વિકાસની ગાડી દોડી : GDP ગ્રોથ રેટ 7.8 ટકા,કૃષિ સહિતના ક્ષેત્રે સારા પરિણામોથી ભારત સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર બન્યુ
અમરિકાએ ભારત ઉપર 50 ટકા ટેરીફ લાગુ કરીને ભારતને દબાવવાનો જે પ્રયાસ કર્યો છે તેને મોટો ધક્કો લાગે તેવી કમાલ ભારતના અર્થતંત્રએ કરી છે. ઘરેલું મોરચે શાનદાર પ્રદર્શનને લીધે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન દેશનો GDP 7.8 ટકાના દરે વધ્યો છે, જે અપેક્ષા કરતા ઘણો વધારે છે. એવો અંદાજ હતો કે પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન GDP 6.7 ટકા રહી શકે છે તેનાથી વધુ સારા પરિણામ આવ્યા છે.ગત વરસે GDP વૃદ્ધિદર 6.5 ટકા હતો.
શુક્રવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, GDP (કુલ સ્થાનિક ઉત્પાદન) વૃદ્ધિ દર મુખ્યત્વે કૃષિ ક્ષેત્રના સારા પ્રદર્શનને કારણે વધ્યો છે. ભારત સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર રહ્યું છે, કારણ કે એપ્રિલ-જૂનમાં ચીનનો GDP વૃદ્ધિ દર 5.2 ટકા હતો.
આ પણ વાંચો : સુરતના ચકચારી બિટકોઇન ખંડણી કેસમાં ધારીના પૂર્વ MLA, અમરેલીના પૂર્વ SP, PI સહિત 14ને આજીવન કેદ,જાણો શું છે સમગ્ર મામલો
પ્રાપ્ય ડેટા અનુસાર, આ પહેલાનો સૌથી વધુ GDP વૃદ્ધિ દર 2024ના જાન્યુઆરી-માર્ચમાં 8.4 ટકા હતો. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયના ડેટા અનુસાર, કૃષિ ક્ષેત્રે 3.7 ટકાનો વિકાસ નોંધાવ્યો હતો, જે 2024-25ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 1.5 ટકા હતો. નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ દર નજીવો વધીને 7.7 ટકા થયો છે, જે એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં 7.6 ટકા હતો.
આ પણ વાંચો : ‘પતિ પત્ની ઔર વો 2’ના સેટ પર બબાલ : પ્રયાગરાજમાં સ્ટાફ સાથે મારપીટ,આયુષ્માન-સારાનો ઝધડો પણ VIDEOમાં કેદ
ખાણકામ ક્ષેત્રે -3.1 ટકા અને વીજળી, ગેસ, પાણી પુરવઠા અને અન્ય ઉપયોગિતા સેવાઓ ક્ષેત્રમાં 0.5 ટકાનો વધારો થયો હતો. નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન વાસ્તવિક ખાનગી અંતિમ વપરાશ ખર્ચમાં 7.0 ટકાનો વિકાસ દર નોંધાયો હતો, જે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 8.3 ટકાનો વિકાસ દર હતો.
નોંધનીય છે કે આ આંકડા એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા સુધીનો ટેરિફ લાદ્યો છે. જેના કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ભારતનો GDP વિકાસ દર ઘટશે.
ભારતની અર્થવ્યવસ્થા 10 %ના ગ્રોથ રેટથી વધી શકે છે : અંબાણી
રિલાયન્સની 48મી વાર્ષિક સાધારણ સભાને સંબોધતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ એવી આશા વ્યક્ત કરી હતી કે, ભારતની અર્થવ્યવસ્થા 10 ટકાના ગ્રોથ રેટથી આગળ વધી શકે છે. તેમણે કહ્યું કે, ભારતને પોતાના ગ્રોથ માટે કોઈ દેશની કોપી કરવાની જરૂર નથી. તે આપોઆપ વિકાસ કરે છે. એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અને વિઝનરી લીડરશીપને લીધે ગ્રોથ 10 ટકા થઇ શકે છે. આ ગ્રોથને લીધે આવનારા 20 વર્ષમાં પ્રતિ વ્યક્તિ આવક ચારથી પાંચ ગણી વધી શકે છે.
