રાજકોટ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને-સામને : રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન સામે ભાજપે કર્યા સૂત્રોચ્ચાર તો કોંગ્રેસે પણ ઠાલવ્યો રોષ
રાજકોટમાં આજે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઑ આમને-સામને આવી ગયા હતા. બિહારના દરભંગામાં વડાપ્રધાનની માતાનું અપમાન બદલ સમગ્ર દેશમાં વિરોધના વંટોળ ઊભો થયો છે. ઠેર-ઠેર આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે રાજકોટમાં ભાજપ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ત્યારે પોલીસે ભાજપના કાર્યકરોની અટકાયત કરી હતી.

ગુરુવારે બિહારના દરભંગામાં મતદાર અધિકાર યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ પીએમ મોદી અને તેમના માતાને અપશબ્દો કહ્યા હતા. જેના વિરોધમાં આજે રાજકોટ જિલ્લા પંચાયત ચોક ખાતે ભાજપ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં જિલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજકોટ ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. એક તરફ ભાજપ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ભાજપ વિરુદ્ધ વોટ ચોરી મુદ્દે બેનરો દ્વારા દેખાવ અને વિરોધ કરવામાં આવતા બંને પક્ષના કાર્યકરો આમને-સામને આવી પહોંચ્યા હતા.
રાહુલ ગાંધીનું પૂતળું સળગાવવામાં આવ્યું
રાજકોટના રામનાથપરામાં ગરુડ ગરબી ચોકમાં ભાજપના યુવા કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું પૂતળાને માર મારવામાં આવ્યો હતો અને પૂતળું સળગાવવામાં પણ આવ્યું હતું. રાહુલ ગાંધી સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ પીએમ મોદી અને તેમના માતાને અપશબ્દો કહ્યા હતા ત્યારે ભાજપનો એક જ અવાજ અભદ્ર ટિપ્પણી કરનાર માફી માગે. ભાજપએ માફી માગો ના નારા લગાવ્યા તો કોંગ્રેસે વોટ ચોરના નારા લગાવ્યા હતા. કોંગ્રેસ કાર્યાલયના ઘેરાવ થવાની જાણ થતાં જ એસીપી, પીઆઈ, ક્રાઈમ બ્રાન્ચ,LCB સહિતનો પોલીસ કાફલો બનાવસ્થળે પહોંચ્યો હતો.
આ પણ વાંચો : રાજકોટ જિલ્લા કોંગ્રેસે તાલુકા પ્રમુખો નિમ્યા : ભાજપ પ્રથમ વખત પાછળ? નવી બોડી ક્યારે જાહેર થાય તેની બન્ને પક્ષમાં જોવાતી રાહ
રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ વિરોધ
રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ દેશમાં વિવિધ જગ્યાઑ પર ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. ભાજપના કાર્યકરો આક્રમક વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે રાજકોટમાં જિલ્લા પંચાયત ચોકમાં ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ત્યારે મામલો બીચકે તે પહેલા જ પોલીસે કમાન હાથમાં લીધી હતી. પોલીસની મહામહેનતથી બંને વચ્ચેનું ઘર્ષણ ટળ્યું હતું.એસીપી, પીઆઈ, ક્રાઈમ બ્રાન્ચ,LCB સહિતનો કાફલો પહોંચ્યો હતો અને ભાજપ યુવા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.
