કાશ્મીરમાં વરસાદે 52 વર્ષનો રેકોર્ડ તોડ્યો : વૈષ્ણોદેવી દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 35 પર પહોંચ્યો,રાહત બચાવ કાર્ય ચાલુ
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે, જેના કારણે ઘણી જગ્યા પર ભૂસ્ખલનની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. કટરા નજીક અર્ધકુંવારી વિસ્તારમાં માતા વૈષ્ણોદેવીના યાત્રા માર્ગ પર ભૂસ્ખલન દુર્ઘટનાનો મૃત્યુઆંક 35 પહોંચ્યો છે. આ દુર્ઘટના ઉપર વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું છે તો મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે. હજુ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
ઝેલમ નદી ભયજનક સપાટીના પાર પહોંચી ગઈ છે ત્યારે ઘણા લોકો મલબામાં દબાયેલા હોવાની આશંકા સેવાય રહી છે. જમ્મુમાં 24 કલાકમાં 296.0 મિમી વરસાદ નોંધાયો, જેણે 1973નો રેકોર્ડ તોડ્યો છે.જ્યારે ઉધમપુરમાં 629.4 મિમી વરસાદે 2019નો રેકોર્ડ તોડ્યો છે. ભારે વરસાદે પુલ, વીજળીની લાઇનો અને મોબાઇલ ટાવર્સને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ ઉપરાંત આ કુદરતી આફતથી 3500થી વધુ લોકોનું સ્થાળાંતર કરાવવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પરિસ્થિતિની જાણકારી આપી અને કેન્દ્ર સરકારની મદદ માટે આભાર વ્યક્ત કર્યો હતો. અબ્દુલ્લાએ પૂરથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી, ખાસ કરીને તવી નદીના કિનારે આવેલા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું, જ્યાં નુકસાન વધુ થયું છે.
આ કુદરતી આફતમા જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને ડોડા-કિશ્તવાડ જેવા વિસ્તારો પ્રભાવિત થયા છે, જ્યારે રાજૌરી અને પુંછમાં પરિસ્થિતિ સામાન્ય છે. નદીઓના કાંઠે રહેતા લોકોના પુનર્વસનની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો. નુકસાનનું મૂલ્યાંકન બાદ રાહત પેકેજ તૈયાર કરવામાં આવશે.
