ગણેશોત્સવ શરૂ થયા બાદ રાજકોટ મનપાની ફૂડ શાખાને ‘યાદ’ આવ્યા લાડું! રિપોર્ટ છેક દિવાળી ઉપર આવશે
રાજકોટમાં અત્યારે ભાગ્યે જ એવી કોઈ ખાદ્યવસ્તુ હશે જે ભેળસેળ વગર મળતી હોય. આ વાત મહાપાલિકાની ફૂડ શાખા પણ બરાબરની જાણે છે આમ છતાં તેની ‘આળસ’ને કારણે આ દૂષણ ઓછું થવાનું નામ લઈ રહ્યું નથી. ખાસ કરીને દર તહેવાર પર ફૂડ શાખા અચાનક જ જાગીને કામગીરી કરવા લાગતી હોય તહેવાર પૂર્ણ થાય ત્યાં સુધીમાં તો ઢગલામોઢે ભેળસેળિયો પદાર્થ વેચાઈ ગયો હોય છે.
હાલ ગણેશોત્સવ શરૂ થઈ ચૂક્યો છે અને ચાર દિવસ પૂર્ણ થઈ ગયા છે ત્યારે છેક ફૂડ શાખાને લાડુના નમૂના લેવાનું યાદ આવતા ચાર સ્થળેથી આ કાર્યવાહી કરાઈ છે. ફૂડ શાખા દ્વારા શાસ્ત્રીનગર શેરી નં.6માં બાલાજી ગૃહ ઉદ્યોગમાંથી મોતીચૂર લાડી, કોઠારિયા રિંગરોડ પાસે તિરુપતિ સોસાયટીમાં સાક્ષી ગૃહ ઉદ્યોગમાંથી મોતીચૂર લાડુ, કોઠારિયા રોડ પર જય સોમનાથ પાર્કમાં ગજાનન સોનપાપડી ગૃહ ઉદ્યોગમાંથી મોતીચૂર લાડી અને ઢેબર રોડ (સાઉથ)માં લાલ પાર્કમાં આવેલા ગુરુકૃપા ગૃહ ઉદ્યોગમાંથી મોતીચૂર લાડુના નમૂના લેવામાં આવ્યા હતા. આ તમામ નમૂનાનો રિપોર્ટ છેક દિવાળી ઉપર આવશે !
આ પણ વાંચો : સુરતના ચકચારી બિટકોઇન ખંડણી કેસમાં ધારીના પૂર્વ MLA, અમરેલીના પૂર્વ SP, PI સહિત 14ને આજીવન કેદ,જાણો શું છે સમગ્ર મામલો
ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના એરપોર્ટ રોડ થી આમ્રપાલી ફાટક સુધી વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 08 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. ભેળસેળ છે કે નહીં તેનો ખુલાસો દિવાળી પર થશે.
