સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ ! માત્ર 83 ટકા ખાબક્યો,ચોમાસાની વિદાયનું કાઉન્ટ ડાઉન શરૂ,આ તારીખ સુધીમાં પૂર્ણ થશે ચોમાસું
ચાલુ વર્ષે સમયસર મેઘપધરામણી થતા ખેડૂતોને સોળઆની વરસ જવાની આશા હતી પરંતુ જુલાઈના અંતભાગમાં તેમજ ઓગસ્ટની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ઘટતા ગત વર્ષની તુલનાએ ઓગસ્ટ માસના અંત સુધીમાં સૌરાષ્ટ્રમાં ગત વર્ષની તુલનાએ 18 ટકાથી વધુ વરસાદની ખાધ પડી છે. હવામાન નિષ્ણાંતોના મતે વર્તમાન સ્થિતિ અને ખાનગી હવામાન એજન્સીના તારણો જોતા 15 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાય નિશ્ચિત મનાઈ રહી છે અને આગામી 15 દિવસના આ સમય ગાળામાં ભારે વરસાદની કોઈ જ શક્યતા નથી. નોંધનીય છે કે,વર્ષ 2024માં 27 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં 101 ટકાથી વધુ સરેરાશ વરસ્યો હતો જેની સામે વર્ષ 2025માં માત્ર 83 ટકા જ વરસાદ વરસ્યો હોય વરસાદની 17 ટકા ખાધ પડી છે.
સામાન્ય રોતે રાજ્યમાં બંગાળની ખાડીમાં ઉદભવતા લો પ્રેસર અને અરબી સમુદ્રમાં ઉદ્ભવતા ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન વરસાદને ખેંચી લાવતા હોય છે. ઓણસાલ વરસાદનો વરતારો કાઢતા આગાહીકારોના મતે 16 આની વરસાદ એટલે કે, સારું વર્ષ રહેવાની આગાહી કરવામાં આવી હતી. જો કે,આગાહીઓ મુજબ જ આ વર્ષે 16 જૂનથી સમયસર ચોમાસાનો પ્રારંભ થયો હતો અને પ્રથમ રાઉન્ડમાં જ મેઘરાજાએ અનરાધાર હેત વરસાવતા અનેક સ્થળોએ તબાહીના દ્રશ્યો પણ સર્જાયા હતા. બીજી તરફ રાજ્યમાં આ વર્ષે ઓગસ્ટ મહિનો પૂરો થવામાં હોવા છતાં સરેરાશ 751.81મીમી એટલે કે, 25 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.જેની સામે સૌરાષ્ટ્રમાં 626.21 મીમી એટલે કે, 24.65 ઈંચ જ વરસાદ જ વરસ્યો છે.

દરમિયાન હવામાન નિષ્ણાંતોના મતે આ વર્ષે ચોમાસાની પેટર્ન બદલાઈ હોય તેવી સ્થિતિમાં રાજ્યમાં કોસ્ટલ વિસ્તાર એટલે કે, દરિયાઈ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે મધ્ય સૌરાષ્ટ્ર હેઠળ આવતા રાજકોટ, મોરબી, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. હાલમાં ખાનગી હવામાન એજન્સીઓના તારણો જોતા આગામી 15 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ લાવી શકે તેવી કોઈ સિસ્ટમ પણ નથી ત્યારે 15 સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાય નક્કી હોવાનું મનાઈ રહ્યું છે. સાથે જ નવરાત્રી સુધીમાં પાછોતરો વરસાદ પડે તો જ વરસાદી ખાધ પુરી થાય તેમ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
રાજકોટ જિલ્લામાં 27 ઓગસ્ટની સ્થિતિએ વરસાદ
રાજકોટ જિલ્લામાં વર્ષ 2025માં વિચિત્ર સ્થિતિ સામે આવી છે, ગત વર્ષે જે તાલુકામાં ધીંગી મેઘમહેર થઇ હતી તેવા ઉપલેટા અને પડધરી જેવા તાલુકામાં આ વર્ષે માંડ 52 ટકા જ વરસાદ વરસ્યો છે. ખાસ કરીને વિછિયા તાલુકામાં તો આ વર્ષે 50 ટકા પણ વરસાદ વરસ્યો નથી. ઓગસ્ટના અંત ભાગ સુધીમાં વિછિયામાં માત્ર 44 ટકા જ વરસાદ વરસ્યો હોય ખેડૂતો ચિંતિત બન્યા છે અને આવતા ઉનાળા સુધીનો સમય કેમ પસાર થશે તેની અત્યારથી જ ચિંતા કરી રહ્યા છે.
