ભારતની અમેરિકા સાથે 1 અબજ ડોલરની સંરક્ષણ ડીલ : ફાઇટર વિમાનોના એન્જિન આવશે,વાયુ સેના વધુ ઘાતક બનશે
ટ્રમ્પ ટેરિફ વચ્ચે, ભારત અને યુએસ કંપની એક નવા અબજ ડોલરના સોદા પર હસ્તાક્ષર કરવા માટે તૈયાર છે જેમાં હળવા લડાયક વિમાન તેજસને જેટ એન્જિન મળશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને જનરલ ઇલેક્ટ્રિક વચ્ચે આ સોદો થવા જઈ રહ્યો છે. આમ થવાથી વાયુ સેનાની તાકાત વધુ ઘાતક બનશે.
સંરક્ષણ અધિકારીઓને ટાંકીને મંગળવારે મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે એચએએલ 113 વધુ એન્જિન ખરીદવા માટે યુએસ કંપની સાથે વાટાઘાટોના અંતિમ તબક્કામાં છે. આ સોદો સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. વધુમાં, આ પાવરટ્રેન માટે 80 ટકા ટેકનોલોજી ટ્રાન્સફર માટે વાટાઘાટો કરી રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર સાથે ટેરિફ વિવાદ શરૂ થયા પછી આ બીજો સોદો છે – પહેલો સોદો 97 વધુ એલસીએ માર્ક 1-એ ફાઇટર જેટ ખરીદવા માટે રૂ. 62,000 કરોડનો હતો. આમ ભારત હવે ગંભીર છે અને પોતાની તાકાતમાં સતત વધારો કરે છે અને સેના વધુ ઘાતક બની રહી છે.
વાયુસેનાની તાકાત વધશે
સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ભારતીય વાયુસેના દ્વારા ઓર્ડર કરાયેલા 83 ફાઇટર જેટ માટે 99 એન્જિન માટે અમેરિકી કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. નવા સોદામાં લગભગ 113 વધારાના એન્જિનનો સમાવેશ થાય છે. કુલ મળીને, એચએએલને તેના એલસીએ માર્ક 1-એ ફાઇટર જેટને પાવર આપવા માટે આવા 212 એન્જિનની જરૂર છે.
