ગુજરાતમાં બેનામી પક્ષોને રૂ.4300 કરોડનું દાન : ગુજરાત મોડલ એટલે વોટ ચોરી મોડલ કહીને રાહુલ ગાંધીએ ટીકા કરી
રાજકીય પક્ષો દ્વારા લેવામાં આવતા દાનને લઈને દેશમાં સમયાંતરે હોબાળો મચ્યો છે. ક્યારેક દાન લેનારા રાજકીય પક્ષો કઠેડામાં હોય છે અને ઘણી વખત દાતાઓ પર પ્રશ્નો ઉભા થાય છે. આ દરમિયાન ગુજરાતમાં 10 બેનામી પક્ષોને 5 વર્ષમાં 4300 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે તેમ કહીને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ અંગે કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધી અત્યારે ચુંટણી પંચ સામે ગંભીર આરોપો છેલ્લા કેટલાક દિવસોથી લગાવી રહ્યા છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, “ગુજરાતમાં કેટલીક અનામી પાર્ટીઓ છે જેમના નામ કોઈએ સાંભળ્યા નથી પરંતુ તેમને 4300 કરોડ રૂપિયાના દાન મળ્યા છે. આ પાર્ટીઓએ ખૂબ જ ઓછા પ્રસંગોએ ચૂંટણી લડી છે, અથવા તેમના પર ખર્ચ કર્યા છે. રાહુલે એમ પણ કહ્યું છે કે ગુજરાત મોડલ એટલે વોટ ચોરીનું મોડલ.
આ પણ વાંચો : રાજકોટવાસીઓ પાસે પૈસા વધી ગયા : શેરબજારના રોકાણમાં દેશના ટોપ-10 જિલ્લામાં અવ્વલ
તેમણે વધુમાં કહ્યું કે આ હજારો કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા? તેમને કોણ ચલાવી રહ્યું છે? અને પૈસા ક્યાં ગયા? શું ચૂંટણી પંચ તપાસ કરશે અથવા તે અહીં પણ સોગંદનામું માંગશે? અથવા તે કાયદો જ બદલશે, જેથી આ ડેટા પણ છુપાવી શકાય?
રાહુલ ગાંધી છેલ્લા 2 મહિનાથી ચૂંટણી પંચથી ખૂબ ગુસ્સે છે. સમયાંતરે, તેઓ કમિશન વિરુદ્ધ નિવેદનો આપતા રહે છે. આ સાથે, તેઓ એવો પણ આરોપ લગાવે છે કે દેશમાં ચૂંટણી પંચ હાલમાં ભાજપ માટે કામ કરી રહ્યું છે. ગુજરાત દાન કેસમાં પણ, રાહુલ ગાંધીએ હવે ચૂંટણી પંચના કોર્ટમાં બોલ મૂકી દીધો છે અને પ્રશ્નો ઉભા કર્યા છે કે શું ચૂંટણી પંચ હવે આ બાબતે કોઈ કાર્યવાહી કરશે? કે તપાસ કરશે ?
