પોલીસ ડિપાર્ટમેન્ટમાં 32 વર્ષની સફળ સફર એ જ મારી સાચી પુંજી, કોઈ રડતા આવે અને હસતા ચહેરે જાય એ જ ખરી સેવા : SP જાડેજા
સરકારી વિભાગોમાં અનેક જોબ હોય છે પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટની જોબ એક એવી જોબ છે કે જયાં ડગલેને પગલે માનવ સેવા એ પ્રભુ સેવાની તક મળે છે. કહેવત છે કે, આત્મા સો પરમાત્મા, પોલીસ પાસે મદદ માટે આવનારી વ્યકિત નિરસ હોય કયારેક તો રડતા વદને અને આશ સાથે આવતી હોય છે. આવી વ્યક્તિઓ હસતા ચહેરે જાય એટલે કે તેમને પોલીસ તરફથી પુરતી મદદ મળે એ સાચી સેવા કે કામ કર્યાનો આત્મસંતોષ બની રહે છે. આ શબ્દો હતા રાજકોટ એસ.આર.પી.-13 ગ્રુપના કમાન્ડન્ટ એસ.પી. પી.જી. જાડેજાના.

તાજેતરમાં એસ.પી. રેંકના 105 ઉચ્ચ પોલીસ અધિકારીઓની થયેલી બદલીઓમાં અમદાવાદથી બદલી પામીને રાજકોટ એસ. આર.પી.માં મુકાયેલા એસ.પી. પ્રદિપસિંહ ધનશ્યામસિંહ જાડેજા (પી.જી. જાડેજા) આજે તેમના પરીજન એવા રીટાયર્ડ DYSP એ.પી. જાડેજા (સોળીયા) સાથે ‘વોઇસ ઓફ ડે’ અખબારની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તંત્રી પરેશ દવે સાથે તેમના જુના સંસ્મરણો વાગોળ્યા હતા. એસ.પી. જાડેજા ચાર દિવસ બાદ માસાંતે નિવૃત થનાર છે. તેમને તેમનાં ફરજના અંતિમ દિવસો કે કલાકો બાકી છે ત્યારે તેઓએ પોલીસ ડિપાર્ટમેન્ટમાં 1993 થી 2025 સુધીના PSI થી SP બન્યા સુધીની ફરજકાળ બાબતે કહયું કે 32 વર્ષ સુધી સફળતા પૂર્વક સફર પૂર્ણતાના આરે છે. પોલીસમાં ફરજ બજાવી લોકોની સેવા કરવાની જે તક મળી એ મારી સાચી પુંજી છે.
આ પણ વાંચો : માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને મળશે 1.50 લાખ સુધી કેશલેસ સારવાર : રાજકોટ જીલ્લામાં રૂ. 6.93 કરોડની સહાય ચૂકવાઈ
રાજકોટ નજીક સરધાર પાસેના સુકી સાજડીયાળી ગમના વતની રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા પ્રદિપસિંહના પિતા ઘનશ્યામસિંહ રાજકોટ મહાપાલિકામાં ફરજ બજાવતાં હતા. કાકા જશવંતસિંહ જાડેજા (જે.બી. જાડેજા હાલ નિવૃત પી.આઈ.) તેમની પાસેથી જે તે સમયે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોઇન્ટ થવાની પ્રેરણા મળી હતી. જેને ઇંજન એ.જી. ડિપાર્ટમેન્ટમાં (હાલ નિવૃત ઓડીટર) બીજા કાકા પરબતસિંહ જાડેજાએ પુરૂ પાડયું હતું અને પોતાનું પી.એસ.આઈ. બનવાનું સ્વપ્ન સાકાર થયું હતું. પિતા બંને કાકા અને વડિલ પરિવારજનોની શીખ હતી કે, પોલીસ ડિપાર્ટમેન્ટએ ખરા અર્થમાં પ્રજાની સેવાનો પર્યાય છે. એજ ધ્યેય સાથે વળગી રહેવાનો મંત્ર આજે રિટાયર્ડમેન્ટના અંતિમ કલાકો સુધી યાદ રાખીને 32 વર્ષ પોલીસ ડિપાર્ટમેન્ટમાં સફળતા પૂર્વક ફરજ બજાવી છે. સાથે એક વાત પી.એસ.આઈ. થતાંની સાથે જ મનમાં દ્રઢ રાખી હતી કે, કોઈ વ્યક્તિ રડતા આવે અને હસતા જાય એ જ ખરી ફરજ જે હેતુસર ફરજ બજાવી હતી અને 32 વર્ષ સુધી કોઈ દાગ વિના સફર સૌના સાથ સાથે પૂર્ણ થશે. જેનો યશ 32 વર્ષ સુધી મને સાથ આપનારા મારા સાથી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ, પરિચિતો, નામી, અનામી અનેક લોકોને છે.
