3 અને ૪ સપ્ટેમ્બરના રોજ રાત્રે 8.30 કલાકે રહેશે. આકાશમાં રંગબેરંગી લાઇટોથી સજ્જ ડ્રોન દ્વારા માતાજીના મંદિરની છબિ, “જય માતાજી”નું લખાણ, ત્રિશૂળ તથા શક્તિના પ્રતિકોની અદભુત રચનાઓ થશે, જે ભક્તોને મંત્રમુગ્ધ કરી દેશે.
